વૈજ્ઞાનિકો મેદસ્વીતાની સમસ્યાનો સામનો કરવા પોલાણ ધરાવતા સુગર ક્રિસ્ટલની ક્રાંતિકારી પ્રોડક્ટ પર કામ કરી રહ્યા છે. સરેમાં અગ્રણી સંશોધન સંસ્થા લેધરહેડ ફૂડ રિસર્ચ દ્વારા સુગર રિફોર્મ્યુલેશન દસ્તાવેજ જારી કરવામાં આવ્યો છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર ખાંડના પોલાં સ્ફટિકોથી તેનો મિઠાશપૂર્ણ સ્વાદ તો જળવાઈ રહેશે, પરંતુ શર્કરાનું પ્રમાણ ઘટી જશે.
• મસ્જિદ પરના હુમલાખોરની તલાશ
નોર્થ લંડનમાં ફિન્સબરી પાર્ક મસ્જિદને પેટ્રોલ બોમ્બથી આગ લગાવવાનો પ્રયાસ કરનારા મોપેડચાલકની શોધ પોલીસ ચલાવી રહી છે. પોલીસ મસ્જિદ પરના આ હુમલાને મુસ્લિમવિરોધી હેટ ક્રાઈમ ગણાવે છે. પોલીસે સીસીટીવી ઈમેજીસ પણ જારી કરવા સાથે તે હુમલાખોરની માહિતી આપવા લોકોને અનુરોધ કર્યો છે. શકમંદનું વર્ણન સફેદ હુડેડ જમ્પર, સફેદ બેઝબોલ કેપ અને બ્લુ જીન્સ પહેરેલી ગોરી વ્યક્તિ તરીકે કરાયું છે.
• વેસ્ટ મિડલેન્ડ્સ-સાઉથ વેલ્સમાં નોકરીઓ બચાવાઈ
વેસ્ટ મિડલેન્ડ્સ અને સાઉથ વેલ્સમાં ૩૦૦થી વધુ નોકરીઓ બચાવી લેવાઈ છે. સ્ટીલમાં ભાવકાપના કારણે મુશ્કેલીમાં આવી ગયેલા લોર્ડ સ્વરાજ પોલના કેપારો ગ્રૂપને વેચવાના સોદાના પરિણામે આ શક્ય બન્યું છે. આ સોદાના પરિણામે બિઝનેસમાં કુલ ૪૮૮ નોકરી બચાવી શકાઈ છે.
• હેટ અપરાધોમાં વધારાનો વિરોધ
પેરિસ ત્રાસવાદી હુમલા પછીના સપ્તાહમાં બ્રિટનમાં ૧૧૫ મુસ્લિમવિરોધી હેટ ક્રાઈમ નોંધાયા છે. ધ ટેલ મમા હેલ્પલાઈનમાં મુસ્લિમવિરોધી મૌખિક અને શારીરિક હુમલા નોંધાય છે અને તેમાં મોટા ભાગના કેસ પરંપરાગત ઈસ્લામિક વસ્ત્રો ધારણ કરતી ૧૪થી ૪૫ વયજૂથની છોકરીઓ અને સ્ત્રીઓનાં હોય છે. હજારો બ્રિટિશરો આ મુદ્દે મુસ્લિમ સમુદાય સાથે એકતા દર્શાવી રહ્યા છે. ઘૃણાનો ઉત્તર માનવતાથી આપવા જણાવતી ઓનલાઈન પિટિશનમાં ૧૫૦,૦૦૦થી વધુ લોકો સામેલ થયા છે.
• ગરીબોની અંતિમવિધિનો ખર્ચ વધ્યો
ગરીબ કે લાવારિસ વ્યક્તિનું મોત થાય ત્યારે અથવા તેના સગાંસંબંધી માટે અંતિમવિધિનો ખર્ચ આપવો શક્ય ન હોય તેવાં સંજોગોમાં કાઉન્સિલોએ અંતિમવિધિનો ખર્ચ ઉઠાવવો પડે છે. ચાર વર્ષમાં આ ખર્ચમાં એક તૃતીઆશનો વધારો થયો છે. પબ્લિક હેલ્થ ફ્યુનરલ્સ પાછળ કાઉન્સિલોએ ૧.૭ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડ્યો છે. યુકેમાં ઈંગ્લેન્ડના નોર્થ-વેસ્ટમાં પબ્લિક હેલ્થ ફ્યુનરલ્સનું સૌથી વધુ પ્રમાણ જોવાં મળ્યું છે.
• ડિમેન્શીઆ સારસંભાળનો ખર્ચ વધશે
ડિમેન્શીઆગ્રસ્ત લોકોની સામાજિક સારસંભાળ પાછળ સરકારને ૨૦૩૦ સુધીમાં બમણાથી વધુ ખર્ચ કરવો પડશે. અત્યારે ૨૦૧૫માં આ ખર્ચ ૩.૮ બિલિયન પાઉન્ડ છે, જે ૨૦૩૦માં વધીને ૮.૫ બિલિયન પાઉન્ડ થઈ જશે. યુકેમાં હાલ ૮૫૬,૭૦૦ લોકો ડિમેન્શીયાથી પીડાય છે, જેના ૬૦થી ૭૦ ટકા કેસ અલ્ઝાઈમર રોગના છે. હાલ ૩૧૨,૬૯૫ લોકો કેર હોમમાં રહે છે, પરંતુ ૨૦૩૦ સુધીમાં આંકડો વધીને પાંચ લાખ જેટલો થઈ જવાની ધારણા છે.
• દાંત સારા રાખવા ચા પીઓ
બ્રિટનનો ચા માટેનો પ્રેમ દેશના યુવાનોને ખરાબ દાંતની સમસ્યામાંથી બચાવી શકે અને ડેન્ટિસ્ટની મુલાકાતથી દૂર રાખી શકે છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર ચાર વર્ષ જેટલા નાના બાળકો નિયમિતપણે દિવસના પાંચ કપ ચા પીતા હશે તેમને દાંત ખરાબ નહિ થવાનો લાભ મળશે.
• વિજય માટે કોર્બીન પર મદાર
ઓલ્ધામ વેસ્ટ અને રોયટોનની પેટાચૂંટણીમાં વિજય માટે લેબર પાર્ટીની આશા તેના નેતા જેરેમી કોર્બીન પર છે. લેબર પાર્ટીના સાંસદ માઈકલ મિચેરના અવસાનથી ત્રીજી ડિસેમ્બર આ પેટાચૂંટણી યોજાશે, જેમા લેબર પાર્ટીના ઉમેદવાર જિમ મેકમોહન છે. લેબર પાર્ટીએ ગત ૭૦ વર્ષમાં ૬૮ વર્ષ સુધી આ બેઠક જાળવી રાખી છે. કોર્બીન માટે મોટી પરીક્ષા બની રહેશે.
• કાઈન્થ દેવિન્દરને જેલ જવું નહિ પડે
શંકાસ્પદ જર્મન બાળ યૌનશોષણખોર સાન્ડ્રો રોટમેન પર હુમલો કરી મારી નાખનારા બ્રિટિશ એસ્ટેટ એજન્ટ કાઈન્થ દેવિન્દરને જેલ જવું નહિ પડે. સ્પેનિશ રીસોર્ટમાં તેના બાળકોની તસવીરો લેતા જર્મન પર કાઈન્થે હુમલો કર્યો હતો. કાઈન્થને ત્રણ મહિના જેલની સજા થઈ હતી, પરંતુ સ્પેનિશ કાયદા અનુસાર પ્રથમ વખતનો ગુનો હોય અને સજા બે વર્ષથી ઓછી હોય તેમને જેલની સજા સસ્પેન્ડ કરી દેવાય છે. જોકે, કાઈન્થને સસ્પેન્ડેડ સજાના સમયગાળા સુધી સ્પેન રહેવું પડશે.
• એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન માટે જેલ
બર્મિંગહામ ક્રાઉ કોર્ટે લેસ્ટરના જસબીરસિંહ ભારજને શરાબી હાલતમાં એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન, ગાળાગાળી, ૨,૫૦૦ પાઉન્ડના નુકસાન તેમજ પોલીસ ઓફિસરને બચકું ભરવા બદલ ૧૧ મહિના જેલની સજા ફરમાવી છે. ગયા વર્ષે ૧૬ સપ્ટેમ્બરે દુબાઈથી બર્મિંગહામ સુધી એમિરેટ્સ ફ્લાઈટમાં આ ઘટના બની હતી. ભારજે તેની ધરપકડ કરનારા પોલીસ ઓફિસરોને પણ અપશબ્દોથી નવાજ્યા હતા.
• ઈતિહાસમાં સૌથી મોંઘુ તેતર
ગત સપ્ટેમ્બરમાં લેન્કેશાયરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વોટર પાઈપ્સમાં ફસાઈ ગયેલું તેતર ઈતિહાસમાં સૌથી મોંઘુ તેતર હોઈ શકે છે. મૃત પક્ષીને બહાર કાઢવા અને ગ્રાહકોને વળતર આપવાનો કુલ ખર્ચ ૨૫ મિલિયન પાઉન્ડ આવ્યો હતો. તેતર વોટર પાઈપ્સમાં ફસાઈ જવાથી યુનાઈટેડ યુટિલિટીઝ અને તેના પાણીનો વપરાશ કરતા ત્રણ મિલિયન ગ્રાહકોમાં ભય વ્યાપી ગયો હતો.
• ધાર્મિક શિક્ષણ વધુ પડતું ક્રિશ્ચિયન
શાળાઓમાં ધાર્મિક શિક્ષણ વધુપડતું ક્રિશ્ચિયન હોવાથી તેને નવું ‘બિલીફ લર્નિંગ’ નામ આપવાની હિમાયત કરાઈ છે. ગોલ્ડસ્મિથ્સ, યુનિવર્સિટી ઓફ લંડન ખાતે સંશોધકોએ ૩૩૧ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સને આ વિષય શીખવાય છે તેના વિશે પૃચ્છા કરી હતી. આ લોકોએ વિષયની મજબૂત તરફેણ કરી હતી છતાં, રાષ્ટ્રીય અભ્યાસક્રમ રચવાના ધરમૂળ પરિવર્તન માટે ‘બિલીફ લર્નિંગ’ની હિમાયત કરી હતી.