• હેડફોન પહેરી સાઈકલિંગ કરવામાં જોખમ

Friday 09th December 2016 02:15 EST
 

સાઈકલિસ્ટોને હેડફોન પહેરવાના જોખમની ચેતવણી અપાઈ છે. ઈસ્ટ યોર્કશાયરના હોડેનમાં સાઈકલિંગ કરતી ૩૮ વર્ષીય માતા એમિલી નોર્ટન આઈફોન પર મ્યુઝિક સાંભળી રહી હોવાથી સામેથી આવતી ટ્રકનો અવાજ સાંભળી શકી ન હતી અને અકસ્માતનો શિકાર બની ઘટનાસ્થળે મૃત્યુ પામી હતી. ઈસ્ટ રાઈડિંગ ઓફ યોર્કશાયરના કોરોનર પોલ માર્ક્સે ઈન્ક્વેસ્ટમાં ચુકાદો આપતા કહ્યું હતું કે હેડફોનમાં સંગીત સાંભળવાથી ખલેલ થતાં અથડામણ ટાળવાની તેની નિર્ણયશક્તિને અસર પહોંચી હતી.

• ઓછી ઊંઘ અકસ્માતનું જોખમ વધારે

લોકોએ ૨૪ કલાકમાં ઓછામાં ઓછાં સાત કલાકની ઊંઘ લેવી જોઈએની ભલામણ છતાં એક-બે કલાકની ઓછી ઊંઘ લીધાં પછી વાહન ચલાવાય તો અકસ્માતનું જોખમ બમણું થતું હોવાનું AAA ફાઉન્ડેશન ફોર ટ્રાફિક સેફ્ટીના અભ્યાસમાં જણાવાયું છે. તે શરાબપાન પછી ચ્રાઈવિંગ જેટલું જ ખતરનાક છે. ફાઉન્ડેશને વાહનચાલકોને ચેતવણી આપી છે કે સાત કલાકથી ઓછી ઊંઘના પરિણામો જીવલેણ બની શકે છે. એમ મનાય છે કે બ્રિટિશ માર્ગો પર પાંચમાંથી એક અકસ્માત માટે ઊંઘના ઘેનમાં ડ્રાઈવિંગ કરવાની અવસ્થા કારણભૂત છે.

• ડીલનનું નોબેલ પ્રાઈઝ તેનો મિત્ર લેશે

સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક વિજેતા ગીતલેખક બોબ ડીલને ૧૦ ડિસેમ્બરના બેન્ક્વેટ માટે સંબોધન લખ્યું છે, જે તેની ગેરહાજરીમાં વાંચવામાં આવશે. ડીલન અતિ વ્યસ્ત હોવાથી નોબેલ પ્રાઈઝ સમારંભમાં હાજર રહી શકે તેમ નથી અને પોતાના પ્રતિનિધિ તરીકે પ્રખ્યાત મિત્ર પેટ્ટી સ્મિથને મોકલશે. જોકે, નોબેલ પ્રવક્તા અન્નિકા પોન્ટિકિસે જણાવ્યું હતું કે ડીલનના ડિપ્લોમા અને મેડલ તેને પાછળથી મોકલી અપાશે.

• ડાઈવોર્સ દરમાં ઘટાડો થયો

યુગલો લગ્ન કર્યાં વિના જ સાથે જ રહેવાનું પસંદ કરે છે અથવા પાછલી જિંદગીમાં લગ્ન કરતા હોવાના પરિણામે ગત ૪૦ વર્ષમાં ડાયવોર્સના દર સૌથી તળિયે પહોંચ્યા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૪માં ૧૧૧,૧૬૯ ડાઈવોર્સ નોંધાયા હતા, જે ૨૦૧૩ની સરખામણીએ ૩.૧ ટકા ઘટાડો સૂચવે છે. પરીણિત સ્ત્રી-પુરુષ બન્ને માટે ૧૯૭૪ પછી ડાયવોર્સનો દર સમગ્રતયા દર પ્રતિ ૧,૦૦૦ યુગલે ૯.૩નો થયો છે, જે સૌથી ઓછો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter