પોલીસ ફોર્સનું સંચાલન બહારની વ્યક્તિઓને કરવા દેવાની સરકારની યોજનાથી બિઝનેસ અગ્રણીઓ, સેવા નિવૃત્ત સૈનિકો અને વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સ હવે ચીફ કોન્સ્ટેબલ બની શકશે. પોલીસ વિભાગમાં સૈદ્ધાંતિક ફેરફારના હેતુસર હોમ ઓફિસ દ્વારા નવા કાયદાની જોગવાઈઓ ઘડવામાં આવી છે. તે અંતર્ગત ઈંગ્લેન્ડ અને વેલ્સમાંની ચીફ કોન્સ્ટેબલની ૪૩ જોબ માટે નાગરિકો સિનિયર પોલીસ અધિકારીઓ સાથે સ્પર્ધા કરી શકશે. ચીફ કોન્સ્ટેબલોની પ્રતિભા અને અનુભવ વધારવા માટે આ પગલું લેવાયું હોવાનું મનાય છે.
• વિદેશી સહાય પાછળ પૂરતા નાણા ખર્ચાતા નથી
વિદેશી સહાય પાછળ થતો ખર્ચ અપૂરતો અને ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (Dfid)માં વ્યૂહનીતિનો અભાવ હોવાનું હાઉસ ઓફ કોમન્સની ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કમિટીના રિપોર્ટમાં જણાવાયું હતું. વધુમાં વિશ્વમાં અતિશય ગરીબો પાછળ દર વર્ષે યુકેના જીડીપીના ૦.૭ ટકા જેટલી રકમ ખર્ચવાની કામગીરીમાં Dfid પાસે વ્યૂહાત્મક માર્ગદર્શનનો અભાવ હોવાનું પણ સાંસદોએ જણાવ્યું હતું. વિભાગમાં સ્ટાફના કાપને લીધે પણ આ દિશામાં નાણા ખર્ચવાનું મુશ્કેલ બની ગયું છે.
• ડીઓડરન્ટના ધૂમાડાથી મોત
સૌંદર્યપ્રસાધનોની ઘેલછા ક્યારેક જીવલેણ પણ નીવડે છે. લેન્કેશાયરના બ્લેકપૂલ નજીક ફ્લીટવૂડના હોલિડે પાર્કમાં ૧૨ વર્ષની કિશોરી પેગ ધોત્રી ફેમિલી કેરેવાનમાં ડીઓડરન્ટના ધૂમાડાથી મોતને શરણ થઈ હતી. ગ્રેટર માન્ચેસ્ટરના ઓલ્ધામની સ્કૂલમાં અભ્યાસ કરતી અને અંગત સ્વચ્છતાની આગ્રહી પેગે બોડી સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો, જેના ધૂમાડા શ્વાસમાં જતાં તેનું મૃત્યુ થયાની રજૂઆત કોરોનર કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. ગત વર્ષના ૧૮ જુલાઈની આ ઘટનામાં પેગને હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ, તેને બચાવી શકાઈ ન હતી.
• ફ્લુથી મોતમાં વધારો, પેન્શન ખાધને લાભ
બ્રિટનમાં ૨૦૧૬ દરમિયાન ફ્લુના કારણે થયેલાં મૃત્યુમાં ભારે વધારો થયો હતો પરંતુ તેના કારણે દેશની પેન્શન ખાધ સુધરી હતી. ઓફિસ ફોર નેશનસ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર ૨૦૧૫-૧૬ના શિયાળાના ગાળામાં ૧૬,૪૧૫ વધુ મોત થયાં હતાં અને તેમાં ફ્લુથી મોતનું પ્રમાણ વધુ હતું. જેના પરિણામે ૬૫થી વધુ વયના સ્ત્રી-પુરુષોની આયુમર્યાદામાં નજીવો ઘટાડો થયો હતો. જોકે, તેના કારણે ૩૫૦ મોટી કંપનીઓના સરવૈયામાં પેન્શનની જવાબદારીમાં ૨૮ બિલિયન પાઉન્ડનો ઘટાડો નોંધાયો હતો.
• પર્યટકો માટે કેમ્બ્રિજ કોલેજના દ્વાર બંધ
કેમ્બ્રિજ યુનિવર્સિટીની સૌથી જૂની કોલેજોમાં એક ક્લેર કોલેજ દ્વારા ૭૦૦ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત પર્યટકો માટે તેના દ્વાર બંધ કરી દેવાયાં હતાં. કેટલાંક પર્યટકો વિદ્યાર્થીઓના બેડરુમમાં ઘૂસી જતાં આ પગલું લેવાયું હતું. બસમાં ભરાઈને આવતાં થોકબંધ મુલાકાતીઓ માત્ર જાહેર માર્ગનો જ ઉપયોગ કરે તેવી વિનંતીઓ બહેરાં કાને અથડાતી હતી. મુખ્યત્વે ચાઈનીઝ અને જાપાની સહિતના પર્યટકો સ્કોલર્સ ગાર્ડન અને ઓલ્ડ કોર્ટ તેમજ વિદ્યાર્થીઓની ડોર્મેટરીઝ અને છત પર પણ પ્રવેશી જતા હતા. કોલેજ ઉનાળા દરમિયાન પ્રવેશ ચાલુ કરી શકે છે અને પર્યટક પાસેથી ૪.૫૦ પાઉન્ડની ફી પણ વસૂલાય તેવી શક્યતા છે.

