• ‘નોન-ડોમ’ દ્વારા કુલ £૯.૩ બિલિયનની ચુકવણી

Tuesday 12th September 2017 01:50 EDT
 

યુકેમાં સામાન્યપણે ‘નોન-ડોમ’ લંડનમાં રહેતો હોય છે અને દર વર્ષે ટેક્સમાં ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુની ચુકવણી કરતો હોય છે તેમ રેવન્યુ અને કસ્ટમ વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા જણાવે છે. ‘નોન-ડોમ’ એવાં લોકો છે, જેઓ બ્રિટનમાં રહેતાં હોય છે પરંતુ પોતાનું ડોમિસાઈલ દરિયાપારનું હોવાનું જાહેર કરે છે. આ સ્ટેટસ તેમને તેમની ઓફ-શોર આવક અને કેપિટલ ગેઈન્સ પર કોઈ ઈન્કમ ટેક્સ નહિ ચુકવવાનો લાભ આપે છે સિવાય કે આ નાણા બ્રિટનમાં લવાયા હોય. રેવન્યુ વિભાગે જણાવ્યા મુજબ ૧૨૧,૩૦૦ લોકો ૨૦૧૪-૧૫માં ‘નોન-ડોમ’ તરીકે રજિસ્ટર્ડ થયેલા હતા, જે તેની અગાઉના વર્ષ કરતા એક ટકો વધુ હતા. આ લોકોએ સંયુક્તપણે આવક, નેશનલ ઈન્સ્યુરન્સ અને કેપિટલ ગેઈન્સ ટેક્સીસમાં ૯.૩ બિલિયન પાઉન્ડની ચુકવણી કરી હતી.

• ગુનો કબૂલો, ઓછી સજા મેળવો    

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની સમીક્ષા અનુસાર વંશીય લઘુમતી બચાવકારોને તેમણે કરેલા અપરાધોમાં આજીવન કેદની સજાની શક્યતા હોય તેવા ગુનાની કબૂલાત કરી લેવા પ્રોત્સાહિત કરાવા જોઈએ. ક્રાઉન કોર્ટ્સ દ્વારા દોષિત જાહેર કરાયેલા પ્રતિ ૧૦૦ શ્વેત ગુનેગારને કસ્ટડીમાં મોકલાય છે તેની સામે ૧૧૨ અશ્વેત લોકો જેલમાં જાય છે. જોકે, યુકેની કુલ વસ્તીમાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME)ની સંખ્યા માત્ર ૧૩ ટકા જ છે.

• નાઈટ શિફ્ટમાં નોકરી લગ્ન માટે જોખમી         

આમ પણ પાળી એટલે કે શિપ્ટ્સમાં કામ કરવું આરોગ્ય માટે નુકસાનકારક જ હોય છે પરંતુ તે તમારા લગ્નજીવન માટે પણ ખરાબ છે. વધુ અને વધુ સંખ્યામાં કર્મચારીઓ નાઈટ્સ અને અનિયમિત કલાકો કામ કરતા થયા છે. આ વલણ ડાઈવોર્સ કેસીસમાં વધારા માટે મોટું પરિબળ હોવાની ચેતવણી વકીલોએ આપી છે. નાઈટ શિફ્ટ્સમાં લાંબા કલાકો ગાળતા સહકાર્યકરોમાં સુંવાળા સંબંધોનું જોખમ વધી જાય છે.

• મોટી વયે માતૃત્વના જોખમો અંગે ડરાવશો નહિ        

પાછલી જિંદગીમાં બાળકોને જન્મ આપવાથી જોખમો સર્જાશે તે મુદ્દે NHS વૃદ્ધ માતાઓને ડરાવવાથી દૂર રહે તેમ બ્રિટનની સૌથી સીનિયર મિડવાઈફે કહ્યું છે. રોયલ કોલેજ ઓફ મિડવાઈવ્ઝની તીફ એક્ઝિક્યુટિવ પ્રોફેસર કેથી વોરવિકે જણાવ્યું હતું કે હેલ્ત પ્રોફેશનલ્સ વય સંબંધિત જોખમો વિશે નકામી કાગારોળ મચાવી વૃદ્ધ માતાઓને ખોટા તણાવમાં લાવી મૂકે છે. ગત ૬ણ દાયકામાં મોટી વયે બાળજન્મનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું છે, જેમાં ૨૦ વર્ષથી ઓછી વયની સરખામણીએ ૪૦થી વધુ વય ધરાવતી સ્ત્રીઓને બાળકોનાં જન્મનું પ્રમાણ વધ્યું છે. મોટી વયે માતૃત્વ હોય તેમાં કોમ્પ્લિકેશન્સ, સ્ટીલબર્થ્સ અને ડિસેબિલિટીના જોખમોની સંભાવના વધુ રહે છે પરંતુ, જો તમારું આરોગ્ય આ વયે પણ સારું જ હોય તો ૪૨ અથવા ૪૫ની વયે માતા બનવામાં એટલા ગંભીર જોખમો હોતાં નથી તેમ પ્રોફેસર કેથીએ જણાવ્યું હતું.

• પ્રાઈવેટ ડે સ્કૂલ્સનું ભારે બિલ      

બાળકને ખાનગી શિક્ષણ અપાવવાનો ખર્ચ દિવસે અને દિવસે વધતો જાય છે. ચાર વર્ષની વયથી બાળકને ડે સ્કૂલમાં  ભણાવવાનો ખર્ચ આસમાને પહોંચી ૧૫૦,૦૦૦ પાઉન્ડથી પણ ઉંચે ગયો છે. પેરન્ટ્સના વેતનની સરખામણીએ ફી ત્રણ ગણી વધી ગઈ છે. ગત પાંચ વર્ષમાં ખાનગી ડે સ્કૂલમાં અભ્યાસનું વાર્ષિક બિલ ૨૦ ટકા વધીને સરેરાશ ૧૩,૮૩૦ પાઉન્ડ થયું છે, જેની સામે સરેરાશ વેતનવૃદ્ધિ માત્ર ૬ ટકા જ થઈ છે. જે લોકો બોર્ડિંગ સ્કૂલ્સની પસંદગી કરે છે તેમના માટે તો વાર્ષિક લગભગ સરેરાશ ૪૦,૦૦૦ પાઉન્ડ જેટલો વધુ ખર્ચ આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter