God is Good... અને અમેરિકી કમાન્ડોએ શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન

Thursday 16th April 2026 06:29 EDT
 
 

વોશિંગ્ટનઃ યુએસ-ઈરાન યુદ્ધ દરમિયાન એક એવી ઘટના બની જે હોલીવુડની ફિલ્મોને પણ ઝાંખી પાડે દે તેવી હતી. ઈરાને અમેરિકાનું શક્તિશાળી F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાન તોડી પાડ્યું હતું. પરંતુ અસલી રોમાંચ તો ત્યારે શરૂ થયો જ્યારે આ વિમાનનો વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર ઈરાની સેનાના ઘેરાબંધી વચ્ચે પર્વતોમાં ગુમ થઈ ગયો. ગુમ થયેલા આ એરમેનના ત્રણ શબ્દના સંદેશા બાદ અમેરિકા સેનાએ તેને બચાવવા મિશન શરૂ કરી દીધું, અને તેને દુશ્મન દેશની ધરતી પરથી સુરક્ષિત પોતાના દેશમાં પરત લઇ પણ ગયા. એક અહેવાલ મુજબ, આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવા માટે અમેરિકાએ 300થી 500 મિલિયન ડોલરનો જંગી ખર્ચ કર્યો હતો.
આ દરમિયાન ઇરાને દુશ્મન દેશના પાઈલટ ને પકડી પાડવા જંગી ઈનામ જાહેર કર્યું હોવાથી સેંકડો ઈરાની સૈનિકો અને સ્થાનિક લોકો અમેરિકન ઓફિસરને શોધી રહ્યા હતા, ત્યારે ઘાયલ પાઈલટ 24 કલાક સુધી 7000 ફૂટની ઊંચાઈએ પહાડોમાં છુપાયો રહ્યો અને પછી લગભગ 200 સ્પેશિયલ ફોર્સીસ કમાન્ડોએ એક જોખમી ઓપરેશન પાર પાડીને તેને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. આ સમયે તેણે અત્યંત ગુપ્ત એન્ક્રિપ્ટેડ ડિવાઇસ દ્વારા અમેરિકી સેનાને માત્ર ત્રણ શબ્દોનો સંદેશ મોકલ્યો: ‘God is Good...’. શરૂઆતમાં પેન્ટાગોનને શંકા ગઈ કે ક્યાંક આ ઈરાની સેનાની છટકું તો નથી ને? પરંતુ રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ સંદેશ જ તેની ઓળખ સાબિત કરી ગયો.
સીઆઇએની ચાલ અને ઇઝરાયેલની મદદ
આ હાઈ-રિસ્ક રેસ્ક્યૂ ઓપરેશનમાં સીઆઈએ દ્વારા માસ્ટર પ્લાન ઘડાયો હતો. અમેરિકી ગુપ્તચર એજન્સીએ ઈરાનમાં એવી ખોટી માહિતી ફેલાવી કે પાઈલટ પકડાઈ ગયો છે, જેથી અસલી લોકેશન પર ઈરાની સેનાનું ધ્યાન ન જાય. આ મિશનમાં ઇઝરાયેલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓએ ઈરાની સૈનિકોની હિલચાલના ચોક્કસ ડેટા આપ્યા અને તેમની વાયુસેનાએ રેસ્ક્યૂ ઝોન તરફ આવતા દુશ્મનો પર હુમલા કરી તેમને ધીમા પાડ્યા હતા.
200 કમાન્ડોનું જોખમી રાત્રિ ઓપરેશન
જ્યારે વિમાન તોડી પડાયું ત્યારે પાઈલટ અને વેપન સિસ્ટમ ઓફિસર અલગ-અલગ જગ્યાએ પડ્યા હતા. પાઈલટને દિવસે જ બચાવી લેવાયો હતો, પરંતુ વેપન સિસ્ટમ ઓફિસરને બચાવવા માટે 200 સભ્યોની સ્પેશિયલ ફોર્સે મધરાતે ઓપરેશન પાર પાડ્યું. ભારે ગોળીબાર અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમેરિકી દળોએ ઈરાની ધરતી પર કામચલાઉ થાણા બનાવીને પોતાના જવાનને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
 રેડિયો મેસેજે શંકા ઉભી કરી હતી
પ્લેન ક્રેશ થયા પછી પાઇલટનો પહેલો રેડિયો સંદેશ ‘God Is Good’ મોકલ્યો. આ સમયે યુએસ અધિકારીઓને શંકા થઈ હતી કે આ સંદેશ ઈરાન દ્વારા યુએસ રેસ્ક્યુ ટીમને ફસાવવા માટે મોકલાયેલો નકલી મેસેજ તો નથી ને... જોકે, પછી પાક્કું થયું કે વેપન સિસ્ટમ ઓફિસર જીવિત છે અને તેણે ધાર્મિક માન્યતાને કારણે આ સંદેશ મોકલ્યો હતો. વેપન સિસ્ટમ ઓફિસર પર્વતની તિરાડમાં એકલો છુપાયો હતો. તે જાણતો હતો કે જો તે જીવતો રહેશે તો યુએસ સૈન્ય તેને અચૂક બચાવી લેશે. તેની પાસે ફક્ત એક પિસ્તોલ, એક સંદેશાવ્યવહાર ઉપકરણ અને ટ્રેકિંગ બીકન હતું. એક સમયે, તે 7,000 ફૂટ ઊંચા પર્વતની ટોચ પર ચઢી ગયો હતો. ઈરાની દળો તેને પકડવા માટે ચારે બાજુથી ઘેરી રહ્યા હતા, પરંતુ તે છુપાયેલો રહેવામાં સફળ થયો હતો.
યુએસ સ્પેશિયલ ફોર્સ, જેમાં આર્મી ડેલ્ટા ફોર્સ અને નેવી સીલ ટીમ સિક્સનો સમાવેશ થાય છે, પાઇલટ સુધી પહોંચ્યા અને તેને બચાવવામાં સફળતા હાંસલ કરી હતી. રસ્તો સાફ કરવા માટે યુએસ વિમાનોએ આ વિસ્તારમાં ભારે બોમ્બમારો કર્યો હતો. સેંકડો યુએસ સૈનિકો, ગુપ્તચર એજન્ટો અને CIAની મદદથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આખરે ઘાયલ અધિકારીનું ચોક્કસ લોકેશન નક્કી કરીને તેને ઉગારી લેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter