•એસાઈલમ માગનારા પાછળ દૈનિક £૭૨૬,૦૦૦થી વધુ ખર્ચ

Tuesday 03rd March 2015 07:42 EST
 

બ્રિટનમાં રાજ્યાશ્રય-એસાઈલમ માગનારાઓને ભોજન અને રહેઠાણ પાછળ દૈનિક £૭૨૬,૦૦૦થી વધુ રકમનો ખર્ચ કરવામાં આવે છે. ૨૦૧૩-૨૦૧૪ના પ્રાપ્ત આંકડા અનુસાર આ માટે હોમ ઓફિસ દ્વારા £૨૬૫ મિલિયન અથવા દૈનિક £૭૨૬,૦૨૭નો ખર્ચ કરાયો હતો. ૨૦૧૦થી એસાઈલમ સીકર્સના ભોજન અને હાઉસિંગ પાછળનો ખર્ચ £૧.૨ બિલિયન પહોંચી ગયો છે. સત્તાવાળાઓ પ્રતિ કલાક ત્રણ એસાઈલમ અરજીનો નિકાલ લાવવા મથી રહ્યાં છે.

• સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ચેરમેન અને ચીફ હોદ્દા છોડશે

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ચેરમેન સર જ્હોન પીસ, ચીફ એક્ઝીક્યુટિવ પીટર સેન્ડ્સ બેન્ક છોડી રહ્યા છે તેમ જ બેન્કના એશિયન ઓપરેશન્સના વડા જસપાલ બિન્દ્રા બોર્ડમાંથી દૂર થશે. બેન્કના શેરના ગગડેલાં ભાવ અને નફો ઘટવાથી શેરહોલ્ડરોની નાખુશીના કારણે પીટર સેન્ડ્સ જૂનમાં બેન્ક છોડશે જ્યારે ચેરમેન સર જ્હોન ૨૦૧૬માં હોદ્દો છોડશે અને તેમનું સ્થાન જેપી મોર્ગનની ઈન્વેસ્ટમેન્ટ બેન્કના પૂર્વ વડા બિલ વિન્ટર્સ સંભાળશે.

• નેટ માઈગ્રેશન વધીને ૨૯૮,૦૦૦ થયું

ડેવિડ કેમરન યુકેમાં આવનારામાંથી દેશ છોડી જનારાની બાદબાકી સાથેનું નેટ માઈગ્રેશન ૧૦૦,૦૦૦થી નીચે લાવવામાં નિષ્ફળ રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૪ સુધી દેશમાં આવનારા માઈગ્રન્ટ્સની કુલ સંખ્યા ૬૨૪,૦૦૦ની થઈ હતી. માર્ચ સુધીના વર્ષમાં વધીને નેટ માઈગ્રેશન ૨૪૩,૦૦૦ થયું હતું. જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૪ સુધીના વર્ષમાં આ આંકડો ૨૯૮,૦૦૦ રહ્યો હતો. ગઠબંધન સરકારે સત્તા સંભાળી તેની સરખામણીએ આ આંકડો ૫૪,૦૦૦ વધુ છે.

• HSBCએ બીબીસી ટ્રસ્ટના ચેરમેનને દિવસના £૧૦,૦૦૦થી વધુ ચુકવ્યાં

કૌભાંડગ્રસ્ત બેન્ક HSBC દ્વારા બીબીસી ટ્રસ્ટના ચેરમેન રોના ફેરહેડને ગયા વર્ષે નોન-એક્ઝીક્યુટિવ ભૂમિકાઓ માટે £૫૦૦,૦૦૦થી વધુ રકમ ચુકવાઈ હતી, જે બીબીસી દ્વારા તેમને મળતી રકમની પાંચ ગણી હતી. પ્રતિ સપ્તાહે એક દિવસની કામગીરીના ધોરણે આ રકમ દૈનિક £૧૦,૦૦૦થી પણ વધુ થતી હતી. સાંસદોની સમિતિ દ્વારા HSBC બેન્ક સાથે સંબંધોના મુદ્દે રોના ફેરહેડની પૂછપરછ કરવામાં આવનાર છે.

• ૫૬ ટકા ફેમિલી ડોક્ટર્સ ૬૦ વર્ષની વય પહેલા નિવૃતિ લેશે

બીબીસીના ઈનસાઈડ આઉટ પ્રોગ્રામ માટે યુકેના ૧૦૦૪ જીપીના કરાયેલા સર્વે અનુસાર ૫૬ ટકા જીપી તેઓ ૬૦ વર્ષના થાય તે પહેલા નિવૃત થવા અથવા વ્યવસાય છોડવા માગે છે. આના કારણે થોડાં વર્ષોમાં ફેમિલી ડોક્ટ્સની કટોકટી સર્જાઈ શકે છે. અડધાથી વધુ ફેમિલી ડોક્ટર્સ ઓછાં ભંડોળ અને એપોઈન્ટમેન્ટ્સની કન્વેયર બેલ્ટ સિસ્ટમથી નાખુશ છે. હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે આંકડા ચિંતાજનક ગણાવ્યા છે. જોકે, બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના ડો. કૃષ્ણા કસારાનેનીએ આ મુદ્દે આશ્ચર્યજનક ન હોવાનું જણાવ્યું છે.

• માર્ક્સ એન્ડ સ્પેન્સરે જિસસ ક્રાઈસ્ટ પર પ્રતિબંધ મૂક્યો

માર્ક્સ એન્ડ સ્પેન્સર સ્ટોર્સ દ્વારા ફૂલોની ખરીદીના ઓનલાઈન ઓર્ડર્સ પર ક્રાઈસ્ટ અને જિસસ ક્રાઈસ્ટ શબ્દો પ્રતિબંધિત યાદીમાં મૂક્યાં છે. ગ્રાહકો આ શબ્દો ધરાવતાં મફત સંદેશા ભેટ સાથે મોકલી શકશે નહિ. જોકે, નવાઈની વાત એ કહેવાય કે જિહાદ શબ્દનો ઉપયોગ કરી શકાય છે. પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાય ત્યારે તમારા આ મેસેજમાં આ શબ્દો અમે મૂકી નહિ શકીએ તેવું ઓન-સ્ક્રીન નોટિફિકેશન આવી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter