વાયર ફ્રોડ, કોમોડિટીઝ ફ્રોડ અને માર્કેટ મેનિપ્યુલેશનના આરોપોસર યુએસમાં પ્રત્યાર્પણની માગણી અંગે યુકેના ટ્રેડર નવિન્દરસિંહ સરાઓએ તેને બલિનો બકરો બનાવાઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. વોન્ડ્ઝવર્થ પ્રિઝનમાં રખાયેલ સરાઓ વીડિયો લિન્ક દ્વારા વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં બે દિવસની સુનાવણીમાં સરાઓ પ્રત્યાર્પણનો વિરોધ કરશે.
• ડિસમિસ થયેલા સર્જ્યનને વળતર
એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે જાતિય હેરાનગતિના આક્ષેપસર ડિસેમ્બર ૨૦૧૨માં હોર્ટન જનરલ હોસ્પિટલમાંથી ગેરવાજબી બરતરફ થયેલા સર્જ્યન અબ્દુલ અલ ઝેઈનને આશરે £૧૦૦,૦૦૦ જેટલું વળતર અપાવ્યું છે. જોકે, તેમને નોકરી પાછી મળી નથી. ડો. ઝેઈને પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવવા કાનૂની ફીમાં હજારો પાઉન્ડ ખર્ચવા ઉપરાંત, બે વર્ષનું વેતન પણ ગુમાવ્યું હતું.
• પાકિસ્તાની રાજકારણીના હત્યારા પકડાયા
લંડનમાં પાકિસ્તાની રાજકારણી ડો. ઈમરાન ફારુકની ૨૦૧૦માં કરાયેલી હત્યા સંદર્ભે બે મુખ્ય શકમંદોની પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ છે. તેમની સામે પ્રત્યાર્પણ કાર્યવાહી થવાની શક્યતા છે. સ્કોટલેન્ડ યાર્ડે મોશિન અલી સૈયદ અને મુહમ્મદ કાસિફ ખાન કામરાનને શકમંદ જાહેર કર્યા હતા. ડો. ફારુક મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના અગ્રણી સ્થાપકોમાં એક હતા અને તેના લંડન હેડક્વાર્ટર્સની બહાર તેમની હત્યા થઈ હતી.
• દાઉદ સિસ્ટર્સના પતિઓ પોલીસથી ખફા
નવ સંતાનો સાથે લાપતા બ્રેડફર્ડની ત્રણ દાઉદ સિસ્ટર્સના પતિઓએ આ સ્ત્રીઓ અને સીરિયાસ્થિત તેમના ભાઈ અહમદ અલી દાઉદ વચ્ચે સંપર્કને ઉત્તેજન આપવાનો આક્ષેપ કાઉન્ટરટેરરિઝમ અધિકારીઓ પર લગાવ્યો છે. સુગરા, ઝોહા અને ખદીજા દાઉદ ઈસ્લામિક પ્રદેશમાં પહોંચ્યા તે પહેલા તેમને ઈંગ્લેન્ડમાં કટ્ટરવાદી બનવા દેવાયા તે અંગે ડિટેક્ટિવોએ બેદરકારી દર્શાવી હોવાનો આક્ષેપ પણ તેમણે લગાવ્યો છે.
• યુનિવર્સિટીમાં સ્ત્રીઓની કનડગત કરતા ઈસ્લામવાદીઓ
જેહાદી જ્હોન મોહમ્મદ એમવાઝીએ અભ્યાસ કર્યો હતો તે વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં ઈસ્લામવાદીઓ સ્ત્રીઓની કનડગત કરી ધાકધમકી આપતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. યુનિવર્સિટીમાં ધ ઈસ્લામિક સોસાયટીના સભ્યોના વલણ અંગે એક રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એમવાઝી ૨૦૦૯માં આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયો હતો.
• મેટ્રોપોલીટન પોલીસને રંગભેદી કહેવામાં ભૂલ હતી
અશ્વેત તરુણ સ્ટીફન લોરેન્સની હત્યા અંગે મેકફેરસન ઈન્ક્વાયરીના મુખ્ય સલાહકારે મેટ્રોપોલીટન પોલીસને રંગભેદી કહેવામાં તેઓ ખોટા હોવાની રિપોર્ટના ૧૬ વર્ષ પછી કબૂલાત કરી છે. મહત્ત્વના રિપોર્ટમાં ડો. રિચાર્ડ સ્ટોને મેટ્રોપોલીટન પોલીસ ‘સંસ્થાગત રંગભેદી’ હોવાનો લેવાયેલો નિર્ણય ભૂલ હોવાનું જણાવ્યું હતું.
• યુકે છોડી સીરિયા ગયેલી દાઉદ બહેનોના પતિએ આંસુ વહાવ્યા
બ્રેડફર્ડમાં બાળકો સાથે સીરિયા નાસી છૂટેલી પત્નીઓની ચિંતા કરતા તેમના મુસ્લિમ પતિઓએ પ્રેસ કોન્ફરન્સમાં આંસુ વહાવ્યા હતા. ત્રણ બહેનો સુગરા દાઉદ પાંચ સંતાન, જ્યારે ઝોહરા દાઉદ અને ખાદિગા બીબી દાઉદ તેમના બે-બે સંતાન એમ કુલ નવ બાળકો સાથે યુકે છોડી ગઈ છે. સુગરા દાઉદના પતિ અખ્તર ઈકબાલ અને મોહમ્મદ શોએબ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. દાઉદ બહેનો તેમના લગ્નજીવનથી ખુશ ન હોવાનું પણ કહેવાય છે.