ઓલ્ડ બેઈલી કોર્ટે શાળાના ૧૫ વર્ષીય વિદ્યાર્થી એલન કાર્ટરાઈટની સાયકલ ચોરવાના પ્રયાસમાં તેની હત્યા કરનારા ૧૮ વર્ષના ચોર જોશુઆ વિલ્યમ્સને આજીવન કારાવાસની સજા ફરમાવી છે. તેણે ઓછામાં ઓછાં ૨૧ વર્ષ જેલમાં વીતાવવા પડશે. લૂંટના કાવતરાની આઠ વર્ષની સજા પણ સાથોસાથ ચાલશે. ગત ૨૭ ફેબ્રુઆરીએ નોર્થ લંડનમાં કેલ્ડોનિયન રોડ ખાતે એલન પર ચાકુથી હુમલો કરનારા જોશુઆના માતાપિતાએ જ ૫૦ દિવસ પછી તેને પોલીસને સોંપ્યો હતો.
• BT ઈન્ડિયન કોલ સેન્ટર્સની કામગીરી બંધ કરશે
બ્રિટિશ ટેલિકોમે ૨૦૧૬ના અંત સુધીમાં તેના તમામ કોલ્સની ૮૦ ટકા કામગીરી બ્રિટનથી જ કરવાની તેમ જ તેના ઈન્ડિયન કોલ સેન્ટર્સનો ઉપયોગ બંધ કરવાની બાંહેધરી આપી છે. નાખુશ ગ્રાહકોના દબાણના પરિણામે BTએ આ નિર્ણય લેવો પડ્યો છે. કંપનીએ આ વર્ષે વધારાના ૧,૦૦૦ કર્મચારીને કામે રાખ્યા છે. ભારતમાં સારા એજન્ટ્સ કામે રાખવાની કિંમત આસમાને ગઈ હોવાથી કંપનીને ઓફશોર કામગીરી કરાવવાથી ખર્ચમાં વિશેષ લાભ મળતો પણ બંધ થયો છે.
• પ્લાસ્ટિક બેગ્સ માટે ચાર્જની વિચારણા
ઈંગ્લેન્ડમાં ૮૦૦૦ જેટલી કોર્નર શોપ્સ, ન્યુઝ એજન્ટ્સ અને ગામડાંના સ્ટોર્સ આગામી મહિનાથી પ્લાસ્ટિક બેગ્સ માટે પાંચ પેન્સનો ચાર્જ લગાવવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે. જોકે, નવા નિયમો હેઠળ તેમના માટે આવો ચાર્જ લગાવવો ફરજિયાત નથી. ઈંગ્લેન્ડના સુપરમાર્કેટ્સમાં પાંચ ઓક્ટોબરથી આ ચાર્જ દાખલ કરાઈ રહ્યો છે. આના પરિણામે, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ સહિત સમગ્ર દેશમાં સમાન નિયમ રહેશે. વેલ્સમાં ૨૦૧૧માં આ નિયમ દાખલ કરાયો હતો. સ્કોટલેન્ડમાં એક વર્ષથી અમલ કરાયો હોવાં છતાં એક જ વખત વપરાય તેવી પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ ૮૦ ટકાથી વધુ ઘટ્યો છે.
• સ્ત્રીઓને ટ્રેનમાં મેક-અપ નહિ લગાવવા સલાહ
નિષ્ણાતોએ મહિલાઓને ટ્રેનમાં મેક-અપ નહિ લગાવવાની સલાહ આપી છે. મેક-અપ કરતી વખતે ટ્રેનમાં અચાનક ધક્કો આવવાથી તેમની આંખના કોર્નિયાને નુકસાન થઈ શકે તેવી ચેતવણી અપાઈ છે. અડધોએડધ સ્ત્રીઓએ દિવસમાં ચાર વખત મેક-અપ કરતી હોવાની કબૂલાત કરી છે. કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રિસ્ટ્સના ક્લિનિકલ એડવાઈઝર ડો. સુસાન બ્લેકનીએ કહ્યું હતું કે સ્વચ્છતા ઓછી હોય તો પણ ખરાબ ચેપ લાગી શકે છે.
• પોષક ભોજન અને કસરતથી ડિમેન્શીઆ દૂર રાખો
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ‘કેર ફોર યોર બ્રેઈન’ અભિયાનમાં ડિમેન્શીઆનું જોખમ ઘટાડવા આરોગ્યપ્રદ ભોજન અને કસરત પર ભાર મૂકાયો છે. જે લોકો સ્થૂળ છે, ધૂમ્રપાન કરે છે અને ઓછી કસરત કરે છે તેમના માટે ડિમેન્શીઆનું જોખમ વધુ હોવાનું દર્શાવતા પુરાવા સાંપડ્યા પછી આગામી વર્ષથી આ અભિયાન છેડાશે. અલ્ઝાઈમર અને સ્મૃતિભ્રંશના અન્ય પ્રકાર લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલા છે. નિયમિત આરોગ્ય ચકાસણીઓમાં પેશન્ટ્સના અલ્ઝાઈમર જોખમની તપાસ કરવાની સૂચના પણ ફેમિલી ડોક્ટર્સને અપાઈ છે. બ્રિટનમાં આશરે ૮૫૦,૦૦૦ લોકો ડિમેન્શીઆથી પીડાય છે, જેમાં ૬૫ વર્ષથી ઓછી વયના લોકોની સંખ્યા ૪૦,૦૦૦ છે.
• વજન વધી જતા માઈગ્રન્ટને વસવાટ ગુમાવવાનું જોખમ
યુકેમાં અચોક્કસ મુદત રહેવાની પરવાનગી ધરાવતા ઝિમ્બાબ્વેના માઈગ્રન્ટ અટ્ટેરબેલ માપલન્કાને ડીપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે કારણ કે વજન ઘણું વધી ગયું હોવાથી પાસપોર્ટના ફોટો સાથે તેનું સામ્ય જણાતું નથી. ઈસ્ટ સસેક્સના ઈસ્ટબોર્નમાં પત્ની અને ચાર સંતાન સાથે રહેતો માપલન્કા બે પાસપોર્ટ રાખે છે. એક ૧૯૯૯માં અપાયેલા પાસપોર્ટમાં બેમુદત રહેવાની પરવાનગીનો ઉલ્લેખ છે. બીજો પાસપોર્ટ ગયા વર્ષે અપાયો છે. માતાની અંતિમવિધિમાં હાજરી આપી ઝિમ્બાબ્વેથી પાછા આવેલા માપલન્કાને ડિટેન્શન સેન્ટરમાં લઈ જાવાયો હતો.
• સ્થૂળ પુરુષોને આર્થ્રાઈટિસનું ઓછું જોખમ
સામાન્ય વજનના પુરુષોની સરખામણીએ ઊંચો બોડી માસ ઈન્ડેક્સ અથવા સ્થૂળતા ધરાવતા પુરુષોને રૂમેટાઈડ આર્થ્રાઈટિસ થવાનું જોખમ ઓછું રહે છે. જોકે, સ્ત્રીઓને આ લાગુ પડતું નથી. ઊંચા BMIમાં સ્ત્રીઓ કરતા પુરુષોમાં પેટની ચરબીનું પ્રમાણ વધુ હોય છે. સ્થૂળ પુરુષોમાં ચરબીનો એવો પ્રકાર હોય છે, જે સોજા ઘટાડવાના સંકેત મોકલતી હોવાનું સ્વીડનના સંશોધકો માને છે. ચરબી ક્રોનિક ઈન્ફ્લેમેશનને અંકુશિત કરવામાં મદદ કરે છે તેના વિશે વધુ સંશોધનો રૂમેટાઈડ આર્થ્રાઈટિસની સારવાર અને અટકાવમાં નવો વિકાસ થઈ શકે છે.
• મહિલા સ્નાતકોને ઓછા પગારની નોકરી મળે છે
અર્થતંત્રમાં સુધારાથી ગ્રેજ્યુએટ્સને સરેરાશ £૨૮,૦૦૦ની નોકરી મળવી સહેલી બની છે, પરંતુ ગયા વર્ષે માત્ર ૪૧.૬ ટકા નોકરીઓ જ સ્ત્રીઓને મળી હતી. યુનિવર્સિટી જતી સ્ત્રીઓનું પ્રમાણ ઊંચું-૫૮.૭ ટકા હોવા છતાં આમ થયું હતું. એસોસિયેશન ઓફ ગ્રેજ્યુએટ રીક્રુટર્સના સર્વે અનુસાર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં સ્ત્રીઓને પ્રારંભિક ઓછાં પગારે નોકરીએ લેવાય તેવી શક્યતા વધુ રહે છે.