બ્રિટનમાં અંદાજે ૬૨૦,૦૦૦ લોકોના ડીએનએમાં વારસાગત ખામી હોવાથી તેમને હ્રદયરોગનું અથવા તો અચાનક મૃત્યુનું જોખમ હોવાનું બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડિરેક્ટર નીલેશ સામાણીએ જણાવ્યું છે. આવા ખામીયુક્ત ડીએનએ ધરાવતા લોકોની સંખ્યા પ્રત્યે અગાઉ ભારે અવગણના કરાઈ હતી. અગાઉના અંદાજ કરતાં નવા અંદાજમાં તેમની સંખ્યા ૧૦૦,૦૦૦ જેટલી વધુ છે. બાળકોને પેરન્ટ્સના ખામીયુક્ત ડીએનએ વારસામાં મળવાની શક્યતા ૫૦ ટકા છે. દર અઠવાડિયે ૩૫ અથવા તેથી ઓછી વયના ૧૨ લોકોના થતા આકસ્મિક મૃત્યુમાં મોટાભાગે વારસાગત હ્રદયરોગ કારણરૂપ હોય છે.
• GPની સંખ્યા ઘટાડવાનો પ્રસ્તાવ તર્કહીન
GP અગ્રણીઓએ ચેતવણી આપી છે કે NHSમાં સુધારાના આયોજનનો ઉપયોગ ફેમિલી ડોક્ટરોની સંખ્યા ઘટાડવા માટે થઈ રહ્યો છે. ગયા વર્ષે નિર્ધારિત રકમ કરતાં વિક્રમજનક ખર્ચ બાદ ‘સબસ્ટેન્શિયાલીટી એન્ડ ટ્રાન્સફોર્મેશન પ્લાન્સ’ અમલી બનાવાયા છે. તેમાં સ્થાનિક વિસ્તારોમાં GPની સંખ્યા ઘટાડવાના પ્રસ્તાવ સાથે હેલ્થ સર્વિસમાં અંદાજે £૨૨ બિલિયનનો કાપ મૂકવા સૂચન કરાયું છે.
• મહત્તમ ભાવ મેળવવા ૧૨મા દિવસે મકાન વેચો...
હોમ ઓનર્સ એલાયન્સના અભ્યાસ મુજબ વેચાણ માટે મૂકાયેલા મકાનનો૧૨મા દિવસે મહત્તમ ભાવ આવતો હોય છે. અભ્યાસમાં બ્રિટનની ૫,૦૦૦થી વધુ એસ્ટેટ એજન્સીઓ પાસેથી મેળવેલી વિગતોમાં પ્રોપર્ટી જયારથી વેચાણ માટે મૂકાઈ હોય તેનો સમયગાળો અને જે ભાવે વેચવાની હોય તે ભાવ મળ્યો હોય તેની ટકાવારીને ધ્યાનમાં લેવાઈ હતી. તેમાં જણાયું હતું કે પ્રોપર્ટી વેચાણ માટે મૂકી હોય તેના ૧૨મા દિવસે મળેલી રકમ મહત્તમ હતી. તે દિવસે પ્રોપર્ટી જે રકમમાં વેચવાની હોય તેની સરેરાશ ૧૦૦.૮૯ ટકા કિંમત ઉપજી હતી.
• સહકર્મચારીની મશ્કરી માટે મહિલા અધિકારીને ‘વોર્નિંગ’
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ (GMP)ના આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ રેબેકા સટક્લીફને સહકર્મચારીની મશ્કરી કરવા બદલ વાર્ષિક £૧૦૯,૦૦૦ની જોબમાંથી કાઢી મૂકવાને બદલે લેખિત ચેતવણી આપવામાં આવી હતી. તપાસમાં રેબેકા ગેરવર્તણુક બદલ દોષિત જણાઈ હોવા છતાં સ્વતંત્ર પેનલે માત્ર લેખિત વોર્નિંગ આપવાની ભલામણ કરી હતી. GMP ચીફ કોન્સ્ટેબલઈયાન હોપકિન્સે તપાસ પ્રક્રિયા અંગે ખેદ વ્યક્ત કરતા પોતે રેબેકાને નોકરીમાંથી કાઢી મૂકવા અસમર્થ હોવાનું જણાવ્યું હતું. આ તપાસમાં પેનલ દ્વારા માત્ર ભલામણ જ કરાય છે, આખરી નિર્ણય તો જે તે વિભાગના વડાએ જ લેવાનો હોય છે.
• પડી જતા વૃદ્ધો પાછળ NHSને £૨.૩ બિલિયન ખર્ચ
હેલ્થ વોચડોગના ગાઈડન્સમાં દર વર્ષે NHSના £૨.૩ બિલિયન બચાવવા માટે ૬૫થી વધુની વયના તમામ દર્દીઓને તેઓ જ્યારે GPને બતાવવા જાય ત્યારે તેમના પગ ડગમગતા હોય તેવું ક્યારેય લાગે છે કે કેમ તે પૂછવા જણાવાયું છે. ઈંગ્લેન્ડમાં ૬૫ અને તેથી વધુ વયના લગભગ ૩૦ ટકા લોકો વર્ષમાં એક વખત પડી જાય છે. પરિણામે અંદાજે ૨૫૫,૦૦૦ને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. મોટાભાગના કેસ ગંભીર હોતા નથી.
• બ્રિટિશ જીનનું ભાવિ સલામત
ફૂગ લાગી જવાને કારણે જૂનીપર બેરીના છોડોને ભારે નુક્સાન થયું હતું ત્યારે હોર્ટિકલ્ચરીસ્ટ્સને આશંકા થઈ હતી કે ભવિષ્યમાં હવે બ્રિટિશ જીનનો સ્વાદ માણવા મળશે નહીં. પરંતુ, તેનું સેવન કરતા લોકો માટે રાહતના સમાચાર છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ રોગ સામે વીમાનું રક્ષણ આપતા સીડ કલેક્શન પ્રોજેક્ટને લીધે જીનનું ભવિષ્ય સલામત છે.

