યુવા પેઢી ફેસબુક સહિતના સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સથી અળગી થઈ રહી છે. આનું કારણ એ છે કે તેમના જ પેરન્ટ્સ હવે આવી સાઈટ્સ પર ઓનલાઈન થવાં લાગ્યાં છે. પેરન્ટ્સ સાથે ઓનલાઈન સંબંધ બાંધવા ન પડે તે માટે યુવા પેઢી તેમના સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ્સ રદ કરી વધુ સ્પર્ધાત્મક સાઈટ્સ સાથે જોડાવા લાગી છે.
• એડ મિલિબેન્ડના સલાહકાર બ્રિટનમાં ટેક્સ ચુકવતા નથી
લેબર પાર્ટીના નેતા એડ મિલિબેન્ડના વરિષ્ઠ યુએસ સલાહકાર ડેવિડ એક્સેલરોડ તેમની યુકેની કમાણીનો ટેક્સ બ્રિટનમાં ચુકવતા નથી. બરાક ઓબામાના પૂર્વ સલાહકાર ડેવિડ કહે છે કે તેઓ ટેક્સના હેતુસર યુએના નિવાસી છે. લેબર પાર્ટીએ ૨૦૧૫ની ચૂંટણી જીતવા પ્રચાર અભિયાનમાં મદદ માટે એક્સેલરોડની સેવા મેળવી છે. તેઓ બ્રિટનમાં £૩૦૦,૦૦૦ની કમાણી કરે છે. લેબર પાર્ટીએ પણ સ્વીકાર્યું છે કે એક્સેલરોડ યુએસમાં રહે છે, યુએસમાં કામ કરે છે અને યુએસમાં જ ટેક્સ ચુકવે છે.
• એશલી મેડિસનની લંડનમાં પબ્લિક ઓફરની યોજના
લગ્નબાહ્ય સંબંધો ઈચ્છતાં લોકો માટેની ઓનલાઈન ડેટિંગ વેબસાઈટ એશલી મેડિસન આ વર્ષે લંડનમાં પબ્લિક ઓફર (IPO)ની યોજના ધરાવે છે. પાંચ વર્ષ પહેલા ટોરન્ટોમાં તે રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી. યુરોપમાં વ્યભિચાર વિશે અભિગમ બદલાયો હોવાનું માનતી કંપની એક બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવે છે. કંપની લંડન IPOમાંથી £૧૩૫ મિલિયન ઉભા કરી આ નાણાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં કરવાનું લક્ષ્ય ધરાવે છે.
• વૃદ્ધાવસ્થાનો આરંભ હવે ૭૪ વર્ષથી થાય છે
બ્રિટનમાં અગાઉ ૬૫ વર્ષનો માનવી ૧૫ વર્ષ વધુ જીવી શકે તેમ મનાતું હતું, પરંતુ હવે તે વધુ વર્ષ જીવે છે. વિએનાની ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એપ્લાઈડ સિસ્ટ્મ્સ એનાલીસિસના અભ્યાસ અનુસાર વૃદ્ધાવસ્થાનો આરંભ હવે ૭૪ વર્ષથી થાય છે, જે અગાઉ ૬૫ વર્ષથી આરંભાતી હોવાનું મનાતું હતું. આમ, મધ્ય વયમાં નવ વર્ષનો ઉમેરો થયો છે. સંસ્થાની દલીલ છે કે વૃદ્ધાવસ્થા માત્ર વયથી માપી શકાય નહિ, પરંતુ હવે તે કેટલા વર્ષ જીવી શકશે તેના પરથી મપાવી જોઈએ.
• ‘મિડસોમર મર્ડર્સ’ નાટકમાં હવે એશિયન પાત્રનું પ્રભુત્વ
‘મિડસોમર મર્ડર્સ’ નાટકમાં હવે મુખ્ય ઈંગ્લિશ પાત્રનું પ્રભુત્વ ખતમ થયું છે. વંશીય અભિનેત્રી મનિન્દર કૌર છ એપિસોડની નવી શ્રેણીમાં પેથોલોજિસ્ટ ડો. કામ કેરિમોરનું પાત્ર સમગ્ર શ્રેણી દરમિયાન ભજવશે. ટેલીવિઝન શ્રેણીના લેખક અને પ્રોડ્યુસર બ્રિયાન ટ્રુમેએ શ્રેણીને અંગ્રેજિયતના છેલ્લાં ગઢ તરીકે ગણાવી હતી. જોકે, હવે વંશીય વસ્તીના વધેલા પ્રમાણથી સંજોગોમાં બદલાવ આવ્યો છે.
• ડાઈવોર્સથી સ્ત્રીને હૃદયરોગનું જોખમ વધે છે
ડાઈવોર્સ લીધેલી સ્ત્રી પુનઃ લગ્ન કરે તો પણ તેનું દિલ તૂટેલું જ રહે છે અને હૃદયરોગનું જોખમ વધી જાય છે તેમ નવા અભ્યાસના તારણો કહે છે. સ્ત્રી એક વખત ડાઈવોર્સ લે તો તેને હૃદયરોગનો હુમલો આવવાની વધુ શક્યતા રહે છે અને બે કે ત્રણ વખત લગ્નવિચ્છેદ થાય તો આવી સંભાવના અને જોખમ વધી જાય છે. પુરુષને એક ડાઈવોર્સની વિશેષ અસર થતી નથી, પરંતુ બે કે ત્રણ ડાઈવોર્સ પછી તેના માટે હૃદયરોગનું જોખમ ઉભું થાય છે.

