સામાન્યપણે કંપનીઓ પોતાના ઉત્પાદનોનું વેચાણ વધારવા ટેક્સ ઘટાડવાની માગણી કરે છે. જોકે, માર્લબોરો જેવી સિગારેટ બ્રાન્ડની સૌથી મોટી ઉત્પાદક કંપની ફિલિપ મોરિસે સૌપ્રથમ વખત સિગારેટ્સ પર વધુ ટેક્સ નાખવા માગણી કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે કર વધવાથી ધૂમ્રપાન કરનારાઓ વધુ આરોગ્યપ્રદ વિકલ્પો તરફ વળશે.
• ડ્યૂક વિલિયમ સજોડે જર્મની જશે
ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ જુલાઈ મહિનામાં જર્મનીની મુલાકાત લેવાનાં છે. વડા પ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટ વાટાઘાટોનો આરંભ કરે તેના ચાર મહિનાની અંદર જ શાહી દંપતી ‘બ્રેક્ઝિટ એમ્બેસેડર્સ’ની ભૂમિકા સાથે મૈત્રીનો હાથ લંબાવવા પોલેન્ડ અને જર્મનીની સત્તાવાર મુલાકાત લેશે. ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને દંપતીને આ મુલાકાત લેવા જણાવ્યું છે.
• શેફ પર મરચા પાવડર ફેંકવાનો આરોપ
ટોનીપાન્ડીના પ્રિન્સ ઓફ બેંગાલ રેસ્ટોરાં ખાતે ગ્રાહક ડેવિડ ઈવાન્સના ચહેરા અને આંખો પર મરચા પાવડર નાખવાનો આરોપ રેસ્ટોરાં માલિક અને શેફ કામરુલ ઈસ્લામ સામે લગાવાયો છે. તેને આગામી મહિને કોર્ટમાં રજુ કરવામાં આવશે. ડેવિડ ઈવાન્સ પત્ની મિશેલ સાથે ભારતીય ભોજન લેવાં રેસ્ટોરાંમાં ગયા હતા. પરંતુ ભોજન બરાબર ન લાગતા તેની ફરિયાદ કરવા કિચનમાં ગયા ત્યારે આ ઘટના ઘટી હતી.
• મુસ્લિમ સ્વીમર્સ માટે ‘બુર્કિની’
મુસ્લિમ મહિલાઓ વધુ પ્રમાણમાં તરણ સ્પર્ધાઓમાં ભાગ લેતી થાય તે માટે પહેરવેશના નિયમો બદલવામાં આવ્યા છે. એમેચ્યોર સ્વીમિંગ સ્પર્ધાઓમાં મુસ્લિમ મહિલાઓને સૌપ્રથમ વખત સંપૂર્ણ બોડી સ્યૂટ્સ પહેરવાની છૂટ આપવામાં આવી છે. મુસ્લિમ વિમેન્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઈ એમેચ્યોર સ્વીમિંગ એસોસિયેશને આ છૂટ આપતો નિર્ણય લીધો હતો.

