• ૮૦થી વધુની વયે પણ સક્રિય જાતીય જીવન

Tuesday 21st February 2017 14:33 EST
 

યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધનમાં જણાયું છે કે ૮૦થી વધુની વયના લોકો જાતીય જીવનમાં ૫૦ વર્ષના લોકો કરતાં પણ વધુ સક્રિય હોય છે. ૫૦ અને તેથી વધુ વયના ૭,૦૦૦ ઉપરાંત લોકોના સર્વેક્ષણમાં જણાયું હતું કે ૮૫થી વધુ વયજૂથમાં ૨૫ ટકા પુરુષો અને દર ૧૦માંથી એક મહિલા જાતીય જીવનમાં સક્રિય હતી. સામાન્ય રીતે ૨૫ ટકા મહિલાઓ ૫૦થી ૬૦ની વયે પહોંચે ત્યારે જાતીય જીવનમાં સમસ્યા અનુભવતી થાય છે. જ્યારે ૮૦થી વધુ વયની માત્ર ૩૫ ટકા મહિલાઓમાં જ આ સમસ્યા જોવા મળે છે.

• £૨૦ની નોટ સળગાવીને વિદ્યાર્થીએ મશ્કરી કરી

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનના દૂરના સંબંધી અને પેમ્બ્રોક કોલેજમાં કાયદાનો અભ્યાસ કરતા રોનાલ્ડ કોયનને ગત ૨ ફેબ્રુઆરીએ £૨૦ની નોટ સળગાવીને એક ઘરવિહોણા વ્યક્તિની મશ્કરી કરવાના આક્ષેપસર કેમ્બ્રીજ યુનિવર્સિટીના ક્નઝર્વેટિવ એસોસિએશનમાંથી હાંકી કઢાયો હતો. ઓનલાઈન સ્ટુડન્ટ પબ્લિકેશન ‘ટેબ’ દ્વારા સ્નેપચેટ પર મૂકાયેલા આ ઘટનાના વીડિયોમાં કોયન નોટ સળગાવવાનો પ્રયાસ કરતો જણાયો હતો. યુનિવર્સિટીના અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. જોકે, પોલીસે આ અંગે કોઈ ફરિયાદ મળી ન હોવાનું કહી જણાવ્યું હતું કે બેંકનોટ સળગાવવી એ ગુનો નથી.

• મુસ્લિમ ગર્લ્સ સ્કૂલ હજુ ધોરણોથી નીચે

‘આતંકવાદ’ની ચિંતાને લીધે આંશિક રીતે બંધ કરાયેલી નોટિંગહામની મદની ટ્રસ્ટ સંચાલિત જામિયા - અલ-હુડા સ્કૂલના ધોરણો હજુ પણ નિર્ધારિત સ્ટાન્ડર્ડથી નીચેની હોવાનું Ofsted ના નવા અહેવાલમાં જણાવાયું છે. આ સ્કૂલમાં અપાતું ધર્મ આધારિત શિક્ષણ તેમને યોગ્ય લાયકાત મેળવવા માટે અને સ્કૂલ છોડ્યા પછી જીવન માટે યોગ્ય તૈયારી કરવા માટે પૂરતું નથી. Ofstedના મુખ્ય ઈન્સ્પેક્ટર સાયમન હોલિંગ્સવર્થે જણાવ્યું હતું કે બોર્ડિંગમાં રહેતી ૧૫૩ સહિત કુલ ૨૩૭ વિદ્યાર્થિની સાથેની મુસ્લિમ ગર્લ્સની બોર્ડિંગ સ્કૂલમાં હજુ પણ મોટી સમસ્યાઓ છે. આ સ્કૂલ ૧૯૯૬માં શરૂ થઈ હતી

• વેબ્રેડના દંપતીની હત્યા કર્યાનો આરોપીનો ઈનકાર

એસેક્સના તિલ્બરીના ૪૩ વર્ષીય અલી કાઝીમાજે સફોકના વેબ્રેડના દંપતી ૭૫ વર્ષીય પીટર સ્ટુઅર્ટ અને ૬૯ વર્ષીય સિલ્વીયાની હત્યાના આરોપી હોવાનો ઈનકાર કરીને પોતે ભળતી ઓળખનો ભોગ બન્યો હોવાનું જણાવ્યું હતું. ઈપ્સવીચ ક્રાઉન કોર્ટ સમક્ષ આલ્બેનિયન શરણાર્થીએ દાવો કર્યો હતો કે પોલીસ જે વ્યક્તિને શોધી રહી છે તે પોતે નથી અને પોતાનું સાચું નામ વિટલ ડેપી છે. કાઝીમાજ પર ગયા જૂનમાં નવ વખત છૂરાથી હુમલો કરીને પીટરની હત્યાનો આરોપ છે, જ્યારે સિલ્વીયાનો મૃતદેહ મળ્યો જ નથી. ગત ૧૭ જૂને તેની લક્ઝમ્બર્ગથી ધરપકડ કરાઈ હતી.

• છેતરપિંડીના વોન્ટેડની ધરપકડ

લાહોરથી હીથ્રો જતી એક ફ્લાઈટને અચાનક જ ડાઈવર્ટ કરીને એસેક્સના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ લઈ જવાઈ હતી. હાઈજેક અથવા આતંકી દહેશતને લીધે નહી, પરંતુ, છેતરપિંડી કરનારા આરોપી અને બાર્કિંગના પ્રાયરી રોડના નિવાસી બ્રિટિશ નાગરિક ખાલિદ બાકા આ વિમાનમાં હતો તેથી આ કાર્યવાહી કરાઈ હતી. પ્લેન ઉતરતા એરપોર્ટ પર બાકાની ધરપકડ કરાઈ હતી. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ૨૦૦ પેસેન્જર્સ સાથેના પ્લેનમાં જોખમની ચેતવણી પોલીસને મળતા તેને રોયલ એરફોર્સના ટાઈફૂન જેટ્સના રક્ષણ હેઠળ સ્ટેન્સ્ટેડ એરપોર્ટ લઈ જવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter