ઘર ખરીદનારા અપશુકનિયાળ મનાતા ૧૩ નંબરના મકાનમાં રહેવા ઈચ્છતા હોય તો તેઓ મકાનની કિંમતમાં લગભગ £૯૦૦૦ બચાવી શકે તેમ ઝૂપ્લા પ્રોપર્ટી વેબસાઈટના સર્વેમાં જણાયું છે. દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિ ૧૩ નંબરનું મકાન ખરીદવાનું ઓછું પસંદ કરે છે. પરંતુ, જે લોકો તે મકાન ખરીદવા માગતા હોય છે તેમના માટે આ લાભનો સોદો પૂરવાર થઈ શકે. યુકેમાં પ્રોપર્ટીની સરેરાશ કિંમત £૩૦૦,૦૧૨ હોય છે અને ૧૩ નંબરની પ્રોપર્ટીની કિંમત £૮૯૭૪ ઓછી હોય છે.
• પેટ્રોલનો ભાવ છેલ્લાં બે વર્ષના સૌથી ઉંચા સ્તરે
યુકેમાં પેટ્રોલનો ભાવ છેલ્લાં બે વર્ષના સૌથી ઉંચા સ્તરે એટલે કે લીટર દીઠ સરેરાશ £૧.૧૮ પર પહોંચી ગયો છે. ગત ડિસેમ્બર, ૨૦૧૪થી અત્યાર સુધીનો આ સૌથી વધુ ભાવ છે. ડીઝલનો ભાવ પણ જૂન,૨૦૧૫થી અત્યાર સુધીનો સૌથી વધુ એટલે કે લીટર દીઠ સરેરાશ £૧.૨૧ થઈ ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લાં પાંચ અઠવાડીયામાં ૪ પેન્સ કરતાં વધુનો વધારો નોંધાયો છે.
• હીટ એન્ડ રન કેસમાં ચાર લોકોને રિમાન્ડ
નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઓલ્ડહામમાં હીટ એન્ડ રનની ઘટનામાં બે યુવતીનું મોત નીપજાવવાના આરોપસર ચાર લોકોને ટેમિસાઈડ મેજીસ્ટ્રેટ કોર્ટે આગામી ૧લી ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. ૩૮ વર્ષીય ગેબર હેગેડસ પર જોખમી ડ્રાઈવિંગ દ્વારા મોત નીપજાવવાનો, ન્યાય પ્રક્રિયામાં વિક્ષેપના કાવતરાનો અને લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરવાનો આરોપ છે. અન્ય ત્રણ પર પણ ન્યાય પ્રક્રિયામાં વિક્ષેપના કાવતરાનો આરોપ મૂકાયો છે. રિમાન્ડ બાદ આ તમામને માન્ચેસ્ટરની મિનશુલ સ્ટ્રીટ કોર્ટ સમક્ષ હાજર કરાશે.
• શકમંદ ડ્રગ બેરન ઠાર મરાયો
M62 પર હડર્સફિલ્ડ નજીક પોલીસ ઓપરેશનમાં ઓફિસરોએ શકમંદ ડ્રગ બેરન ૨૮ વર્ષીય યાસર યાકુબને છાતીમાં સંખ્યાબંધ ગોળીઓ ધરબીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાયું છે. યાકુબની ઔડી કારમાંથી સેમિ ઓટોમેટિક ગન મળી આવી હતી. ઘટનાની તપાસ કરી રહેલા ઈન્ડિપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેઈન્ટ્સ કમિશન દ્વારા જણાવાયું હતું કે પૂર્વઆયોજિત યોજના મુજબ બે વાહનોને અટકાવાયા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેસ્ટ યોર્કશાયર પોલીસ અધિકારીઓમાંથી કોઈએ બોડી-વોર્ન વીડિયો કેમેરા લગાવ્યો ન હતો.
• કાર પાર્ક કરવા એમ્બ્યુલન્સ ખસેડી
એક ડ્રાઈવરે પાર્કિંગ સ્લોટમાં પોતાની કાર મૂકવાની જગ્યા મેળવવા ત્યાં ઉભેલી એમ્બ્યુલન્સ ચલાવીને ખસેડી હતી. આ સમયે એમ્બ્યુલન્સમાં પેશન્ટની સારવાર ચાલી રહી હતી. ઈમર્જન્સી વાહન અચાનક ખસવાથી પેશન્ટને તકલીફ થઈ હતી. ન્યુબરી બર્ક્સ ખાતે ૨૯ ડિસેમ્બરે પાર્કિંગ સ્લોટ આગળ એમ્બ્યુલન્સ ઉભી હતી. ત્યાં પાર્કિંગ માટે કાર ડ્રાઈવર એમ્બ્યુલન્સના કર્મચારીઓને પૂછ્યા વિના જ તેમાં ચડી બેઠો હતો અને વાહનને ખસેડ્યું હતું. થેમ્સ વેલી પોલીસ ડ્રાઈવરની શોધ ચલાવી રહી છે.

