• ૩ મિલિયન વર્કર્સને પેન્શન આઘાત

Tuesday 03rd October 2017 02:07 EDT
 

   આખરી સેલરી પેન્શન ત્રણ મિલિયન વર્કર્સ માટે આઘાતજનક બની રહેવાની શક્યતા છે. એમ્પ્લોયર્સ દ્વારા પાળી ન શકાય તેવા વચનો અપાયાં હોવાના કારણે તેમની આવકના ૨૦ ટકા ગુમાવવા પડે તેવું અડધોઅડધ જોખમ છે. પેન્શન પ્રોટેક્શન ફંડ સ્ટાફને વચન મુજબ પેન્શન આપી નહિ શકનારી કંપનીઓની વહારે જાય છે, જે ચૂકવણીની જવાબદારી પોતાના હસ્તક લઈ લે છે પરંતુ, કામદારોને અપાયેલા વચન કરતા ૨૦ ટકા ઓછી રકમ આપે છે.

• પુત્રીએ પેરન્ટ્સ સાથે છેતરપીંડી કરી         

પેરન્ટ્સ પોતાનું મકાન વેચી યુરોપના પ્રવાસે ગયા તે ગાળામાં તેમની પુત્રી મેલિસ્સા હમ્ફ્રીએ તેમના ૧૭૯,૦૦૦ પાઉન્ડ ચોરી છેતરપીંડી આચરી હોવાની કબૂલાત ચેમ્સફર્ડ ક્રાઉન કોર્ટ સમક્ષ કરી હતી. માતાપિતાએ નાણાકીય વ્યવહાર પુત્રીના હાથમાં સોંપ્યો હતો. કોલ્ચેસ્ટરની ૩૩ વર્ષીય મેલિસ્સાએ ક્રેડિટ કાર્ડ્સના દુરુપયોગથી નાણા ઉઠાવી લીધાં હતાં અને એક પ્રોપર્ટી પણ હસ્તગત કરી હતી. તેને ચેમ્સફર્ડમાં નવેમ્બરમાં સજા ફરમાવાશે.

• પ્રોસ્ટેટ કેન્સરની નવી સારવારને સફળતા        

અત્યાર સુધી અસાધ્ય ગણાતા પ્રોસ્ટેટ કેન્સર માટે નવી સારવાર હજારો પુરુષોને નવજીવન આપશે તેમ ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર રિસર્ચના અભ્યાસમાં જણાવાયું છે. સંસ્થાએ જણાવ્યું છે કે આ સંશોધન મોટી હરણફાળ સમાન છે અને જેમના માટે નહિવત આશા રહી હોય તેવા આશરે ૩,૦૦૦ પુરુષોની જીંદગી દર વર્ષે બચાવશે. બ્રિટનમાં દર વર્ષે ૪૭,૦૦૦ પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થાય છે.

• સ્ત્રીઓ કરતા પુરુષોનું આયુષ્ય ઓછું         

આયુમર્યાદાની વાત હોય ત્યારે પુરુષો સ્ત્રીઓની સરખામણીએ આવી શકે તેમ નથી. ગત દાયકામાં પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે આયુમર્યાદાની ખાઈ ઉત્તરોત્તર દર વર્ષે ઘટતી ગઈ છે. હવે બંને વચ્ચે આયુમર્યાદાનો તફાવત ૩.૭ વર્ષનો રહ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર સ્ત્રીઓ સરેરાશ ૮૨.૯ વર્ષ જીવે છે તેની સરખામણીએ પુરુષો સરેરાશ ૭૯.૨ વર્ષનું આયુષ્ય ધરાવે છે. બ્રિટનમાં આશરે ૧૫,૦૦૦ લોકો જીવનનું શતક વટાવી ગયા છે, જ્યારે ૯૦ વર્ષથી વધુ વય હોય તેવાં લોકોની સંખ્યા ૫૭૧,૨૭૦ની છે.

• એસિડ હુમલાઓ સંદર્ભે તરુણની ધરપકડ         

ઈસ્ટ લંડનના સ્ટ્રેટફર્ડ સેન્ટર ખાતે છ વ્યક્તિ પર જલદ પ્રવાહી ફેંકવાના શંકાસ્પદ એસિડ એટેક પછી ૧૫ વર્ષના તરુણની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ અસરગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. બિઝી શોપિંગ આર્કેડમાં બે પુરુષો વચ્ચે બોલાચાલી દરમિયાન જલદ પ્રવાહી ફેંકાતા આ લોકોને તેની અસર થઈ હતી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter