યુકેના ૯૭ ટકા કેશ મશીન્સ નાણાઉપાડ માટે ચાર્જ વસૂલતાં નથી પરંતુ ૮,૦૦૦ જેટલા ATM હવે બંધ કરવા કે ખસેડવા પડે તેવી સ્થિતિમાં છે, જેના દ્વારા વાર્ષિક ૧૪.૭ બિલિયન પાઉન્ડના રોકડ વ્યવહારો થાય છે. લંડન, બેલફાસ્ટ, બર્મિંગહામ, કાર્ડિફ, ગ્લાસગો અને શેફિલ્ડ સહિતના શહેરોમાં આ મશીન્સ માટે ચાર્જ વસૂલાશે તેમ કહેવાય છે. લિન્ક કેશ મશીન્સ નેટવર્કના ૩૦થી વધુ સભ્યો નવી ચાર્જિંગ સિસ્ટમ અંગે સમજૂતી સાધવામાં નિષ્ફળ ગયા છે. યુકેના ૭૦,૦૦૦ કેશ મશીન્સમાંથી માત્ર ૧૬,૦૦૦ જ નાણાઉપાડ માટે ચાર્જ કરે છે, જ્યારે ૫૪,૦૦૦ મશીન્સ ફ્રી સેવા આપે છે. ગ્રાહકો દ્વારા સરેરાશ ૬૯ પાઉન્ડના ઉપાડ માટે ૧.૭૦ પાઉન્ડની ફી ચુકવાય છે.
• ચાર્ટરહાઉસમાં ૪૦૦ વર્ષ પછી જનતાને પ્રવેશ
લંડનની ૧૨મી સદીના કબ્રસ્તાન અને પૂર્વ કાર્થુસિઅન મઠ ચાર્ટરહાઉસને ૪૦૦ વર્ષ પછી જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે. આ કબ્રસ્તાનમાં બ્લેક ડેથથી મૃત્યુ પામેલા ૫૫,૦૦૦થી વધુ લોકોને દફન કરાયા હતા. લોકો સપ્તાહના છ દિવસ માટે નવા મ્યુઝિયમની મુલાકાત લઈ શકશે. મ્યુઝિયમ ઓફ લંડનની ભાગીદારીમાં ૬૦૦ વર્ષના ઈતિહાસ સાથેનું મ્યુઝિયમ ચાર્ટરહાઉસની સ્થાપના ૧૩૪૮માં થઈ હતી. મધ્યકાલીન ચેરિટી દ્વારા ૧૬૧૧માં ૬૦ ગરીબ માણસ અને ૪૦ વિદ્વાનો માટે રહેવાની સુવિધા સાથે ફ્રાન્સિક્ન મઠ તૈયાર કરાયો હતો. આજે પણ બ્રધર તરીકે ઓળખાતા ૪૦ માણસને રહેઠાણની સુવિધા અપાય છે. હવે સૌપ્રથમ વખત સ્ત્રીઓ માટે પણ સુવિધા ખુલ્લી મૂકાશે.
• યુકે ફિલ્મ પ્રોડક્શનનો રેકોર્ડ
બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટ્યુટના તાજા આંકડા મુજબ બ્રિટનમાં ૨૦૧૬માં આશરે ૨૦૦ જેટલી ફિલ્મોના શૂટિંગ પાછળ ૧.૨ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો, જે અગાઉના વર્ષની સરખામણીએ ૧૩ ટકા વધુ છે. આ ૨૦૦ ફિલ્મોમાંથી ૪૮ વિદેશી ભંડોળ સાથેની છે, જે કુલ રોકાણના ૮૫ ટકા જેટલું છે. ફ્રેમસ્ટોર, પાઈનવૂડ, શેપર્ટન અને લીવ્સડેન સ્ટુડિયોઝમાં કામકાજ ધમધોકાર ચાલે છે. બ્રિટિશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સ્ટાર વોર્સઃ ધ લાસ્ટ જેડી અને સુપરમેન જેવી બિગ બજેટ ફિલ્મોએ મોટી મદદ કરી છે. લંડનના મેયર સાદિક ખાને લંડનમાં નવા સ્ટુડિયોના નિર્માણ માટે અભ્યાસ શરુ કરાવ્યો છે
• જોબસેન્ટરની ૭૫૦ નોકરી સામે જોખમ
બ્રિટિશ સરકાર સમગ્ર યુકેમાં ૧૦માંથી એકથી વધુ જોબસેન્ટર બંધ કરવાની યોજના ધરાવે છે, જેના કારણે ૭૫૦ જેટલી નોકરીઓ જોખમમાં આવી પડી છે. વર્ક એન્ડ પેન્શન્સ વિભાગ અનુસાર ૭૧૪ જોબસેન્ટર ઓફિસમાંથી કેટલી બંધ કરવી તે નિશ્ચિત નથી. જોકે, નાની ૭૮ જોબસેન્ટર પ્લસ ઓફિસો નજીકની મોટી ઓફિસો સાથે જોડી દેવાશે અને વધુ ૫૦ ઓફિસોમાં લોકલ ઓથોરિટીઝ અથવા અન્ય કોમ્યુનિટી સર્વિસીઝ આપવાનું ચાલુ કરાશે. દેશભરની ૨૭ બેક-ઓફિસ બિલ્ડિંગ્સ બંધ કરી ૨૦૧૮માં પાંચ નવા વિશાળ સર્વિસ સેન્ટર્સ સહિત પ્રોસેસિંગ સાઈટ્સ શરુ કરાશે. DWPએ જણાવ્યું હતું કે ૭૫૦ જેટલી નોકરી બંધ થશે પરંતુ, બહુમતી સ્ટાફને અન્ય કામકાજમાં જોડાવાનો વિકલ્પ અપાશે.
• બ્રેક્ઝિટ મુદ્દે લેબર સાંસદ તુલિપનું રાજીનામું
હેમ્પસ્ટીડ અને કિલ્બર્નના લેબર સાંસદ તુલિપ સિદ્દિકે પક્ષના નેતા જેરેમી કોર્બીનના વ્હીપથી નારાજ થઈ લેબર ફ્રન્ટબેન્ચ અને શેડો મિનિસ્ટરના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમના મતવિસ્તારમાં ૭૫ ટકાએ ઈયુમાં રહેવાની તરફેણ કરી હોવાથી આર્ટિકલ-૫૦ હેઠળની પ્રક્રિયા આરંભવાની તરફેણમાં મત આપવો તે મતદારો સાથે છેતરપિંડી ગણાશે તેમ કહી કોર્બીનના ત્રણ લાઈનના વ્હીપ સાથે તેઓ સંમત ન હોવાનું સિદ્દિકે જણાવ્યું હતું. સિદ્દિક સૌપ્રથમ મે ૨૦૧૫માં ૧૧૩૮ મતની પાતળી સરસાઈથી ચૂંટાયા હતા. તેમના ૨૦૧૦ના લેબર પુરોગામી ગ્લેન્ડા જેક્સને માત્ર ૪૨ મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો.

