ક્લાર્કની ભૂલને લીધે વર્ષો વહેલા છૂટી ગયેલા ૨૫ વર્ષીય ‘ખૂંખાર કેદી’ રાલ્સ્ટન ડોડની પોલીસ શોધખોળ કરી રહી છે. નોર્થ લંડનની એક સ્ટ્રીટમાં ડોડે એક વ્યક્તિની પીઠમાં ત્રણ વખત છૂરાના ઘા માર્યા હોવાનું કબૂલ્યા પછી જજે ગઈ ૧૧ નવેમ્બરે તેને નવ વર્ષની જેલની સજા ફરમાવી હતી. પરંતુ, ચૂકાદાની નોંધ કરતા ક્લાર્કને સજા વિશે સાંભળવામાં ગેરસમજ થતાં તેણે ભૂલથી નવ મહિનાની સજા માટેના ફોર્મ ભર્યા હતા. તેથી તે વહેલો છૂટી ગયો હતો.
• ખર્ચ વધારો સ્વાર્થ ખાતર હોવાનો કેમરનનો આક્ષેપ
સ્વાર્થી રાજકારણીઓ પોતે ઉદાર છે તેવું દર્શાવવા ટેક્સપેયરોના નાણાનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ દ્વારા પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરને પબ્લિક સેક્ટરના વેતનની બાબતે વિવાદ સર્જ્યો છે. તેમની દરમિયાનગીરીને વેતનમાં ૧ ટકાની મર્યાદાને હળવી કરવાની તરફેણ કરતા બોરિસ જહોન્સન અને માઈકલ ગોવ સહિતના કન્ઝર્વેટિવ પાર્ટીના સિનિયર મિનિસ્ટરોને ઠપકા તરીકે જોવામાં આવે છે. વેતનવધારાની રકમ ચૂકવવા વધુ નાણા ઉછીના નહીં લેવા માટે કૃતનિશ્ચયી ફિલિપ હેમન્ડને કેમરન સમર્થન કરતા હોય તેમ લાગે છે.
• વિજ્ઞાનીઓએ સેલ્ફ ક્લિનિંગ ડ્રીમ કિચન વિક્સાવ્યા
યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન (UCL)ના સંશોધકોએ જાતે જ સાફસૂફી કરી શકે અને સાબુ અથવા સ્પ્રેના ઉપયોગ વિના બેક્ટેરિયાનો નાશ કરી શકે તેવું ડ્રીમ કિચન વિક્સાવ્યું છે. આ માટે તેમણે ચોક્કસ પ્રકારના પેઈન્ટ અને પ્લાસ્ટિક તૈયાર કર્યા છે. તેની સપાટી પર કોઈ વસ્તુ પડે તો તે તેને સાફ કરી નાખે છે. UCLના ક્રિસ પેજે જણાવ્યું હતું કે તેઓ ઘરો અને હોસ્પિટલોમાં અને તેમાં પણ ખાસ કરીને કિચન અને બાથરૂમમાં ઉપયોગ માટે સેલ્ફ ક્લિનિંગ અને સેલ્ફ સ્ટરીલાઈઝીંગ મટિરિયલ તૈયાર કરી રહ્યા છે.
• ઉંમર વધવા સાથે સ્ત્રીની પ્રજનનશક્તિ ઘટે
ઉંમર વધવાની સાથે સ્ત્રીની પ્રજનનશક્તિમાં ઘટાડો થતો હોવાની વાત વહેલું સંતાન ન ઈચ્છતા પુરુષોએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આઈવીએફ સારવાર મેળવનારા લગભગ ૮,૦૦૦ અમેરિકન દંપતીના
હાવર્ડ મેડિકલ સ્કૂલે કરેલા અભ્યાસમાં જણાયું હતું કે મોટી ઉંમરના પુરુષો પિતા બનવામાં ઓછા સફળ રહે છે. કુદરતી રીતે થતા જન્મના દરમાં પણ તેવું જ વલણ જોવા મળ્યું હતું. પાર્ટનરની વય ૪૦થી ઓછી હોય ત્યારે સફળતાની શક્યતા ખૂબ વધી જાય છે.
• કોર્બીન વિરોધી સાંસદોની હકાલપટ્ટી થઈ શકે
લેબર પાર્ટીના ચેરમેન ઈયાન લેવેરીએ ચેતવણી આપી હતી કે જે સાંસદો જેરેમી કોર્બીનની યોજનાઓ સાથે સંમત નહીં થાય તેમની હકાલપટ્ટી થઈ શકે. પાર્ટીના સિનિયર સાંસદો નવા પક્ષની રચનામાં પડદા પાછળ રહીને કામગીરી કરી રહ્યા હોવાની અફવાઓ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે જે સભ્યો સાંસદો તરીકે ચૂંટાયા છે તેમને વધારે સત્તા આપવાની યોજના તૈયાર કરી શકે.

