• રોયલ મેઈલના વર્કર્સ બે મહિનામાં 19 હડતાળ કરશેઃ

Friday 30th September 2022 07:09 EDT
 

રોયલ મેઈલના વર્કર્સ વેતન અને કામકાજની પરિસ્થિતિ મુદ્દે લાંબા સમયની પડતર માગણ–ીઓના સંદર્ભે ક્રિસમસ સુધીના બે મહિનાના ગાળામાં 19 દિવસ કામનો બહિષ્કાર કરી હડતાળ પાળશે. વર્કરોની ટર્મ્સ અને કંડિશન્સમાં ભારે કાપ મૂકવા અને યુનિયનને બાજુએ રાખી દેવા રોયલ મેઈલની ધમકીના સંદર્ભે કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયન (CWU)ના સભ્યોએ હડતાળનો નિર્ણય જાહેર કર્યો છે. જો કોઈ સમજૂતી ન સધાય તેવી હાલતમાં હડતાળોના પરિણામે, બ્લેક ફ્રાઈડે, સાયબર મન્ડે અને ક્રિસમસના ગાળામાં મેઈલ્સનું ભારણ નાટ્યાત્મકપણે વધી જશે. રોયલ મેઈલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રોયલ મેઈલને દૈનિક 1 મિલિયન પાઉન્ડનું નુકસાન જાય છે અને ગ્રાહકોની બદલાતી માગણીઓના સંદર્ભે ઝડપી કામ કરવું પડશે.

નેશનલ લોટરી સંચાલન ઝેક ઓપરેટર હસ્તક રહેશેઃ

યુકેના રેગ્યુલેટર ગેમ્બલિંગ કમિશન દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ફેબ્રુઆરી 2024થી નેશનલ લોટરીનું સંચાલન ઝેક કંપની અને યુરોપના સૌથી મોટાં લોટરી ઓપરેટર એલ્વિનને સોંપવામાં આવશે. લોટરીના ત્રણ દાયકાના ઈતિહાસમાં એલ્વિન બીજી ઓપરેટર કંપની બનશે. વર્તમાન ઓપરેટર કેમલોટે હરીફ પ્રોવાઈડરને અપાયેલા લાયસન્સ વિરુદ્ધ અપીલ પડતી મૂકી છે. એલ્વિનને માર્ચ મહિનામાં 10 વર્ષ માટે નેશનલ લોટરી લાયસન્સ આપવા જાહેરાત કરાઈ હતી પરંતુ, કાનૂની કાર્યવાહીના લીધે પ્રક્રિયા લંબાઈ હતી. હવે કેમલોટ અને તેના ટેકનોલોજી સપ્લાયર IGT દ્વારા લાયસન્સિંગ પ્રોસેસને અટકાવવાનો પ્રયાસ પડતો મૂકવાની અને માત્ર નાણાકીય વળતર માગવાની જાહેરાત કરી દેવાઈ છે. કેમલોટ 400 મિલિયન પાઉન્ડ અને IGT 200 મિલિયન પાઉન્ડના વળતરની માગણી કરે છે જેના કેસની સુનાવણી જાન્યુઆરીમાં હાથ ધરાનાર છે. એલ્વિન દ્વારા ટિકિટના ભાવ અડધા કરવા, સારા હેતુઓ માટે નાણાની રકમ બમણી કરવા અને નવી ડિજિટલ પ્રોડક્ટ્સમાં ભારે રોકાણોની ખાતરી આપવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટથી દર વર્ષે આશરે 10 બિલિયન પાઉન્ડના વેચાણની ધારણા રખાઈ છે.

લેબર સાંસદનો પાર્ટી દ્વારા કનડગતનો આક્ષેપઃ

લેબર પાર્ટીના પોપલાર એન્ડ લાઈમહાઉસ માટેના સાંસદ અફસાના બેગમે આક્ષેપ લગાવ્યો છે કે પાર્ટીએ તેમને સોશ્યાલિસ્ટ, મુસ્લિમ, વર્કિંગ ક્લાસ વુમન’ તરીકે નિશાન બનાવી છે. બેગમે પોતાની બેઠક માટે રીસિલેક્શન પ્રોસેસ અભિયાન બાબતે જણાવ્યું હતું કે તેમને પાર્ટી તરફથી સપોર્ટ મળતો નથી. તેઓ એક મહિના સુધી માનસિક આરોગ્યલક્ષી બીમારીની રજા પર હોવાં છતાં પાર્ટીએ પ્રોસેસ ચાલુ રાખી હતી. લિવરપૂલમાં લેબર કોન્ફરન્સમાં વર્લ્ડ ટ્રાન્સફોર્મ્ડ ફેસ્ટિવલમાં બોલતાં સાંસદે જણાવ્યું હતું કે તેઓ પક્ષમાં જૂથવાદ અને રેસિઝમ અનુભવી રહ્યાં છે. તેમને કદી યોગ્ય તક અપાઈ નથી અને તેમના પ્રત્યેનું વર્તન માનવતાવિહોણું રહ્યું છે. તેમને જેલમાં મોકલવાની પણ કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ પણ અફસાના બેગમે લગાવ્યો હતો. સંપૂર્ણ રીસિલેક્શન પ્રોસેસના મતદાન હેઠળ બેગમ બેઠક ગુમાવી શકે છે અને અન્ય ઉમેદવારની પસંદગી થઈ શકે છે.

હીથ્રો એરપોર્ટ પર બે વિમાનની અથડામણઃ

હીથ્રો એરપોર્ટ પર બુધવાર 28 સપ્ટેમ્બની સાંજે બે વિમાન વચ્ચે સામાન્ય અથડામણની ઘટના થઈ હોવાને સમર્થન અપાયું છે. મહિલા પ્રવક્તાએ તમામ પેસેન્જર્સ અને ક્રુ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. ઘટનાના સાક્ષીઓના જણાવ્યા અનુસાર બે વિમાનની પાંખ એકબીજા સાથે અથડાઈ હતી. જર્નાલિસ્ટ ડાન સબ્ભાગે કહ્યું હતું કે તેઓ પ્રવાસ કરતા હતા તે કોરિયન એરના વિમાનની પાંખથી આઈસલેન્ડર પ્લેનની ટેઈલ કપાઈ હતી. આ ઘટનાના પગલે ઈમર્જન્સી સર્વિસીસ અને એમ્બ્યુલન્સીસ રનવે પર આવી પહોંચી હતી. આ ઘટનાની તપાસ હાથ ધરાઈ હતી.

લેસ્ટરના ટોરી કાઉન્સિલરે પાર્ટી છોડીઃ

લેસ્ટરના હમ્બરસ્ટોન એન્ડ હેમિલ્ટન વોર્ડના કન્ઝર્વેટિવ કાઉન્સિલર ડેનિયલ ક્રેવીએ પાર્ટી છોડી દીધી છે અને તેમને પાર્ટીમાં વિશ્વાસ રહ્યો નહિ હોવાનું જણાવ્યું છે. તેમણે જાહેર કર્યું હતું કે તેઓ હવે 28 સપ્ટેમ્બરથી સ્વતંત્ર કાઉન્સિલર તરીકે કામ કરશે. કાઉન્સિલર ડેનિયલ ક્રેવી બે વર્ષમાં પહેલી વખત લેસ્ટર સિટી કાઉન્સિલમાં બેોછક જીતનારા પ્રથમ ટોરી સભ્ય રહ્યા હતા. તેમણે ગત વર્ષના જુલાઈમાં 1062 મત એટલે 44 ટકા મત સાથે આ બેઠકની પુનઃ ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પાર્ટી મારા મતદારો અને સામાન્ય પ્રજાના મતનું પ્રતિનિધિત્વ કરી રહી નથી. ઘણી સમસ્યા હતી તેમાં મિનિ બજેટે વધારો કર્યો છે. કાઉન્સિલર ક્રેવીના પાર્ટી છોડવાથી લેસ્ટર કાઉન્સિલમાં એક ટોરી બેઠક રહેશે જે પૂર્વ લેબર કાઉન્સિલર દીપક બજાજના લેબર પાર્ટી છોડી ટોરી પાર્ટીમાં પક્ષાંતર કરવાથી મળી છે.

બૂહૂના માલિક કામાણીએ £500 મિલિયન ગુમાવ્યાઃ

યુકેના સૌથી મોટા ફેશન રિટેઈલર્સમાં એક બૂહૂના સ્થાપક મહમૂદ કામાણીએ500 મિલિયન પાઉન્ડ ગુમાવ્યા છે. બિઝનેસમાં તેમંનો હિસ્સો હવે માત્ર 60 મિલિયન પાઉન્ડનો રહી ગયો છે. બૂહૂના માલિક કામાણીએ બે વર્ષમાં અડધો બિલિયન પાઉન્ડની સંપત્તિ ગુમાવી છે અને તેમની કંપનીના સ્ટોકનું મૂલ્ય તળિયે પહોંચી ગયું છે. તેના ઘટેલાં વેચાણો અને યુકે કોમ્પિટિશન વોચડોગ દ્વારા હાથ ધરાયેલી તપાસના પગલે કંપનીને ભારે ફટકો પડ્યો છે. બૂહૂની સ્થાપના 2006માં થઈ હતી. તેમનો ધંધો 2020માં 570 મિલિયન પાઉન્ડથી પણ વધુ હતો તે હવે માત્ર 60 મિલિયન પાઉન્ડનો રહી ગયો છે. કામાણી આ કંપનીમાં 12 ટકા હિસ્સા પર કાબુ ધરાવે છે. મે સુધીના ત્રણ મહિનામાં યુએસના ગ્રાહકોને વેચાણમાં માહમાં 28 ટકાનો ઘટાડો વસ્ત્રોની માંગ ઘટવા સાથે બૂહૂના સપ્લાયરોએ તેમના ઓર્ડર્સ રદ કરવા મમાંડ્યા હતા જેની બિઝનેસ પર ભારે અસર થઈ હતી. આ ઉપરાંત, બૂહૂની સપ્લાય ચેઈન્સમાં શ્રમિકો પાસે બળજબરીથી કામ કરાવાતું હોવાના આક્ષેપોથી પણ તેની પ્રતિષ્ઠા ખરડાઈ છે.

પબ્લિક એનર્જી કંપની સ્થાપવા લેબર પાર્ટીનું વચનઃ

બ્રિટનના વિરોધપક્ષ લેબર પાર્ટીએ આગામી ચૂંટણીમાં સત્તા પર આવે તો તેના એક વર્ષમાં જ પબ્લિક એનર્જી કંપની સ્થાપવાનું વચન પક્ષના નેતા સર કેર સ્ટાર્મરે આપ્યું છે. આ પગલાથી બિલ્સ નીચાં આવશે અને એનર્જી ક્ષેત્રમાં સ્વતંત્રતા મેળવવામાં મદદ થશે. સર સ્ટાર્મરે લિવરપૂર્લમાં પાર્ટીની કોન્ફરન્સમાં સંબોધન કરતા કહ્યું હતું કે લેબર સરકારના પ્રથમ વર્ષમાં જ ગ્રેટ બ્રિટિશ એનર્જીની જાહેર કંપની સ્થાપવામાં આવશે. આ પગલું રોજગારી, વિકાસ અને એનર્જીમાં સ્વતંત્રતા માટે યોગ્ય બની રહેશે. ઉલ્લેખનીય છે કે લેબર પાર્ટી ઓપિનિયન પોલ્સમાં કન્ઝર્વેટિવ પાર્ટી પર સરસાઈ ધરાવે છે પરંતુ, 2024થી વહેલાં ઈલેક્શન થવાની શક્યતા નથી.

જેડી સ્પોર્ટ્સને £1.5 મિલિયનનો દંડઃ

બ્રિટનના કોમ્પિટિશન રેગ્યુલેટરે JD Sports (JD.L)ને આશરે 1.5 મિલિયન પાઉન્ડ (1.6 મિલિયન ડોલર) નો દંડ ફટકાર્યો હોવાનું બહાર આવ્યું છે. ધ કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) દ્વારા રેન્જર્સ ફૂટબોલ ક્લબની ચોક્કસ બ્રાન્ડેડ ક્લેધિંગ પ્રોડક્ટ્સની રેઈટલ કિંમતોમાં તપાસના પગલે બ્રિટનના સૌથી મોટા સ્પોર્ટ્સવેર રિટેઈલર જેડી સ્પોર્ટ્સને આ દંડ કરાયો છે. જેડી સ્પોર્ટ્સ અને તેની હરીફ કંપની એલાઈટ સ્પોર્ટ્સે મળીને રેન્જર્સ બ્રાન્ડેડ ઉત્પાદનોની રિટેઈલ પ્રાઈસ નિર્ધારિત કરી હતી. કંપનીએ જૂન મહિનામાં જ સંભવિત દંડ અને કાનૂની ખર્ચ માટે 2 મિલિયન પાઉન્ડ બાજુએ રાખ્યા હતા. કંપનીએ તપાસમાં આપેલા સહકારના પગલે તેને દંડમાં થોડી રાહત અપાઈ છે.

સેંકડો વોન્ટેડ ક્રિમિનલ્સની ધરપકડ કરાશેઃ

બ્રિટનના સૌથી મોટા પોલીસ ફોર્સ મેટ્રોપોલીટન પોલીસના નવા વડા સર માર્ક રાઉલીએ ડ્રગ્સ, ફ્રોડ અને મહિલાઓ વિરુદ્ધ હિંસા સહિતના પાંચ ક્ષેત્રમાં પોલિસીંગમાં વિશ્વાસ વધારવા નિર્ણય લીધો છે. આના પગલે આગામી 100 દિવસમાં સેક્સ અપરાધીઓ, ચોર-લૂંટારાઓ સહિત સેંકડો વોન્ટેડ ક્રિમિનલ્સની ધરપકડ કરાશે. મેટ્રોપોલીટન પોલીસના અપરાધીઓ પર ત્રાટકવાથી લંડનની કોર્ટોમાં આગામી દિવસોમાં કેસીસનો ભારે વધારો થવાની ચેતવણી અપાઈ છે. સર માર્કે ખાતરી ઉચ્ચારી છે કે હવેથી દરેક પોલીસ ઓફિસર લંડનમાં નોંધાયેલી દરેક ચોરીમાં તપાસ હાથ ધરશે. હાલ આ પ્રમાણ 50 ટકા જેટલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter