ભારતના ગુજરાતી થિએટરના વિખ્યાત દિગ્દર્શક, લેખક અને અભિનેતા અને કોમેડી નાટકો માટે જાણીતા શ્રી સિધ્ધાર્થ રાંદેરીયા ખડખડાટ હસાવતા વધુ એક સફળ નાટક ‘‘ગુજ્જુભાઈ બન્યા દબંગ" લઇને યુકેની જનતાનું મનોરંજન કરવા આવી રહ્યા છે.
ભારત, અમેરિકા અને કેનેડામાં ધૂમ મચાવનાર નાટક ‘‘ગુજ્જુભાઈ બન્યા દબંગ''ના શોનું આયોજન આગામી તા. ૧૮ જુલાઇના રોજ ક્રોયડન, તા. ૧૯ના રોજ લેસ્ટર, તા. ૨૩ના રોજ વેમ્બલી, તા. ૨૪ના રોજ બર્મિંગહામ, તા. ૨૫ના રોજ ઇસ્ટ હામ અને તા. ૨૬ જુલાઇના રોજ હેરો ખાતે કરવામાં આવ્યું છે.
સત્ય વચન બોલતા આમ આદમીની હાલત તેની સત્યપ્રિયતાના કારણે કેવી થાય છે તેનું હસીને લોટપોટ થઇ જવાય તેવા સંવાદો તેમજ સંદેશ ખૂબ જ સુંદર સંવાદો સાથે રજૂ કરવામાં આવ્યો છે. ‘‘ગુજ્જુભાઇ બન્યા દબંગ''નાટકમાં શ્રી સિધ્ધાર્થ રાંદેરીયાએ જે.પી. એટલે કે જગદીશ પટેલની ભૂમિકાને ખૂબ જ આબાદ રીતે ભજવી છે. આ નાટકના મુખ્ય પાત્ર જેપી મધ્યમવર્ગના, નિવૃત્ત અને સાધારણ માણસ છે અને તેમની હરકતોથી માત્ર તેમના પત્ની અને પુત્ર જ નહિં તેમના એપાર્ટમેન્ટમાં રહેતા સર્વે લોકો પરેશન છે. તેમના માથે જાણે કે સચ્ચાઇનું ભૂત વળગેલું છે. જગદીશ પટેલ માને છે કે તેમનો જન્મ જ મહાન કાર્યો કરવા થયેલો છે. તેઅો ચાળીસીમાં હતા ત્યારે પણ તેમને મોકો મળે કે તુરંત જ સાબીત કરવું હતું કે તેઅો બહુ મુલ્યવાન વ્યક્તિ છે.
નાટકમાં બને છે એવું કે એક નામચીન ગુંડાની જેપીની નજર સામે જ ગોળી મારી હત્યા કરી દેવાય છે. મીડીયા તેમને અોળખવામાં ભૂલ કરે છે અને તે તકનો લાભ લઇને જગદીશભાઇ જાતે જ લોકોના નેતા બની જાય છે. બસ પછી શરૂ થાય છે હાસ્યના ફૂવારાઅો અને મનોરંજનનું હુલ્લડ. જગદીશભાઇ એવી વ્યક્તિ બની જાય છે જેમનાથી પ્રેરણા લેવા લોકોની લાઇનો લાગે, રાજકીય પક્ષો તેમને પોતાના તરફ કરવા માટે લડી પડે, તેમના પરિવારજનો આ તકનો લાભ લેવા ધમાસાણ મચાવે અને ગુંડાને મારનાર હત્યારાઅો તેમની આ સફળતાનો લાભ લઇ લેનાર જગદીશભાઇ સામે વેર વાળવા ફાંફા મારે છે. નાટકમાં રાજકારણ તથા આધુનિક સોશ્યલ મીડીયા ઉપર હાઇપિચના જોકસ રજૂ કરીને સિધ્ધાર્થભાઇ મેદાન મારી ગયા છે.
સિધ્ધાર્થભાઇ પોતાની નાટકની ૩૮ વર્ષની કારકિર્દીમાં ૮૦ થિએટર પ્રોડક્શન સાથે સંકળાયેલા હતા અને ગુજરાતી નાટ્ય તખ્તા પર કુલ ૨૦,૦૦૦ લાઇવ શો કરી ચૂક્યા છે. સિધ્ધાર્થભાઇ અત્યાર સુધીમાં સતત કુલ ૨૦ હીટ નાટકો આપી ચૂક્યા છે. "ગુજ્જુભાઇ" સીરીઝના તેમના વિખ્યાત કોમેડી નાટક 'લગે રહો ગુજ્જુભાઇ'ના ત્રણ વર્ષમાં ૭૫૦ શો થયા હતા. તો 'ગુજ્જુભાઇ ઘોડે ચઢ્યા' નાટકના ૪૫૦ શો થઇ ચૂક્યા છે. "ગુજ્જુભાઇ બન્યા દબંગ" નાટકના અત્યાર સુધીમાં કુલ સંખ્યાબંધ શો થઇ ચૂક્યા છે. સિધ્ધાર્થભાઇ યુકે, યુએસએ, ન્યુઝીલેન્ડ, અોસ્ટ્રેલીયા, કેનેડા, ગલ્ફ, ઇસ્ટ આફ્રિકા, સિંગાપોર અને મલેશીયામાં શો કરી ચૂક્યા છે અને વિવિધ ફિલ્મોમાં પણ અભિનય આપી ચૂક્યા છે.
અમેરિકામાં "ગુજ્જુભાઇ બન્યા દબંગ" નાટક એટલુ તો લોકપ્રિય થયું હતું કે ૪૫ દિવસના રોકાણમાં ૪૩ પ્રોગામનું બુકિંગ થઇ ગયું હતું. હંમેશા હાઉસફુલ રહેતા આ નાટકની ટિકીટ વહેલાસર બુક ન કરાવનારાઅોને પસ્તાવુ પડે છે. વધુ માહિતી માટે જુઅો હરિફાઇ પાન ૨૮ અને સંપર્ક: મનોજ દોસ્તાના 07940 418 585.