• સુપરમાર્કેટ્સ ઓફર્સ પર પ્રતિબંધની શક્યતા

Monday 15th February 2016 05:21 EST
 

એકની ખરીદી સામે એક મફત અને ખાસ સોદા જેવી ગેરમાર્ગે દોરતી સુપરમાર્કેટ્સ ઓફર્સ પર પ્રતિબંધ આવી શકે છે. કન્ઝ્યુમર ગ્રૂપ Which? દ્વારા કાનૂનમાન્ય સુપર-કમ્પ્લેઈન્ટના પરિણામે વેઈટરોસ, ટેસ્કો, સેઈન્સબરી અને અસ્ડા સહિતના મોટા સ્ટોર્સ સત્તાવાર તપાસ હેઠળ આવ્યા છે. તાજેતરના સંશોધન અનુસાર આવી ઓફર કે સોદા ખરીદારોને વર્ષે વધારાના ૧,૦૦૦ પાઉન્ડ ખર્ચવા લલચાવે છે. મલ્ટિ-બાય ઓફર્સ સાચી બચત કરાવતા ન હોવાની ફરિયાદ Which?ની છે.

• મહિલાઓ માટે સમીક્ષા બોર્ડમાં પુરુષને હોદ્દો

અગ્રણી કંપની બોર્ડ્સમાં એક્ઝીક્યુટિવ સ્તરે મહિલાઓની ઓછી સંખ્યાને નજરમાં રાખી તેઓને પ્રોત્સાહિત કરવા રચાયેલા નવા સ્વતંત્ર સમીક્ષા બોર્ડના વડા તરીકે સર ફિલિપ હેમ્પ્ટનની નિમણૂકે ચકચાર જમાવી છે. સોશિયલ નેટવર્ક પર આ મુદ્દે મિનિસ્ટર્સની ઠેકડી પણ ઉડાવાઈ છે. સરકારે પેનલના બીજા ક્રમના સભ્ય તરીકે ડેમ હેલન એલેકઝાન્ડરની નિમણૂક કર્યા પછી ટ્વીટર પર કટાક્ષોની ભરમાર છવાઈ હતી.

• બનાવટી બ્રાન્ડેડ માલ વેચવા બદલ દંડ

જાણીતી બ્રાન્ડેડ કંપનીઓના બનાવટી સ્પોર્ટ શર્ટ વેચવા બદલ રવિવારી માર્કેટના ટ્રેડર અફરાન અહમદને લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ૧૫,પાઉન્ડથી વધુનો દંડ ફરમાવ્યો હતો. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે ગયા વર્ષે વેપારીની દુકાન પર પાડેલા દરોડામાં જપ્ત ૮૯ શર્ટમાંથી ૮૩ આઈટમ પર નાઈકે, પુમા, પોલો સહિત બનાવટી બ્રાન્ડેડ લોગો લગાવેલા હતા. કોર્ટમાં રોઈ પડેલા અફરાને ગુના સ્વીકારી દંડ સહિતની રકમ ૨૮ દિવસમાં ચુકવી આપવા ખાતરી આપી હતી.

• ડિફેન્સ મિનિસ્ટર પર મૂલ્યવાન ભેટોનો વરસાદ

કતારના રાજકારણીઓએ ૨૦૧૨ પછીના ગાળામાં બ્રિટિશ ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મિનિસ્ટર ફિલિપ ડૂનને ૩૩,૦૦૦ પાઉન્ડના મૂલ્યની ૬૭ કિંમતી ભેટો આપી હતી. આ ભેટોમાં ૫,૦૦૦ પાઉન્ડના મૂલ્યની કોન્કોર્ડ ઘડિયાળ, ડિઝાઈનર વસ્ત્રો, પરફ્યુમ્સનો સમાવેશ થાય છે. નિયમો હેઠળ મિનિસ્ટર્સ ૧૪૦ પાઉન્ડથી ઓછાં મૂલ્યની વ્યક્તિગત ભેટ પોતાની પાસે રાખી શકે છે. ફિલિપ ડૂને કુલ ૨,૦૮૮ પાઉન્ડના મૂલ્યની ભેટ રાખી છે. ડૂન અવારનવાર કતારના રાજકારણીઓને મળતા રહે છે.

• બળાત્કારી પાકિસ્તાન નાસી છૂટ્યો

બાળક પર બળાત્કાર કરનારા ૩૮ વર્ષીય ચૌધરી ઈખાલક હુસેનને બર્મિંગહામ ખાતે ફ્યુનરલમાં હાજરી આપવા એક દિવસની છૂટ અપાઈ હતી તેનો ફાયદો ઉઠાવી તે યુકે છોડી નાસી ગયો હતો. ચૌધરીને નવેમ્બર મહિનામાં ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ દ્વારા રોશડેલ બાળ યૌનશોષણની તપાસ દરમિયાન બાળક પર બળાત્કાર, જાતીય કૃત્ય અને બળાત્કારના કાવતરા માટે મિનશુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટ દ્વારા દોષિત ઠરાવાયો હતો. તે વિમાનમાર્ગે એમ્સટર્ડેમ અને ત્યાંથી ઈસ્લામાબાદ પહોંચ્યો હોવાનું મનાય છે.

• ડ્રગ ડીલરને સાત વર્ષની જેલ

શોટગન અને બે શસ્ત્ર તથા અડધો કિલો ગાંજો રાખવા બદલ ડ્રગ ડીલર સોહિલ અમજાદને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સાત વર્ષ જેલની સજા ફરમાવી હતી. પોલીસે ૨૨ વર્ષના અમજાદના સ્પાર્કહિલસ્થિત નિવાસે દરોડો પાડ્યો ત્યારે શસ્ત્રો, કાર્ટ્રીજ, બૂલેટ્સ અને ગાંજો મળી આવ્યા હતા. અમજાદે પ્રતિબંધિત શસ્ત્રો અને એમ્યુનિશન તેમજ પૂરવઠો પહોંચાડવાના ઈરાદાથી માદક પદાર્થ રાખવાના ગુના કબૂલ્યા હતા.

• એસાઈલમ સીકર્સના કાંડે પટ્ટી પહેરવાનો વિવાદ

બ્રિટનમાં એસાઈલમ ઈચ્છનારાને ભોજનના બદલામાં હાથના કાંડે પટ્ટી પહેરવાની ફરજ પાડનારી કંપની ક્લીઅરસ્પ્રિંગ્સને પાર્લામેન્ટ સમક્ષ હાજર રહેવા જણાવાયું છે. કંપનીના એક ડિરેક્ટરને આશરે વાર્ષિક ૯૬૦,૦૦૦ પાઉન્ડ ચુકવાતા હોવાનું કહેવાય છે. હોમ ઓફિસે ઈમિગ્રન્ટ્સની દેખભાળ રાખવા કંપની સાથે કરાર કર્યો છે. સાઉથ ઈસેક્સના બે ભાઈઓ ગ્રેહામ અને જેફ કિંગ આ કંપનીના માલિક છે. કંપની દ્વારા એસાઈલમ સીકર્સને હોટેલમાં રખાયા હતા અને તેમણે ઓળખપટ્ટી સાથે અન્ય મહેમાનોથી દૂર ભોજન કરવું પડતું હતું.

• દસ ફૂટ પહોળાઈની પ્રોપર્ટીની જંગી કિંમત

સાઉથ લંડનના ઈસ્ટ ડલીચમાં માત્ર ૧૦ ફૂટની પહોળાઈ ધરાવતી એક પ્રોપર્ટી ૮૦૦,૦૦૦ પાઉન્ડની વેચાણકિંમત સાથે બજારમાં મૂકાઈ છે. આ પ્રોપર્ટીમાં બે બેડરુમ, બાથરુમ, રીસેપ્શન રુમ, કિચન અને પાછળના ભાગમાં વિશાળ ગાર્ડન હોવાનો દાવો કરાયો છે. લંડનમાં પ્રોપર્ટીના ભાવ સાતમા આસમાને હોય છે. વેસ્ટ લંડનની મોંઘી પ્રોપર્ટીની સરેરાશ કિંમત આશરે ૨૦ મિલિયન પાઉન્ડ રહે છે. અગાઉ ૨૦૧૪માં બ્રિટનના સૌથી નાના ઘર તરીકે જાણીતી પ્રોપર્ટી ટ્રેનના ડબાથી અડધી સાઈઝની હોવા છતાં ૨૭૫,૦૦૦ પાઉન્ડની કિંમતે વેચાઈ હતી.

• સમલિંગી જેહાદીની ઓળખ છુપાવવા પ્રયાસ

પોલીસ અને પ્રોસિક્યુટરોએ માનવ અધિકારોને આગળ ધરી ૧૯ વર્ષીય બ્રિટિશ જેહાદીની સજાતીય હોવાની ઓળખ ગુપ્ત રાખવા પ્રયાસ કર્યો હતો. સીરિયા અને ઈરાકમાં કાર્યરત ઈસ્લામિસ્ટ ત્રાસવાદી સંગઠન Isilમાં જોડાયેલો અસીલ મુથાના સૌથી યુવાન બ્રિટિશર હોવાનું કહેવાય છે. અસીલ ૨૦૧૪માં મિત્રોની મદદથી સીરિયામાં તેના ભાઈ સાથે જોડાવા ગયો ત્યારે ટીનેજર હતો. તેને સીરિયા જવામાં મદદ કરનારા ક્રિસ્ટેન બ્રેકે, આદિલ ઉલ્હક અને ફરહાદ રહેમાનને ઓલ્ડ બેઈલી કોર્ટમાં દોષિત ઠરાવાયા હતા.

• ન્યૂસન્સ કોલ્સ નિયંત્રિત કરવાનું અભિયાન

બ્રિટિશ ટેલિકોમ નવી સર્વિસ મારફત એક સપ્તાહમાં ૨૫ મિલિયન ન્યૂસન્સ કોલ્સ નાબૂદ કરવા કે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશે. ટેલિકોમ જાયન્ટ કોલર્સની પેટર્નને ઓળખવા તેના ૧૦ મિલિયન ડોમેસ્ટિક ગ્રાહકોને આવતા કોલ્સને મોનિટર કરશે. આવા નકામા નંબર્સને જન્ક વોઈસ બોક્સમાં ડાઈવર્ટ કરવામાં આવશે તેથી સપ્તાહમાં ૨૫ મિલિયન અનિચ્છનીય કોલ્સને અસર થવાની આશા બ્રિટિશ ટેલિકોમને છે. મોટા ભાગના લોકો દર મહિને મુખ્યત્વે પર્સનલ ઈન્જરી ક્લેઈમ્સ (PPI), ઓટોમેટેડ માર્કેટિંગ અથવા સેલ્સ મેસેજિસના નકામા ટેલિફોન કોલ્સથી પરેશાન રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter