• ૮૦૦થી વધુ મહિલા NHS સામે દાવો માંડશે

Monday 24th April 2017 09:43 EDT
 

૮૦૦થી વધુ મહિલા તેમના ગુપ્તાંગમાં અણઘડ રીતે વાયર ઈમ્પ્લાન્ટ કરવા બદલ NHS અને જહોન્સન એન્ડ જહોન્સનની પેટા કંપની એથીકોન સહિત વાયરના ઉત્પાદકો સામે દાવો માંડવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓએ પણ તેનો મક્કમ બચાવ કરવાનું જણાવ્યું હતું. માર્ચ ૨૦૧૫ સુધીના આઠ વર્ષમાં ઈંગ્લેન્ડમાં અંદાજે ૯૨ હજાર મહિલાએ આ ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું. તેમાથી ૧૦ ટકા મહિલાને કાયમી દુઃખાવા સહિત ચાલવામાં, કામ કરવામાં અને સેક્સલાઈફ માણવામાં તકલીફ પડે છે.

• કામનુ ભારણ અનુભવતા GP છ આંકડાનો પગાર છોડવા મજબૂર

દેશના કેટલાંક વિસ્તારોમાં દર પાંચમાંથી બે GP છ આંકડાનો પગાર કામનું ભારણ સહન કરવા માટે યોગ્ય ન હોવાનું જણાવીને તેમની જોબ છોડી દે છે. ‘BMJ Open’ માં પ્રસિદ્ધ થયેલા સર્વેક્ષણમાં જણાયું હતું કે મોટાભાગના ડોક્ટરો ભવિષ્યમાં પેશન્ટ કેરમાં ઓછો સમય આપવા માગે છે. દસમાંથી સાત ડોક્ટર રીટાયરમેન્ટ, કેરિયર બ્રેક અને પાર્ટ ટાઈમ જોબ માટે વિચારતા હોય છે. સાઉથ વેસ્ટમાં ૨,૦૦૦ ડોક્ટરોના અભ્યાસ અંગે જણાવાયું છે કે જનરલ પ્રેક્ટિસમાં કટોકટી સર્જાઈ છે.

સ્ટ્રોકના દર્દીઓ માટે નવી બ્લડ ક્લોટ સારવાર

NHS દ્વારા સ્ટ્રોકના દર્દીઓના લોહી ગંઠાવા માટે નવી સારવાર પદ્ધતિને મંજૂરી અપાઈ છે. તેમાં દર્દીના પગની ધમનીમાં એક નાનું સાધન મૂકવામાં આવશે જે ધમની વાટે ફરતું ફરતું મગજ સુધી પહોંચશે અને ત્યાં ગંઠાઈ ગયેલા લોહીને દૂર કરશે. સ્ટ્રોક આવ્યાના છ કલાકમાં તેનો ઉપયોગ થશે તો દર્દીની બચવાની તકો અને તેને સારું જીવન જીવવામાં મદદરૂપ થશે. મગજને લોહીનો પ્રવાહ પૂર્વવત કરતી આ મીકેનીકલ થ્રોમ્બેક્ટોમીની સારવાર એક વર્ષમાં લગભગ ૮,૦૦૦ દર્દીને મળશે. NHSના વડાએ જણાવ્યું હતું કે આ સારવારથી લાંબા ગાળે હેલ્થ અને સોશિયલ કેરના ખર્ચમાં લાખો પાઉન્ડ બચાવી શકાશે.

• કૃત્રિમ હૃદયથી કિશોરીનું જીવન બચ્યું

લંડનની રોયલ બ્રોમ્પટન હોસ્પિટલમાં નવ કલાક ચાલેલી સર્જરી પછી વર્સેસ્ટરની ૧૩ વર્ષીય ક્લો નાર્બોન સંપૂર્ણ કૃત્રિમ હૃદય મેળવનારી બ્રિટનની પ્રથમ બાળકી બની છે. તેના શરીરમાં ૫૦ CCનું સંપૂર્ણ કૃત્રિમ હૃદય મૂકાયું છે. એક વર્ષ અગાઉ પણ તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. પરંતુ, તે નિષ્ફળ ગયું હતું અને આ ટ્રાન્સપ્લાન્ટ અગાઉ તેને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર રખાઈ હતી.

• ડ્રાઈવિંગ કરતાં ઝોકે ચડેલા દાદીમાએ બેના જીવ લીધાં

કાર ચલાવતાં ઝોકે ચડી ગયેલાં ૫૮ વર્ષીય દાદીમા ટેરેસા સેન્ટે એક્સીલેટર વધારે દબાવી દેતાં સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા રાહદારીએ જીવ ગુમાવ્યો હતો. કારમાં પાછળની સીટ પર તેમનો પૌત્ર પણ હતો. પ્લેમથ ક્રાઉન કોર્ટમાં સુનાવણીમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ તેમને ડ્રાઈવિંગ કરતાં ઉંઘ આવી ગઈ હતી. પરંતુ, તે વિશે તેમણે GP કે DVLAને જણાવ્યું ન હતું. જોખમી ડ્રાઈવિંગ દ્વારા મૃત્યુ નીપજાવવાના બે ચાર્જનો ટેરેસા સેન્ટે ઈન્કાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter