EPG અને થિન્ક ટેન્ક બ્રિજ ઈન્ડિયાના સહકારથી આયોજિત વાર્ષિક ઈન્ડિયા વીક ઈવેન્ટ્સ સીરિઝનું સમાપન

પહલગામ હુમલા અને યુકે-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પછી સૌપ્રથમ મહત્ત્વપૂર્ણ ઈન્ડિયા કોન્ફરન્સ

Wednesday 04th June 2025 07:19 EDT
 
 

લંડનઃ ભારતમાં પહલગામ હુમલા અને યુકે-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરાયા પછી સૌપ્રથમ મહત્ત્વપૂર્ણ ઈન્ટરનેશનલ ઈન્ડિયા કોન્ફરન્સ વાર્ષિક ઈન્ડિયા વીક સીરિઝનું સમાપન થયું છે. ગ્લોબર એડવાઈઝરી ફર્મ EPG અને નોનપ્રોફિટ થિન્ક ટેન્ક બ્રિજ ઈન્ડિયાના સહકારથી યોજાએલા શ્રેણીબદ્ધ ઈવેન્ટ્સમાં ઓસ્ટ્રેલિયા, હોંગ કોંગ અને કેનેડા સહિતના દેશોમાંથી 1200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઈવેન્ટ્સના કન્વીનર પ્રતીક દત્તાણીએ જણાવ્યું હતું કે, ‘ભારત અને વિશ્વ વચ્ચે વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને એકસાથે લાવતા વાર્તાલાપોને જાળવી રાખવાની ઈચ્છા નોંધપાત્ર છે. મને ઘણો આનંદ થયો છે કે ઈન્ડિયા વીક ફરી એક વખત લગભગ ડઝન દેશોમાંથી નોંધપાત્રપણે સૌથી વૈવિધ્યપૂર્ણ અવાજોને આકર્ષી શક્યું છે.’

ઈન્ડિયા વીક 2025નો આરંભ યુકેના સૌપ્રથમ સત્તાવાર યુકે-ઈન્ડિયા ફિલ્મ કો-પ્રોડક્શન માર્કેટ સાથે કરાયો હતો જેમાં વિવિધ તબક્કા અને બજેટ્સ સાથેની ડોક્યુમેન્ટરીઝ અને નેરેટિવ ફીચર્સને દર્શાવતા 17થી વધુ ક્યુરેટેડ પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. મહેમાનોમાં ડાયરેક્ટર ગુરિન્દર ચઢ્ઢા OBE અને શેફિલ્ડ ડોકફેસ્ટના ક્રીએટિવ ડાયરેક્ટર રાઉલ નિનો ઝામ્બ્રાનોનો સમાવેશ થયો હતો.

ફિલ્મ સેક્ટર ડ્રિન્ક્સ રિસેપ્શનમાં નેટફ્લિક્સ, બીબીસી અને ITVના 200થી વધુ મહેમાનો તેમજ તાહા શાહ બાડુસ્સા, રિચી મહેતા, પુરબ કોહલી, કુલવિન્દર ઘીર અને મુકેશ છાબરા સહિત ગ્લોબલ ક્રીએટિવ્ઝ અને મીડિયા મહાનુભાવોને આવકાર અપાયો હતો. લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (LCCI)ના એશિયન બિઝનેસ એસોસિયેશન (ABA) સાથે સંયુક્ત ડ્રિન્ક્સ રિસેપ્શનની આગેવાની હોટેલિયર ટોની મથારુએ સંભાળી હતી. ABAની સ્થાપનાના બરાબર 30 વર્ષ પછી સંયુક્ત ડ્રિન્ક્સ રિસેપ્શન યોજાયું હતું. વેસ્ટમિન્સ્ટરમાં આયોજિત ડ્રિન્ક્સ રિસેપ્શનમાં મોરેશિયસ અને ભારતના મહેમાનો સહિત લગભગ 200 મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. ત્રિપુરાથી TIPRA મોથા પાર્ટીના સ્થાપક પ્રદ્યોત માનિક્યએ ભારતના સૌથી ઓછાં વણખેડાયેલા વિસ્તારમાં પ્રાપ્ય બિઝનેસ તકો વિશે વિસ્તારથી જણાવ્યું હતું.

ઈન્ડિયા કોન્ફરન્સ માટે બ્રિજ ઈન્ડિયાના મુખ્ય આઈડિયાઝ થકી યુકે અને ભારતના રાજકીય, ધંધાકીય અને ટેકનોલોજી લીડર્સ એક મંચ પર આવ્યા હતા, જેમાં તેલંગાણાની BRS પાર્ટીના વર્કિંગ પ્રેસિડેન્ટ કે ટી રામા રાવ, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને પ્રદ્યોત માનિક્ય સહિતનો સમાવેશ થયો હતો. ભારતમાં ક્રૂર પહલગામ હુમલા અને યુકે-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરાયા પછી સૌપ્રથમ મહત્ત્વપૂર્ણ ઈન્ડિયા કોન્ફરન્સ હોવાથી ઈવેન્ટનું મહત્ત્વ વિશેષ રહ્યું હતું.

સેશન્સમાં બહુધ્રુવીય વિશ્વમાં ભારતની ભૂમિકા સંદર્ભે ચર્ચાઓ યોજાઈ હતી. ડિપ્લોમેટિક સર્વિસના પૂર્વ વડા લોર્ડ સિમોન મેક્ડોનાલ્ડ દ્વારા પહેલગામ ઘટના પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોની ઊંડી ચર્ચા, બાર કાઉન્સિલના અધ્યક્ષ બાર્બરા મિલ્સ KC દ્વારા ભારત સાથે બિઝનેસ તેમજ જ્યુપિટર એસેટ મેનેજમેન્ટના યુકે-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ બોર્ડના સભ્ય અવિનાશ વઝીરાણી દ્વારા ઈન્ડિયન્સ ગોઈંગ ગ્લોબલની કથાઓ, ભારતની સૌથી પ્રસિદ્ધ રાજકીય કન્સલ્ટન્સી I-PACના સહસ્થાપક વિનેશ ચંદેલ દ્વારા ચૂંટણીઓના સોફ્ટ પાવરમાં વિશ્વગુરુ તરીકે ભારત વિશે ચર્ચા, તેમજ વાહેદ ઈન્કના સ્થાપક અને ચેરમેન જુનૈદ વાહેદના સાથે ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના શૌનક રિશિના વાર્તાલાપમાં શરીઆને સુસંગત અને ધર્મને સુસંગત રોકાણ રણનીતિઓની સરખામણી કરવામાં આવી હતી.

ત્રિપુરા ટ્રાઈબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની પાર્ટનરશિપમાં ધ બ્લેક-ટાઈ સેલિબ્રેશન ડિનરનું આયોજન કરાયું હતું. ખાસ ત્રિપુરાથી પરફોર્મ કરવા આવેલા પરંપરાગત ટ્રાઈબલ ડાન્સરોએ ભાવના, તાલ અને વંશાનુગત કથાનકોથી ભરપૂર હોજાગિરિ, મામિટા, અને ગારીઆ સહિત પરંપરાગત નૃત્ય પ્રકારોને પ્રદર્શિત કર્યા હતા. રાજવી પરિવારના વડા પ્રદ્યોત માનિક્યએ તેમનો પરિચય કરાવ્યો હતો. આ સાંજે બીબીસી ન્યૂઝ પ્રેઝન્ટર રાજિની વૈદ્યનાથને પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર અને તત્કાલીન સૌથી યુવાન લોકસભા સાંસદ સચિન પાઈલટ સાથે વાર્તાલાપ કર્યો હતો અને વહીવટથી માંડી પહલગામ અને અન્ય વિષયો સંદર્ભે ચર્ચા કરી હતી.

આ સાંજે સતત બીજાં વર્ષે યુકે અને ભારત વચ્ચે સેતુનિર્માણ રચનારા ચેન્જમેકર્સને ત્રણ સ્પેશિયલ એવોર્ડ્સથી પોંખવામાં આવ્યા હતા. કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ દર્ષદ કોઠારીને એનાયત કરાયો હતો. તેમણે પડદા પાછળ રહીને કોમ્યુનિટીઓના નિર્માણમાં અથાક કામગીરી બજાવવા ઉપરાંત, ઈસ્ટ આફ્રિકન એશિયન્સ માટે ગ્લોબલ કોમ્યુનિટીની સ્થાપનામાં પ્રણેતારુપ ભૂમિકા ભજવી છે. સરોદવાદક સૌમિક દત્તાને જાઝ, ઈન્ડો-બ્લુઝ, ડ્રમ એન બ્રાસ તથા અન્ય વૈવિધ્યપૂર્ણ સ્ટાઈલ્સમાં બહુમુખી પ્રતિભા દર્શાવવા બદલ ‘કન્ટ્રીબ્યુશન ટુ મ્યુઝિક’ એવોર્ડ એનાયત કરાયો હતો. ગયા વર્ષે બેન્કિંગને વધુ સરળ, સ્માર્ટ અને ગ્રાહકો માટે વધુ સુવિધાયુક્ત બનાવવામાં હરણફાળ ભરવા તથા તેમની YONO SBI UK એપને વિસ્તારવાના સીમાચિહ્ન બદલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડને ‘કન્ટ્રીબ્યુશન ટુ ડિજિટલ ઈનોવેશન’ એવોર્ડ એનાયત કરાયો હતો.

ઈન્ડિયા વીક દરમિયાન અંતિમ ઈવેન્ટ ખુશવંતસિંહ લિટરેચર ફેસ્ટિવલનો હતો જેમાં ફારુખ ધોન્ડી, ફ્રાન્સેસ્કા કાય, ઈમ્તિયાઝ ધારકર OBE અને કેશવ ગુહા સહિત પ્રખ્યાત લેખકો અને સ્ક્રીનરાઈટર્સની હાજરી જોવા મળી હતી. આગામી એડિશનમાં હિમાચલ પ્રદેશના કસૌલી ખાતે તેમનો મુખ્ય ઈવેન્ટ રહેશે.

ઈન્ડિયા વીકના અમૂલ્ય પાર્ટનર્સમાં બ્રિજ ઈન્ડિયા, ત્રિપુરા ટ્રાઈબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, LCCI , ઈન્ટિગ્રિટી ઈન્ટરનેશનલ ગ્રૂપ, ReelN, યુકે-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, PACT, ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ, મહારાજા ડ્રિન્ક્સ, ઈન્દ્રી અને અન્યોનો સમાવેશ થાય છે. યુકે, ઈન્ડિયા અને યુગાન્ડામાં ઓફિસો ધરાવતી EPG ઈકોનોમિક અને સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ ફર્મ છે જે વિશ્વના બિઝનેસીસ અને સરકારોને બજારમાં પ્રવેશની સલાહ અને વ્યૂહાત્મક કોમ્યુનિકેશન સર્વિસીસ પૂરી પાડે છે. ફર્મ વિશ્વભરમાં બજારલક્ષી કોર્પોરેટ ઈવેન્ટ્સના આયોજનો પણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter