• હેડસ્કાર્ફ વિવાદમાં કાઉન્સિલરનું રાજીનામું

Friday 03rd March 2017 07:13 EST
 

ચાર વર્ષની બાળાને માથાનો સ્કાર્ફ પહેરવા દેવા બર્મિંગહામની શાળા પર દબાણ કરનારા કાઉન્સિલ ઈક્વલિટી વડાએ ટીકાના પગલે હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. બર્મિંગહામ સિટી કાઉન્સિલના ટ્રાન્સપરન્સી, ઓપનનેસ અને ઈક્વલિટી માટેના કેબિનેટ મેમ્બર વાસીમ ઝફર સામે શાળાની યુનિફોર્મ પોલિસી બદલવા હેડટીચરને ધાકધમકી આપવા હોદ્દાના દુરુપયોગનો આક્ષેપ લગાવાયો હતો. સરકારના ઈન્ટિગ્રેશન ઝાર ડેમ લુઈ કેસીએ પણ કાઉન્સિલર ઝફરની ટીકા કરી હતી.

• ઈરાદાપૂર્વકના હિટ-રન કેસમાં ડ્રાઈવરને જેલ

અજાણી વ્યક્તિને ઈરાદાપૂર્વક કચડી નાખવાના કેસમાં ડ્રાઈવર ઝીશાન બાબરને ઓલ્ડ બેઈલી કોર્ટે ૧૪ વર્ષની જેલની સજા ફરમાવી છે. ગત વર્ષે ૯ જુલાઈની ઘટનામાં ઝીશાને પોપ્લારની ઝેટલેન્ડ સ્ટ્રીટમાં વ્લાડિસ્લાવ્સ લોગિનસ પર કાર ચલાવી દેતા તે હવામાં ફંગોળાયો હતો અને તેને માથામાં ફ્રેક્ચર થયું હતું. આ પછી, ઝીશાને ફરી તેને કચડવાનો પ્રયાસ કર્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું હતું.

• કાઉન્સિલો માટે કમાઉ બસ લેન કેમેરા

ઈંગ્લેન્ડમાં બસ લેન કેમેરા કાઉન્સિલો માટે કમાઉ સાબિત થઈ રહ્યાં છે. દરરોજ લગભગ ૪,૦૦૦ મોટરચાલકોને દંડ ફટકારી વર્ષ ૨૦૧૫-૧૬માં કેમેરાઓ થકી ૩૧ મિલિયન પાઉન્ડની કમાણી થઈ છે. બસ લેનમાં આવી જતા વાહનોને કેમેરા ઝડપી લે છે. સૌથી વધુ કમાણી ન્યુકેસલ સિટી કાઉન્સિલમાં જ્હોન ડોબ્સન સ્ટ્રીટમાં રખાયેલો અને માત્ર ૫૪ યાર્ડની રેન્જ ધરાવતો કેમેરા રોજની ૬,૦૦૦ પાઉન્ડની કમાણી કરાવી આપે છે. તેના થકી આઠ મહિનામાં ૬૨,૦૦૦ દંડ કરાયા છે, જ્યારે વોલ્વરહેમ્પ્ટનના વિક્ટોરિયા સ્ક્વેર પરના કેમેરા રોજના ૪,૭૫૦ પાઉન્ડની કમાણી કરાવે છે.

• ઓનલાઈન જીપીથી પેશન્ટની સુરક્ષાને જોખમ

પેશન્ટ્સને ઓનલાઈન જીપી સેવા આપતી કંપનીઓની તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ પેશન્ટન્સને જોખમમાં મૂકે છે. કેર ક્વોલિટી કમિશન દ્વારા ઓનલાઈન જીપી સર્વિસ આપતી ૪૩ કંપનીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બધી વેબસાઈટો પર દર્દીઓને તેમની દવાઓ, તેમના દર્દના લક્ષણો અથવા નિદાન પસંદ કરવાની તક અપાતી હતી.

• જેલના ફોનથી અનુયાયીઓને કટ્ટરવાદનો ઉપદેશ

ગ્લાસગોના શોપકીપર અસાદ શાહની હત્યાના ગુનામાં ગત ઓગસ્ટમાં ૨૭ વર્ષના લઘુતમ જેલવાસની સજા કરાયેલો મુસ્લિમ કટ્ટરવાદી તનવીર અહેમદ જેલના ફોનથી પાકિસ્તાનમાં પોતાના અનુયાયીઓને કટ્ટરવાદનો ઉપદેશ આપી રહ્યો છે. અહેમદે ધર્મનિંદાનું કારણ આપી અસાદ શાહની હત્યા કરી હોવાનું કહેવાય છે અને હવે તે હત્યાને વાજબી ઠરાવવા સંખ્યાબંધ રેકોર્ડિંગ્સ જારી કરી રહ્યો છે. તેણે જાન્યુઆરીમાં ફોન દ્વારા ઉપદેશમાં જણાવ્યું હતું કે ધર્મનિંદક માટે એકમાત્ર સજા શિરોચ્છેદ જ છે. તેણે ઈસ્લામના દુશ્મનોને નાબૂદ કરવાની હાકલ પણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter