• હોમિયોપેથિક દવાઓ પર ભંડોળ યથાવત

Wednesday 05th April 2017 07:16 EDT
 

બિનઅસરકારક, અનાવશ્યક, અયોગ્ય અથવા અસલામત સારવારો પ્રીસ્ક્રાઈબ કરવા પર પ્રતિબંધ લાદવાના વચન છતાં હોમિયોપેથિક દવાઓ NHSના ભંડોળના કાપમાંથી બચી ગઈ છે. ચીફ મેડિકલ ઓફિસર ડેમ સેલી ડેવિસે હોમિયોપેથી સારવારને વાહિયાત ગણાવી હોવાં છતાં તેને પ્રીસ્ક્રાઈબ કરવાના પ્રતિબંધ લાગુ નહિ કરાય. NHS દ્વારા હોમિયોપેથી સારવાર પાછળ વર્ષે આશરે ચાર મિલિયન પાઉન્ડ ખર્ચવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હેલ્ત સેક્રેટરી જેરેમી હન્ટે અગાઉ વિવાદાસ્પદ સારવારને પોતાનો ટેકો પણ જાહેર કર્યો હતો.

• ફાર્મની ગીચ જગ્યાએ રખાતી ગાયો

માર્ક એન્ડ સ્પેન્સર દ્વારા ગાયનું દૂધ વેચવાની યોજના છે પરંતુ, આ ગાયોને અત્યંત ગીચ જગ્યાઓમાં રાખી ઉછેરવામાં આવે છે. આ બાબત પ્રાણી કલ્યાણના ધોરણોનું ઉલ્લંઘન છે. ઈસ્ટ ચેલ્ડોનમાં ગ્રેન્જ ડેરી ખાતે પ્લાસ્ટિકના હરોળબંધ નાના પાંજરામાં વાછરડાંને એકલાં જ રખાય છે. આમ છતાં, માર્ક એન્ડ સ્પેન્સર ગાયના દૂધના સપ્લાયર્સની યાદીમાંથી આ ફાર્મને રદ કરવા ઈનકાર કર્યો છે. બીજી તરફ, ફાર્મના પાર્ટનરે દાવો કર્યો હતો કે અમારે ત્યાં પશુઓનાં આરોગ્ય અને કલ્યાણ મુદ્દે કોઈ ભંગ કરવામાં આવતો નથી. અમે સ્પોટ ઓડિટમાં પણ સફળપણે પસાર થયાં છીએ.

• બળાત્કારની પીડિતાનું જજને સમર્થન

માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટના જજ લિન્ડસે કુશનેરે બળાત્કાર કેસમાં એવી ટીપ્પણી કરી હતી કે શરાબના નશામાં ધૂત સ્ત્રીઓ પોતાને જ જોખમમાં મૂકે છે. બળાત્કારની ૧૯ વર્ષીય પીડિતા મેગન ક્લાર્કે જજની ટીપ્પણીને ટેકો આપવા પોતાનાં અનામ રહેવાના અધિકારને છોડી દીધો હતો. માન્ચેસ્ટરમાં રિકાર્ડો રોડ્રિગ્સ-ફોર્ટેસ-ગોમ્સે ગત જુલાઈમાં રાત્રિ મુલાકાત પછી મિસ ક્લાર્ક પર બળાત્કાર કર્યો હતો. તેને કોર્ટે છ વર્ષના જેલવાસની સજા ફરમાવી હતી. આ વખતે જજ કુશનેરે શરાબપાન કરનારી મહિલા સભાન ન રહેવાથી પોતાને જ જોખમમાં મૂકતી હોવાનું વિધાન કર્યું હતું. મિસ ક્લાર્કે બીબીસીના કાર્યક્રમમાં સ્વીકાર્યું હતું કે આ સલાહ સાચી છે.

• શ્વાને બચકાં ભરી માલિકને મારી નાખ્યો

ટેલિવિઝન ડોક્યુમેન્ટરીમાં ભાગ લઈ રહેલા મારિઓ પેરિવોઈટોસને તેના પાલતુ શ્વાને બીબીસી કેમેરા ક્રુની સામે જ બચકાં ભરી મરણને શરણ પહોંચાડ્યો હતો. નોર્થ લંડનમાં ફિલ્માંકન દરમિયાન મારિઓને આંચકીઓ આવતા બૂલ ટેરિઅર ભારે ઝનૂનમાં આવી ગયો હતો. જમીન પર પડેલા ૪૧ વર્ષના મારિઓને તેણે ગરદન પર બચકાં ભર્યા હતા. મારિઓને હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ભારે માત્રામાં લોહી વહી જવાથી તેને મૃત જાહેર કરાયો હતો.

• જજીસની નિવૃત્તિવય ફરીથી ૭૫ વર્ષ રાખવા સૂચન

બ્રિટનના સૌથી સીનિયર જજ અને સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લોર્ડ ન્યુબર્જરે ન્યાયતંત્રમાં ભરતીની સમસ્યા ઉકેલવા જજીસને ૭૦ વર્ષની વય પછી પણ કામ કરવા દેવાનું સૂચન કર્યું છે. લોર્ડ્સ બંધારણીય સમિતિ સમત્ર તેમણે જણાવ્યું હતું કે જજીસની નિવૃત્તિવય ફરીથી ૭૫ વર્ષની રાખવી જોઈએ. લોર્ડ ન્યુબર્જર જુલાઈમાં નિવૃત્ત થઈ રહ્યા છે અને કોઈ સુધારાથી તેમને લાભ થવાનો નથી. તેમણે કહ્યું હતું કે અન્યત્ર નિવૃત્તિવય ઊંચી જઈ રહી છે ત્યારે જજીસ માટે તે ઘટાટતા રહેવી આશ્ચર્યજનક છે.

• જાના થા જાપાન, પહુંચ ગયે ચીન....

શેક્સપિયર ભલે કહી ગયા કે,‘નામમાં શું રાખ્યું છે?’ વ્યવહારમાં તો નામના લીધે ઘણી સમસ્યાઓ સર્જાય છે. થોડા દિવસ પહેલા સ્થળના નામ અંગે ગુંચવાડો સર્જાતા લગ્નના જાનૈયા ૧૨૪ માઈલ દૂર ખોટા સ્થળે પહોંચી ગયા હતા. વેલ્સમાં કાર્માર્થેન અને કાએર્નાર્ફોન કિલ્લાઓ આવેલા છે. આ બન્ને વચ્ચે ત્રણ કલાકનું અંતર છે. તેઓ નોર્થ વેલ્સના પ્રસિદ્ધ લગ્નસ્થળ અને મધ્યકાલીન કિલ્લાઓ માટે જાણીતા કાએર્નાર્ફોન કેસલના બદલે કાર્માર્થેન કેસલ પહોંચી ગયા હતા. હવે સમયસર સાચી જગ્યાએ પહોંચી શકાય તેવું પણ ન હતું અને ભાવિ દંપતી પણ મહેમાન જાનૈયાઓની રાહ જોઈને થાકી ગયું હતું.

• ગુલાબને કાપ્યા તો કાંટા જેવું મોત મળશેની ધમકી

સાઉથ લંડનના બાલ્હામ ખાતે પોતાના ઘરમાં લચીને લહેરાતા પડોશીના ગુલાબનાં છોડને કાપવાની ‘ગુસ્તાખી’ કરનારા નિવૃત્ત જીપીને તેમના પડોશીઓએ મોતની ખતરનાક ધમકીઓ આપી હતી. આ બાબતે વિમ્બલ્ડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે બે મહિલાને ગુનાઈત પ્રવૃત્તિ બદલ દોષિત ઠરાવી દંડ ફરમાવ્યો હતો. શ્રીલંકામાં જન્મેલા ડો.માતિઆપરાનામ શ્રીધરનને તેમની પડોશમાં રહેતી માતા રોઝા રહેમાન અને પુત્રી રેબેકા રહેમાને ધમકી આપી હતી કે અમારા ગુલાબના છોડ ફરી કાપશો તો મરી જશો. પડોશી માતા-પુત્રીએ આક્ષેપ લગાવ્યો હતો કે નિવૃત્ત ડોક્ટર જાણીને તેમના પ્લાન્ટને ખતમ કરવા વિડકિલર નાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter