વાર્ષિક લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં હિન્દુ-મુસ્લિમ એકતા આધારિત ફિલ્મ ‘બિલિયન કલર સ્ટોરી’ને ટોચનો એવોર્ડ અપાયો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર બોલિવૂડના ફિલ્મનિર્માતા સતિષ કૌષિક છે અને તેનું નિર્દેશન પદ્મકુમાર નરસિંહમૂર્તિએ કર્યું છે. ફિલ્મને ઓડિયન્સ એવોર્ડ અપાયો છે. ફિલ્મનિર્માતાએ અંગે જણાવ્યું હતું કે, અમારી ફિલ્મને દેશ-વિદેશમાં પ્રેક્ષકો તરફથી ભારે પ્રતિસાદ મળતા તેને સન્માન અપાયું છે. ફેસ્ટિવલમાં એશિયન ડાયરેક્ટર્સ- કેરળના અદૂર ગોપાલ ક્રિશ્નન, મુંબઈના આસુતોષ ગોવારિકર અને લંડનના ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્દેશક પ્રતિભા પરમાર માટે ત્રણ સનમાર્ક આઈકોન એવોર્ડ પણ અપાયા હતા.
• હોમ ઓફિસે વિમાન ટિકિટ્સનાં નાણા વેડફ્યાં
યુકેમાં એસાઈલમ મેળવવામાં નિષ્ફળ ગયેલા લોકોને તેમના દેશ પરત મોકલવા હવાઈ ઉડ્ડયનની ટિકિટ્સ પાછળ વર્ષ ૨૦૧૬-૧૭માં હોમ ઓફિસે ૨.૧ મિલિયન પાઉન્ડનું આંધણ કર્યું હતું. ગત ચાર વર્ષમાં આ રકમ સૌથી વધારે હતી. આ ટિકિટ્સ કદી ઉપયોગમાં લેવાઈ ન હતી કારણકે રાજ્યાશ્રય માગનારાઓએ છેલ્લી ઘડીએ યુકેમાં રહેવા માટે અપીલ્સ કરી હતી અથવા તેમને યુકેમાં રહેવા પરવાનગી અપાઈ હતી.
• ટેટ્રાપ્લેજિક વિદ્યાર્થી ઓનર્સ સાથે સ્નાતક બન્યો
૨૦૧૩માં કાર અકસ્માતના કારણે ગરદનથી નીચેના હિસ્સામાં પેરાલિસીસનો ભોગ બનેલા રોબ કામે બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ફિલોસોફી વિષયોમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અકસ્માત પછી તેને વેન્ટિલેટર પર આધાર રાખવો પડતો હતો. રોબ ઘરમાં સૂતા સૂતા લેક્ચર્સ નિહાળી શકે તે માટે તેને રેકોર્ડ કરવામાં આવતાં હતાં અને વોઈસ રેકગ્નિશન સોફ્ટવેરની સહાયથી તે નિબંધ લખતો હતો.
• NHSને સ્ટ્રોકથી બચેલા પેશન્ટ્સની દરકાર નથી
સ્ટ્રોકમાંથી બચી ગયેલા પેશન્ટ્સ હોસ્પિટલ છોડી ઘેર જાય તે પછી NHS દ્વારા તેમની કોઈ દરકાર કરવામાં આવતી નથી. ઘણા દર્દીને સાયકોલોજિકલ સહાય સહિતની સારવાર માટે ૧૨ મહિના સુધી રાહ જોવી પડે છે અથવા સારવારનો ખર્ચ જાતે ભોગવવો પડે છે. સ્ટ્રોક એસોસિયેશનની ચીફ એક્ઝિક્યુટિવ જુલિયેટ બોવેરીના જણાવ્યાં અનુસાર યુકેમાં સ્ટ્રોકમાંથી બચેલા ૧.૨ મિલિયન પેશન્ટ્સને મદદ કરવા નવા રાષ્ટ્રીય પ્લાનની જરૂર છે. યુકેમાં દર વર્ષે આશરે ૧૦૦,૦૦૦ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે.
• હિટલરે દોરેલા ચાર ચિત્રોના ૭૫૦૦ પાઉન્ડ ઉપજ્યા
જર્મનીના આપખુદ શાસક એડોલ્ફ હિટલરે દોરેલા ચાર ચિત્રોની હરાજી નવ જુલાઈ, રવિવારે કરાતા કુલ ૭૫૦૦ પાઉન્ડ ઉપજ્યા હતા. હરાજી કરનારી સંસ્થાને કુલ ૨૦થી ૨૭,૦૦૦ પાઉન્ડ ઉપજવાની ધારણા હતી, જે સફળ થઈ ન હતી. તમામ ચિત્રો પર ‘હિટલર’ના હસ્તાક્ષર પણ હતા. ચિત્રોમાં ગ્રામ્ય તળાવના કિનારાનું દ્રશ્ય, વોટર કલરથી તૈયાર કરેલું મહેલ અને ચર્ચનું ચિત્ર, પાછળ પર્વતાળ વિસ્તાર સાથેના સરોવરને કિનારે ઘર તેમજ વોટર કલરથી તૈયાર નદી અને નગરનું દ્રશ્યનો સમાવેશ થયો હતો. હિટલરે ૨૦૦૦થી ૩૦૦૦ ચિત્રો દોર્યા હોવાનું મનાય છે. તેણે વોટર કલર તેમજ ઓઇલ પેઇન્ટથી ચિત્રો તૈયાર કર્યા હતા.
• બાંગલાદેશી બેટ્સમેન તમીમ અને પરિવાર પર એસિડ હુમલો
બાંગલાદેશના સ્ટાર બેટ્સમેન તમીમ ઈકબાલ પર લંડનમાં એસિડ હુમલો થયાની સનસનીખેજ ઘટનાના પગલે તેણે એસેક્સ કાઉન્ટી ક્લબ છોડવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો. તમીમ ટી-૨૦ બ્લાસ્ટ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં એસેક્સ તરફથી રમી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર તમીમ ઈકબાલ તેની હિઝાબ પહેરેલી પત્ની આયેશા અને એક વર્ષીય પુત્રી સાથે રેસ્ટોરાંની બહાર નીકળી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેમનો પીછો કરીને એસિડનું પ્રવાહી ફેંક્યું હતું. જોકે, તમીમ કે તેના પરિવારને ઈજા પહોંચી ન હતી.

