AAHOA ની નવી પહેલઃ ચેરિટેબલ ફાઉન્ડેશનનું લોન્ચિંગ

સૌથી વધુ સંખ્યા સાથે સૌથી મોટા કન્વેન્શન અને ટ્રેડ શો AAHOACON23નો શાનદાર સમાપન સમારોહ: AAHOAના ચેરમેન પદે ફ્લોરિડાના હોટેલિયર ભરત પટેલ

મહેશ લિલોરિયા Tuesday 18th April 2023 03:10 EDT
 
 

લોસ એન્જલસઃ ધ એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (AAHOA) દ્વારા લોસ એન્જલસમાં 11થી 14 એપ્રિલ દરમિયાન યોજાયેલા સૌથી મોટા કન્વેન્શન અને ટ્રેડ શોની પૂર્ણાહૂતિ થઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં સભ્યો જોડાયા હતા અને કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. કન્વેન્શનના પ્રથમ દિવસે એસોસિયેશને AAHOA ચેરિટેબલ ફાઉન્ડેશનના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ બીનનફાકારી ફાઉન્ડેશન આપદાઓમાં રાહત, શૈક્ષણિક સ્કોલરશિપ્સ અને ગ્રાન્ટ્સ પૂરી પાડવા તેમજ ઉમદા ઉદ્દેશો અને માનવતાવાદી સહાય મારફતે માનવતાને સમર્થન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ફ્લોરિડાના હોટેલિયર ભરત પટેલ, CHO, CHIAને AAHOAના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના નવા ચેરમેન જાહેર કરાયા છે. તેમણે કેલિફોર્મિયાના લોસ એન્જલસમાં આયોજિત 2023 AAHOAકન્વેન્શન અને ટ્રેડ શોના સમાપને નવો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઈવેન્ટ્માં AAHOAના ઈતિહાસમાં બૂથ સેલ્સનો વિક્રમ સ્થપાયો હતો. નવા ફાઉન્ડેશનના લોન્ચિંગની ઉજવણી સ્વરૂપે ઉપસ્થિત લોકોએ ફાઉન્ડેશનને દાન આપવાની ખાતરીઓ જાહેર કરી હતી. 2023 AAHOAકન્વેન્શન અને ટ્રેડ શોના પ્રથમ સપ્તાહમાં જ 50,000 ડોલર એકત્ર કરવાનું લક્ષ્ય રખાયું હતું.

લોન્ચિંગ વેળાએ વિદાય લેતા ચેરમેન નિશાંત (નીલ) પટેલે જણાવ્યું હતું કે,‘AAHOAની મારી ચેરમેનશિપની સમાપ્તિ માટે AAHOA ચેરિટેબલ ફાઉન્ડેશનના લોન્ચિંગ કરતાં વધુ સારો માર્ગ હું વિચારી શકતો નથી. AAHOAના સભ્યો મહેનતુ, સર્જનાત્મક અને ઉદ્યોગસાહસી છે. તેઓ ઉદાર અને કોમ્યુનિટીનો વિચાર કરનારા પણ છે. AAHOA ચેરિટેબલ ફાઉન્ડેશન આપણા તમામ સભ્યોને આપણી કોમ્યુનિટીઓને સપોર્ટ કરવાનું ચાલુ રાખવા નવો માર્ગ આપે છે.’

કાર્યભાર સંભાળતા ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે,‘AAHOA સભ્યો પાસેથી યોગદાનની અપેક્ષા રાખે છે, કોઈ પણ યોગદાન નાનું નથી. AAHOAના સભ્યો ચેરિટેબલ ગોલ્ફ ટુર્નામેન્ટ્સ, હરિકેન રીલિફના પ્રયાસો અને અન્ય સખાવતી પ્રવૃત્તિઓ મારફત આપણી સ્થાનિક કોમ્યુનિટીઓનું ઋણ ઉતારવામાં માને છે.’

પ્રેસિડેન્ટ અને સીઈઓ લૌરા લી બ્લેકે જણાવ્યું હતું કે,‘AAHOAના સભ્યો તમામ 50 રાજ્યોમાં હજારો કોમ્યુનિટીઓમાં હોટેલ્સની માલિકી ધરાવે છે, જે દરેક રાત્રે 3.5 મિલિયન મહેમાનોને સલામત અને આરામપ્રદ રહેઠાણ પુરું પાડવા સાથે એક મિલિયન વર્કર્સને નોકરી આપે છે. આપણા સભ્યો તેમની કોમ્યુનિટીઓના મજબૂત સ્તંભ તરીકે ખડા રહે છે અને જેમને મદદની જરૂર હોય તેમના વિશે ઊંડી કાળજી રાખે છે. તેઓ અનેક પ્રકારે યોગદાન આપે છે. AAHOA ચેરિટેબલ ફાઉન્ડેશન મારફતે આપણા સભ્યો પાસે સખાવતી પ્રવૃત્તિઓને ટેકો આપવા નવો માર્ગ સાંપડશે જેનાથી આપણા દેશની દરેક કોમ્યુનિટી માટે નોંધપાત્ર તફાવત ઉભો કરી શકાશે.’

શૈક્ષણિક સત્રો અને મનોરંજન

શૈક્ષણિક સત્રો અને મજબૂત ટ્રેડ શોઝAAHOACON ’23ના મુખ્ય હિસ્સારૂપ હતા. ઐતિહાસિક સ્થળ લોસ એન્જલસ કોલેઝિયમ તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે ત્યાં વેલકમ રિસેપ્શનનું આયોજન કરાયું હતું. AAHOAબ્લોક પાર્ટી LA અર્બન સ્ટ્રીટના દૃશ્યને સન્માનિત કરવા માટે હતી જેમાં ડીજે, ફૂડ ટ્રક્સ સ્કેટબોર્ડર્સ દૃશ્યમાન હતા. બુધવારના કીનોટ સ્પીકર અમેરિકન કોમેડિયન, પ્રોડ્યુસર, પોલિટિકલ કોમેન્ટેટર, અભિનેતા અને ભારતીય મૂળના ટીવી ઉદ્ઘોષક હસન મિન્હાજ હતા. બીજી તરફ, ગુરુવારની રાત્રે ગરબાનૃત્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો. શુક્રવારની રાત્રે ભવ્ય રિસેપ્શનમાં મિકા સિંહ, ગીતા ઝાલા અને રમણ કપૂરે પરફોર્મ કર્યું હતું.

આપણે વર્તમાનને અવગણી યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરતા નથીઃ સ્વામી બ્રહ્મવિહારીદાસ

AAHOACON ’23માં નામાંકિત આધ્યાત્મિક નેતાઓનો પણ સમાવેશ થયો હતો. ગુરુવારે BAPS ના આધ્યાત્મિક નેતા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. મુખ્ય વક્તા તરીકે સ્વામી બ્રહ્મવિહારીદાસ ‘કશું ખાલી ખાલી છે, કશું પરિપૂર્ણ છે’ અર્થાત ‘something missing something fulfilling’ વિષય પર અસાધારણ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે,‘આ વિશ્વમાં AAHOAસૌથી મોટા એસોસિયેશન કરતાં પણ કાંઈક વિશેષ છે. તે એકતા સાથે વિકસવાનું પ્રતીક છે. હું એ હકીકત પર ભાર મૂકવા ઈચ્છું છું કે ભૂતકાળ એ ઈતિહાસ છે જ્યારે ભવિષ્ય એક રહસ્ય છે. આપણે ઘણી વાર આપણી પહોંચમાં હોય તેવા વર્તમાનને ભૂલી જઈએ છીએ. આપણે વર્તમાનને અવગણીએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરતા નથી. જો તમે આજની કાળજી લેશો તો આવતી કાલ પોતાની જ કાળજી લઈ લેશે. આપણે એવા નેતાઓની જરૂર છે જેઓ ઈચ્છામુક્ત, સ્વાર્થમુક્ત અને ભયમુક્ત હોય.’

માનવી તરીકે સંજોગોને ઘડવાની તમારામાં તાકાત છેઃ સદ્ગુરુ

શુક્રવારે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને વડા આદરણીય સદગુરુ મુખ્ય વક્તા હતા. તેમણે કહ્યું હતું કે,‘ જો તમારે શું પસંદ કરવું જોઈએ તે જાણવાની જાગરુકતા તમારી પાસે ન હોય તો તમારી પાસે અત્યારે જે પણ કામ હોય તેમાં તમારું દિલ અને આત્માને રેડી દો. કોઈ પણ પ્રકારના ખચકાટ કે મૂંઝવણ વિના તમે હાલ જે કરી રહ્યા છો તેમાં તમારી જાતને 100 ટકા પરોવી દો. તમે જેવા છો તેના માટે અન્યો જવાબદાર હોવાનું જ્યાં સુધી માન્યા કરશો ત્યાં સુધી તમારે જેવાં બનવું છે તેવા બની શકશો નહિ.’

સદગુરુએ કહ્યું હતું કે,‘ અન્ય કોઈ વ્યક્તિ તમે ઈચ્છતા હો તેવી બને તેવી અપેક્ષા રાખતા પહેલા તમારે જ તમે જેવા બનવા ઈચ્છો છો તેવા બનવું જોઈશે. તમે અત્યારે જે કાંઈ છે તેનો સ્વીકાર કરી લેશો તો દરેક બાબત તમારો હિસ્સો બની જશે. જો તમે પ્રતિકાર કરશો તો દરેક બાબત સમસ્યા બની જશે. માત્ર માનવી જ અસ્તિત્વબોધ ધરાવે છે. આનો અર્થ એ છે કે તમે જેવા બનવા ઈચ્છતા હો તેવા થવાની તમારામાં ક્ષમતા છે. એક માનવી તરીકે તમારા સંજોગોને ઘડવાની શક્તિ તમારી પાસે છે. જ્યારે તમે જાગૃતાવસ્થામાં આમ કરો છો ત્યારે તમે તમે ઈચ્છતા હો તેવું જીવન સર્જી શકો છો. ચેતનાવસ્થાની વૃદ્ધિ જ ભૂતકાળને સન્માન આપવાનો અને સાહસિક ભવિષ્યને કંડારવાનો શક્તિશાળી માર્ગ છે.’

AAHOAના મહિલા ભોજન સમારંભો

આ ઈવેન્ટમાં વિમેન્સ લંચઓન્સની જોડીનો સમાવેશ કરાયો હતો. બુધવારે ‘લેન્ડસ્લાઈડ વિક્ટરી (AAHOAવિમેન્સ લંચઓન)’માં ધ ઈફેક્ટિવ કોમ્યુનિકેશન કોચના સ્થાપક અને માલિક ડેનિસ થોમસ, AAHOAવિમેન હોટેલિયર્સ, ઈસ્ટર્ન ડિવિઝનનાં ડાયરેક્ટર લીના પટેલ અને AAHOAવિમેન હોટેલિયર્સ, વેસ્ટર્ન ડિવિઝનનાં ડાયરેક્ટર તેજલ પટેલનો સમાવેશ થયો હતો.

વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની યજમાની હેઠળ ગુરુવારના સેશનનો વિષય ‘વિમેન ઓન ધ રૂમ પ્રેઝન્ટ્સઃ સેટિંગ ધ ફાઉન્ડેશન ફોર સક્સેસફૂલ હોટેલ ઓનરશિપ’ હતો. આ સેશનમાં વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સનાં બેલા સિલ્વરબર્ગ, વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સનાં સ્ટેસી નાડોલ્ની તેમજ કોલિઅર્સ હોટેલ્સ યુએસના SVP હેલેન ઝેવેરનો સમાવેશ થયો હતો.

AAHOAના નવા સેક્રેટરી રાહુલ પટેલ

રાહુલ પટેલ (CHO)ને વર્ષ 2023-24 માટે AAHOAના નવા સેક્રેટરી જાહેર કરાયા છે. બીજી તરફ, HFTP ના સહયોગથી આયોજિત AAHOAટેક પિચ કોમ્પિટિશનમાં વિર્ડીએ મુખ્ય ઈનામ જીતી લીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter