સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટિસની પેનલ દ્વારા સ્કૂલની ટર્મમાં અધવચ્ચે બાળકને રજાઓ માણવા લઈ જવાના મુદ્દે ફાઈનલ અપીલ કરવા આઈલ ઓફ વાઈટ કાઉન્સિલને મંજૂરી આપી છે. આ કાનૂની યુદ્ધ સમગ્ર યુકેના બાળકો, માતાપિતા અને શાળાઓ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. બાળકોને અસામાન્ય સંજોગો સિવાય શાળામાંથી રજા આપવામાં આવતી નથી પરંતુ, જોન પ્લાટે પોતાની પુત્રીને રજાઓ માણવા લઈ જવાના કેસમાં તેની હાજરીના સારા રેકોર્ડ્સને આગળ ધરી મેજિસ્ટ્રેટ કોર્ટ અને હાઈ કોર્ટમાંથી સફળ ચુકાદા હાંસલ કર્યા હતા. જોકે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સમર્થન સાથે કાઉન્સિલે અપીલની મંજૂરી માગી હતી. નવા વર્ષના પૂર્વાર્ધમાં અપીલની સુનાવણી થઈ શકે છે.
• એસ્કોર્ટની હત્યા બદલ મિલિયોનેરને જેલ
પ્રોપર્ટી ડેવલપર પીટર મોર્ગનને સાઉથ વેલ્સની ૨૫ વર્ષીય એસ્કોર્ટ જ્યોર્જીના સિમોન્ડ્સની ગત જાન્યુઆરીમાં હત્યા બદલ ન્યુપોર્ટ ક્રાઊન કોર્ટે આજીવન કારાવાસની સજા ફરમાવી છે,જેમાં ઓછામાં ઓછાં ૨૫ વર્ષ જેલમાં વીતાવવા પડશે. ન્યૂપોર્ટના બંગલામાં મફત રહેવાસ ઉપરાંત, માસિક ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીની રકમ તે એસ્કોર્ટ જ્યોર્જીનાને ચુકવતો હતો. પીટરે હત્યાની કબૂલાત કરી હતી કે જ્યોર્જીના તેની પાસેથી નાણા મેળવતી હોવાં છતાં તેને છોડી બોયફ્રેન્ડ સાથે ચાલી જશે અને બ્લેકમેઈલ કરશે તેવો તેને ભય હતો. ત્રણ દિવસની સુનાવણી પછી જ્યુરીએ પીટરને હત્યાનો દોષિત ઠરાવ્યો હતો.
• ૧૬ વર્ષના જેલવાસ પછી નિર્દોષ ઠરાવાયો
મિડલ્સબરોના પેન્શનર મોહમ્મદ શરીફની એપ્રિલ ૧૯૯૯માં હત્યાના પગલે આજીવન કેદ અને ઓછામાં ઓછી ૧૫ વર્ષ જેલની સજા કરાયેલા જોનાથન એમ્બલટનને અપીલ કોર્ટે ૧૬ વર્ષના જેલવાસ પછી મુક્ત કર્યો છે. નવેમ્બર ૨૦૦૦માં હત્યાના ગુનામાં જોનાથન,માર્ક ગ્રેહામ અને સ્ટીફન હેમને આજીવન કેદની સજા કરાઈ હતી. બાકીના બે ગુનેગારની સજા યથાવત છે. જોનાથને તે નિર્દોષ હોવાનું સતત જણાવ્યું હતું. જોકે, નવા પુરાવાઓ ધ્યાનમાં રાખી લંડનની અપીલ કોર્ટે તેને ગુનેગાર ઠરાવતો ચુકાદો ઉલટાવ્યો હતો. એમ્બલટને તે હત્યાના સમયે ગર્લફેન્ડની સાથે હોવાનું જણાવ્યું હતું પરંતુ, ગર્લફ્રેન્ડે તેને આવું યાદ નહિ હોવાનું કહ્યું હતું.
• યુકેમાં શેરી અને પોર્ટનું વેચાણ ભારે ઘટ્યું
વાઈન એન્ડ સ્પિરિટ ટ્રેડ એસોસિયેશનના આંકડા મુજબ યુકેમાં ક્રિસમસના તહેવારમાં લોકપ્રિય ગણાતાં ડ્રિન્ક શેરી અને પોર્ટનું વેચાણ ગત દાયકામાં અડધાથી વધુ ઘટી ૨૦૧૫ના વર્ષે ૧૦ મિલિયન બોટલ જેટલું થયું છે. વર્ષ ૨૦૦૫માં શેરીનું વેચાણ ૨૨ મિલિયન બોટલ હતું. બીજી તરફ, વાઈન અને જિનનું વેચાણ આ વર્ષે તેજીમાં છે. માર્કેટ સંશોધન અનુસાર ૬૫ વર્ષથી વધુ વયના ૩૪ ટકાની સરખામણીએ ૨૫-૩૪ વયજૂથના માત્ર ૧૦ ટકા લોકો જ શેરી પીએ છે. વધતા ટેક્સના લીધે પણ વેચાણ ઘટ્યું હોવાનું કહેવાય છે. ૨૦૦૭થી ફોર્ટિફાઈડ વાઈનની ડ્યૂટીમાં ૫૩ ટકાનો વધારો થવાથી પોર્ટ અથવા શેરીની બોટલની કિંમત એક પાઉન્ડ વધી ગઈ છે.
• લેબર સાંસદ જેમી રીડનું રાજીનામું
જેરેમી કોર્બીનના વાચાળ ટીકાકાર જેમી રીડે વેસ્ટ કમ્બ્રીઆના કોપલેન્ડ વિસ્તારના લેબર સાંસદ તરીકે રાજીનામું આપ્યું છે. આના કારણે કન્ઝર્વેટિવ અને યુકેઆઈપી સાથે લેબર પાર્ટીએ પેટાચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં જોડાવું પડશે. જેમી રીડ ૨૦૦૫થી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને હવે ફેબ્રુઆરીથી સેલાફિલ્ડ ન્યુક્લીઅર પ્રોસેસિંગ સાઈટની નોકરીમાં જોડાઈ રહ્યા છે. રાજીનામા માટે કોર્બીન સાથેના મતભેદ કારણભૂત હોવાનો રીડે ઈનકાર કર્યો હતો. તાજેતરમાં રિચમન્ડ અને સ્લીફર્ડ પેટાચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શન પછી લેબર પાર્ટી માટે કમ્બ્રીઆ પેટાચૂંટણી કોર્બીન અને લેબર પાર્ટી માટે મોટી પરીક્ષા બની રહેશે. કોર્બીને ફરી આ બેઠક જીતવાની આશા દર્શાવી છે.

