2047માં વિકસિત દેશ બનવાની દિશામાં ભારત અગ્રેસરઃ સ્ટાર્મર

બંને દેશ વચ્ચેનો વેપાર કરાર મોટી સફળતા, અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવી આધુનિક ભાગીદારીની રચના કરી રહ્યાં છીએઃ બ્રિટિશ વડાપ્રધાન

Tuesday 14th October 2025 11:38 EDT
 
 

લંડનઃ ભારતની લાંબી વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું અત્યારે જે જોઇ રહ્યો છું તે એ વાતનો પુરાવો છે કે ભારત 2047માં વિકસિત ભારત બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. ભારતની મારી પહેલી સત્તાવાર મુલાકાતમાં મારી સાથે યુકેનું સૌથી મોટું ટ્રેડ ડેલિગેશન જોડાયું છે.

યુકેના વડા પ્રધાન સ્ટાર્મરે તેમના પ્રવચનની શરૂઆત હિન્દીમાં કરતાં જણાવ્યું હતું કે નમસ્કાર દોસ્તો, ૨૦૨૮ સુધીમાં તેમની આગેવાની હેઠળ ભારતને ૨૦૨૮ સુધીમાં દુનિયાનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવવાના ધ્યેય માટે હું વડાપ્રધાન મોદીને અભિનંદન આપું છું. તમે તમારા ધ્યેયને હાંસલ કરવાની દિશામાં આગેકૂચ કરી રહ્યા છો. અમે આ પ્રવાસમાં તમારા પાર્ટનર્સ બનવા માગીએ છીએ.
બે મહિના અગાઉ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદતું હોઈ ટ્રમ્પે ભારતને ડેડ ઈકોનોમી ગણાવી જણાવ્યું હતું કે મને કશી પડી નથી. તેઓ તેમની ડેડ ઈકોનોમીઓને સાથે લઈ પતન પામશે એટલી જ મને ખબર છે. જો કે, ભારતે એપ્રિલ જુન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં બહેતર 7.8 ટકાની આર્થિક વૃદ્ધિ દાખવી ટ્રમ્પના બોદાં દાવાનો નક્કર જવાબ આપી દીધો હતો.

સ્ટાર્મરે જણાવ્યું હતું કે અમે કોમનવેલ્થ અને જી 20માં સાથે બેસીએ છીએ અને હવે ભારત યુએનની સલામતિ સમિતિમાં તેના હકની જગ્યા મેળવે તેમ અમે ઇચ્છીએ છીએ. યુએનની સલામતીમાં ભારતને સ્થાન આપવાની તરફેણ કરનારા દેશોમાં રશિયા, જર્મની, ફ્રાન્સ અને આફ્રિકન યુનિયન બાદ હવે યુકેએ પણ ભારતને ટેકો આપવાની જાહેરાત કરી છે.

સ્ટાર્મરે શું કહ્યું?

• FTA પછી 3 મહિનામાં વેપાર અને રોકાણમાં 6 અબજ પાઉન્ડનો વધારો થયો છે.

• રોલ્સ રોયસ અને ભારતની એરલાઈન્સ વચ્ચે નવા કોન્ટ્રાક્ટ કરાયા.

• બ્રિટનની બે ડિજિટલ બેન્કો રિવોલ્ટ અને ટાઈડ ભારતમાં નવું રોકાણ કરશે.

• અમે ભારત અને બ્રિટનનાં રોકાણકારોને સંગઠિત કર્યા છે.

• બિટનની ૯ યુનિવર્સિટીઓ ભારતમાં કેમ્પસ ખોલશે.

• બોલીવુડની ફિલ્મો હવે બ્રિટનમાં બનશે આ માટે બંને દેશો વચ્ચે કરાર કરાયા છે.

• અમે AI કોમ્યુનિકેશન અને ડિફેન્સ ટેકનોલોજીમાં સહયોગ સાધીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter