ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને હીથ્રો એરપોર્ટના વિસ્તરણને કચરાટોપલીમાં પધરાવી દેવાની ટીપ્પણી કરી છે. વડા પ્રધાન મે હીથ્રો ખાતે નવા રનવેની મંજૂરી આપે તેવી શક્યતા વચ્ચે લંડનના પૂર્વ મેયરને એરપોર્ટ વિસ્તરણ વિશેની ચાવીરુપ કેબિનેટ કમિટીમાં સામેલ નહિ કરાયા પછી આ ટીપ્પણી આવી છે. જ્હોન્સને ચેતવણી આપી હતી કે હીથ્રો વિસ્તરણ અનિવાર્યપણે નિષ્ફળ જવાનું છે, જેનો ખર્ચ કરદાતાના માથે મારવામાં આવશે. જોકે, લંડનના મેયરપદે આઠ વર્ષ તેમજ હીથ્રો નજીક અક્સબ્રિજ અને સાઉથ રાયસ્લિપના સાંસદ તરીકેના અનુભવના લીધે જ્હોન્સન ચર્ચામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેમ મનાય છે.
• આર્મી વેટરનને £૫૦,૦૦૦નું વળતર
પોલીસ દ્વારા ટેસર કરાયેલા પીઢ આર્મી કોર્પોરલ ‘માઈકલ’ને બેડફોર્ડશાયર પોલીસ દ્વારા ૫૦,૦૦૦ પાઉન્ડનું વળતર ચુકવવામાં આવ્યું છે. બોસનિયામાં ૧૯૯૧માં હેન્ડ ગ્રેનેડથી ઈજા પામેલા પૂર્વ કોર્પોરલ પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો શિકાર બન્યા હતા અને તેમને ફ્લેશબેક એટલે કે લશ્કરી જીવનના અનુભવોનાં હુમલા આવતા હતા. એક ઘટનામાં ૧૮ વર્ષની લશ્કરી કારકિર્દી ધરાવતા પૂર્વ કોર્પોરલે પોલીસને ટેસર ગન નીચે મૂકી દેવાની સૂચના આપી હતી, પરંતુ તેની વિરુદ્ધ ૧૫૦૦ વોટની ટેસર ગનનો ઉપયોગ થતાં આઘાતથી પડી ગયા હતા. ટેસર અસરગ્રસ્તને અપાયેલા સૌથી ભારે વળતરોના કિસ્સામાં આનો પણ સમાવેશ થશે. વેસ્ટ મિડલેન્ડ્સના પોલીસ અધિકારીઓ દ્વારા ૨૦૧૪માં ખોટી રીતે ટેસર કરાયેલા બર્મિંગહામના સિક્યુરિટી ગાર્ડને પણ પોલીસ દ્વારા ૨૬,૫૦૦ પાઉન્ડનું વળતર ચુકવાયું હતું.
• કોર્પોરેટ અતિરેકમાં સંસદીય સમિતિની તપાસ
બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કિલ્સ (BIS) સિલેક્ટ કમિટી દ્વારા આસમાનને આંબતા એક્ઝિક્યુટિવ પગારો અને બોર્ડરુમના ગઠનના ફેરફારો સંબંધે પબ્લિક ઈન્ક્વાયરી આગામી મહિનાથી હાથ ધરવામાં આવનાર છે. સાંસદ ઈયાન રાઈટના વડપણ હેઠળની સમિતિ BHSના પતન અને રીટેઈલર સ્પોર્ટ્સ ડાયરેક્ટ ખાતે કામકાજની પરિસ્થિતિ અંગેના કાર્યનો આદાર લઈ કોર્પોરેટ બ્રિટનની વ્યાપક ચકાસણી હાથ ધરશે. થેરેસા મેએ નેતાપદની ચૂંટણીમાં કોર્પોરેટ વેતનોમાં શેરહોલ્ડરોનો મત સલાહકારી નહિ, પરંતુ બંધનકર્તા હોવો જોઈએ તેમજ કંપની બોર્ડ્સમાં ઉપભોગકર્તાઓ અને વર્કર્સને પણ સ્થાન અપાવું જોઈએ તેવો અભિપ્રાય દર્શાવ્યો હતો. હવે તેઓ આ મુદ્દે આગળ વધી રહ્યાં છે.
• પેન્શનર બેનિફિટ્સમાં કાપનો સંકેત
વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ડેમિયન ગ્રીને એવો સંકેત આપ્યો હતો કે યુવાન પેઢીઓને મદદ કરવા માટે પેન્શનર બેનિફિટ્સમાં કાપ મૂકાઈ શકે છે. જોકે, આ કાપ ૨૦૨૦ પછી મૂકી શકાય તેમ પણ તેમણે કહ્યું હતું. વિવિધ પેઢીઓને આર્થિક વિકાસનો યોગ્ય હિસ્સો મળે છે કે નહિ તે જોવું હવે આવશ્યક છે. તાજેતરના સમયમાં પેન્શનરોની ગરીબી ઘટી છે, પરંતુ યુવા અને વર્કિંગ ફેમિલીના વર્ગમાં ગરીબીનું પ્રમાણ વધ્યું હોવાનું થિન્કટેન્ક્સ કહે છે.
• ભીખ માગવા બાળકોનો ઉપયોગ
સેન્ટ્રલ લંડનમાં હેરોડ્ઝ ડિપાર્ટમેન્ટ સ્ટોરની બહાર ધનવાન ખરીદારો પાસેથી ભીખ મેળવવા ભીખારીઓ તેમના નાના બાળકોનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે. એક રાહદારીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ જેટલા નાના બાળકો નાઈટ્સબ્રિજ અને પેડિંગ્ટનની આસપાસના વિસ્તારોમાં સાંજે નાણા માગતા દેખાય છે. પોલીસે પેડિંગ્ટન ટ્રેન સ્ટેશને ભીખારીઓને ભીખ માગતા અટકાવી દીધા છે. હેરોડ્ઝ નજીક વૈભવી કારના ચાલકો સુધી પહોંચતી સ્ત્રીઓની તસવીરો પણ બહાર આવી છે.

