ટીનેજર્સમાં સેલ્ફીની વધેલી ઘેલછાથી ખોરાક ઓછો લેવાની મનોવૃત્તિ અને ખાવાની વિકૃતિઓ વધી હોવાની ચેતવણી ડાયેટ અને એક્સરસાઈઝ એક્સપર્ટ રોઝમેરી કોન્લીએ આપી છે. ડાયેટ ઈન્ડસ્ટ્રીને સેવા બદલ ૨૦૦૪ના ન્યુ યર્સ ઓનર્સમાં CBI એનાયત કરાયેલા મિસ કોન્લીએ કહ્યું હતું કે સેલ્ફી લેવાના ચિંતાજનક વળગણથી ઈટિંગ ડિસઓર્ડર્સમાં વધારો થાય છે. તંદુરસ્ત શરીર માટે ચરબીથી ભરપૂર નાસ્તો ટાળવો, દિવસમાં ત્રણ વખત ભોજન, ફળો અને શાકભાજીનો ભરપૂર ઉપયોગ, સુગર-ફ્રી ડ્રિન્ક્સ લેવા તેમજ આલ્કોહોલ થોડા પ્રમાણમાં લેવાય તે જરૂરી છે. NHS દ્વારા ૨૦૧૫માં જણાવાયું હતું કે ઈટિંગ ડિસઓર્ડર્સ સાથે હોસ્પિટલમાં દાખલ કરાતા ટીનેજર્સની સંખ્યા ત્રણ વર્ષમાં બમણી થઈ છે. ધ રોયલ કોલેજ ઓફ સાઈકિયાટ્રિસ્ટ્સે આ અભૂતપૂર્વ વધારા માટે દોષનો ટોપલો સોશિયલ મીડિયા પર ઢોળ્યો હતો.
• હેલ્થકેર માટે વધુ £૧૫૬ બિલિયનની જરૂર
વૃદ્ધ વસ્તી અને હેલ્થકેરની વધતી કિંમતોથી બ્રિટનના પબ્લિક ફાઈનાન્સની હાલત ડામાડોળ થવાની ચેતવણી ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી દ્વારા અપાઈ છે. દેશ માટે ૫૦ વર્ષની આગાહી કરતા વોચડોગે જણાવ્યું હતું કે બ્રિટનના ફાઈનાન્સીસને સમતોલ કરવાની બાંહેધરી પૂર્ણ કરવા માટે ચાન્સેલરોએ ટેક્સીસ વધારવા પડશે અથવા ખર્ચામાં કાપ મૂકવા પડશે. હેલ્થકેરના ખર્ચામાં ખાઈ પૂરવાના ભંડોળ માટે દેશને ૨૦૬૬-૬૭ સુધીમાં વધારાના ૧૫૬ બિલિયન પાઉન્ડની વ્યવસ્થા કરવી પડશે.
• અસ્થમા ન હોવાં છતાં સારવાર
અસ્થમાના કુલ દર્દીઓમાંથી ત્રીજા ભાગના લોકો અથવા ત્રણમાંથી અંદાજે એક વ્યક્તિ તેમને આ રોગ હોવાનું માની તેની સારવાર મેળવે છે. જે લોકોને અસ્થમાનું ખોટું નિદાન કરાય છે તેઓને અસ્થમાની દવાઓની આડઅસરો નકામી અને બિનજરૂરી સહન કરવી પડે છે. અસ્થમાની બિનજરૂરી જવાઓ આપવાના કારણે NHSને મિલિયન્સ પાઉન્ડનો બોજો સહન કરવાનો થાય છે. ડોક્ટરો અસ્થમાનું યોગ્ય નિદાન કરવામાં અથવા અસ્થમાની સ્થિતિ નાબૂદ થઈ હોવાનું સમજવામાં નિષ્ફળ રહે છે.
• વધેલો ફૂગાવો પરિવારો માટે ચિંતાનું કારણ
પાઉન્ડના મૂલ્યમાં ઘટાડા સાથે ફૂગાવો બે કરતા વધુ વર્ષમાં ૧.૬ ટકાના ઊંચા સ્તરે પહોંચ્યો છે. નવેમ્બરમાં ફૂગાવાનો દર ૧.૨ ટકા હતો. વિમાનભાડાં, ખોરાકની કિંમતો અને પેટ્રોલના ભાવ વધવાથી ફૂગાવા- કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સને ભારે અસર પહોંચી છે, જે પરિવારો માટે ચિંતાનું કારણ છે. અગાઉ, જુલાઈ ૨૦૧૪માં ફૂગાવો આ સ્તરે હતો. કિંમતોમાં વધારો સરકાર અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ માટે ચિંતાનું કારણ છે. અર્થનિષ્ણાતો માને છે કે ૨૦૧૭ના અંત સુધી ફૂગાવાનો દર વધીને ત્રણ ટકા થઈ જશે.
• દેવળમાં કુરાન પઠન ઈશ્વરનિંદા ગણાશે
તાજેતરમાં સર્વિસ દરમિયાન કુરાન પઠનની પરવાનગી આપનારા ગ્લાસગો દેવળની ક્વિનના પાદરી રેવરન્ડ ગાવિન એશેન્ડને ટીકા કરતાં જણાવ્યું હતું કે મુસ્લિમો દ્વારા ક્રિશ્ચિયનો પર થતા ક્રૂર દમન બદલ દેવળે ખ્રિસ્તીઓની માફી માગવી જોઈએ. દેવળે કુરાનમાંથી ઈસુ ખ્રિસ્ત દેવપુત્ર નથી તેવું જણાવતા ફકરાનું પઠન કરવાની પરવાનગી આપી હતી. મુસ્લિમો ઈસુને પયગમ્બર માને છે પરંતુ, ખ્રિસ્તી ઉપદેશો મુજબના ઈસુના દિવ્ય સ્વરૂપને માનતા નથી.

