વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ લંડન ૨૦૧૫ કોન્ફરન્સ તા. ૧૧-૧૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

Thursday 27th August 2015 08:57 EDT
 
 

વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ લંડન ૨૦૧૫ કોન્ફરન્સનું શાનદાર આયોજન તા. ૧૧થી ૧૩ સપ્ટેમબર ૨૦૧૫ દરમિયાન પાર્ક પ્લાઝા રિવરબેન્ક હોટેલ, વેસ્ટમિન્સ્ટર લંડન ખાતે કરવામાં આવ્યું છે.

આપણે હિન્દુઅો 'વસુધૈવ કુટુંબકમ્'માં માનીએ છીએ જેનો અર્થ થાય છે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે અને જે પરિવાર સાથે કામ કરે કે પોતાનું સર્વસ્વ વહેંચે તે સાચો પરિવાર પ્રગતિના પંથે જાય છે. આપણે હિન્દુઅો જાણીએ છીએ કે કઇ રીતે સંપત્તીનું સર્જન કરવું અને આપણે સંપત્તી સર્જન કરવાનું જ્ઞાન અન્યો સાથે પણ વહેંચીએ છીએ. આપણા પૂર્વજોએ પણ વેદમાં આટલા માટે જ કહ્યું હતું કે 'સત હસ્ત સમાહરા, સહસ્ત્રા હસ્ત સંકીરા' અર્થાત 'સો હાથે સંપત્તીનું સર્જન કરો અને હજાર હાથે તેને વહેંચો'. કેટલી અદ્ભૂત આ વાત છે.

'સહિયારો વિકાસ - સુરક્ષિત ભવિષ્ય'નો મુદ્રાલેખ ધરાવતા ત્રણ દિવસના આ પરિસંવાદમાં WHEFનો આશય હિન્દુ સમુદાયના આર્થિક રીતે સફળ થયેલા વેપારીઅો, બેન્કર્સ, ટેક્નોક્રેટ્સ, રોકાણકારો, ઉદ્યોગપતિઅો, બિઝનેસમેન, વ્યવસાયીઅો, અર્થશાસ્ત્રીઅો અને વિચારકોને એકજુથ કરવાનો છે. જેથી તે દરેક જુથ તેમના વેપારી જ્ઞાન, અનુભવ, સાધનસામગ્રી અને તજજ્ઞતા પોતાના સાથીદારોને વહેંચી શકે. સંસ્થાનો હેતુ નવઉદ્યોગસાહસિક હિન્દુઅોને સહકાર આપવાનો, પ્રોત્સાહિત કરવાનો અને તેમને માર્ગદર્શન આપવાનો પણ છે અને અંતે મુખ્ય ધ્યેય વધારાની સંપત્તીનું સર્જન કરી સમુદાયને સુખ-સંપન્ન કરવાનો છે. WHEFનો પ્રારંભ ૨૦૧૨માં હોંગકોંગમાં થયો હતો અને તે પછી બેંગકોકમાં ૨૦૧૩માં સફળ વાર્ષિક ફોરમ થઇ હતી અને ૨૦૧૪માં નવી દિલહીમાં તેમજ અન્ય પ્રાંતિય સ્તરે ફોરમની રચના થઇ હતી.

આજે અર્થતંત્ર મુશ્કેલીઅોમાંથી પસાર થઇ રહ્યું છે પણ સાથે સાથે નવી અર્થિક શક્તિઅો પણ પાંગરી રહી છે. જે આપણને મહાન તકો પૂરી પાડે છે. આજે, હવે મુદ્દો એ છે કે સહિયારો વિકાસ અને સુરક્ષિત ભવિષ્ય માટે વૈશ્વિક સ્થિતીનો લાભ કઇ રીતે લેવો. હિન્દુઅોએ વૈશ્વિક સ્તરે તમામ દેશો અને ખંડોમાં સહયોગ અને સહકાર કરીને બજારનો લાભ લેવો પડશે, જરૂરિયાતને ઉભી કરવી પડશે. આવો જ સહકાર મૂડીના ક્ષેત્રે પણ કરવો પડશે. WHEF માને છે કે હિન્દુઅો ટેક્નોલજીથી જ્ઞાત છે અને હિન્દુઅોએ એવા લોકો સાથે નાતો કેળવવો પડશે જેઅો ટેક્નીકલ શોધોને પોતાના વેપાર, ફંડ કે બજારના ક્ષેત્રોમાં તબદીલ કરી શકતા હોય.

લંડન ખાતે યોજાનારી WHEFની કોન્ફરન્સમાં યુકે અને ભારતની સરકારોના મિનિસ્ટર અને જાહેર ક્ષેત્રના અગ્રણીઅો સહિતના ૪૦૦ અગ્રણીઅો ઉપસ્થિત રહેનાર છે. જેમાંના કેટલાકે ઉપસ્થિત રહેવાની બાંહેધરી પણ આપી છે. લંડન વૈશ્વિક શહેર છે અને વેપાર, શિક્ષણ, અર્થકારણ, મીડીયા, વ્યવસાય, સંશોધન અને વિકાસના ક્ષેત્રે લંડનનું પ્રદાન અનોખું રહ્યું છે. લંડન સમગ્ર વિશ્વમાં જીડીપી ક્ષેત્રે પાંચમો સૌથી વિશાળ મેટ્રોપોલિટન વિસ્તાર ધરાવે છે તેમજ વિશાળ આર્થિક કેન્દ્ર છે. લંડન વિકાસ માટે કટિબધ્ધ હિન્દુ વેપારી સમુદાયનું ઘર છે, જેમનું અનુદાન યુકેના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ છે. દરેક વેપારી તેમજ વ્યવસાયીક વ્યક્તિ માટે યુરોપના બજાર અને નેટવર્ક માટે તેમજ વિશ્વભરના વેપાર સાથે સંકળાયેલા લોકો સાથે નેટવર્કીંગ કરવાની આ સોનેરી તક છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ દર ૬ વ્યક્તિમાંથી ૧ વ્યક્તિ હિન્દુ છે. WHEF સંગઠન દ્વારા યુવાનોને રહેવામાં મદદ, માર્ગદર્શન અને સહકાર પૂરો પાડવામાં આવે છે તેમજ ઉદ્યોગ સાહસિકો અને સમાન વેપાર કરતા લોકોને હળવા મળવાની સગવડ પૂરી પાડવામાં આવે છે.

અગાઉ દિલ્હીમાં યોજાયેલ પરિસંવાદમાં WHEF એ ૫૩ દેશોના ૧૭૦૦ ડેલીગેટ્સને આકર્ષીત કર્યા હતા અને આ પરિસંવાદને વેપારી અગ્રણીઅો, સરકારી મંત્રીઅો અને અાર્થિક બાબતો સાથે જોડાયેલા અગ્રણીઅોએ સમર્થન આપ્યું હતું.

આ પરિસંવાદના મુુખ્ય મિડીયા પાર્ટનર ઝી ટીવી અને 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' છે. આપને જો આ પરિસંવાદમાં જોડાવું હોય કે વધુ માહિતી જોઇતી હોય તો [email protected] પર ઇમેઇલ કરવા વિનંતી છે અથવા તો વેબસાઇટ www.wheflondon.com પરથી વધુ માહિતી મેળવી શકો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter