સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (FICCI) દ્વારા ભારત અને યુકે વચ્ચે રોડમેપ 2030 અનુસાર આગામી વર્ષોમાં દ્વિપક્ષી વેપાર બમણો કરવા મુદ્દે સધાયેલી સમજૂતીના સંદર્ભે 2022ની 10 માર્ચ ગુરુવારે આર્થિક સભાનું આયોજન કરાયું હતું. ડિફેન્સ, લાઈફ સાયન્સીસ, ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન ફાઈનાન્સ સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ આખા દિવસના ઈવેન્ટમાં હાજરી આપી હતી અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટો મુદ્દે ઈન્ડસ્ટ્રીની અપેક્ષાઓ અને લાભપ્રાપ્તિની સંભાવનાઓ ચકાસી હતી.
આ કોન્ક્લેવમાં યુકેમાં ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શતાબ્દી ઉજવણીને યાદ કરવામાં આવી હતી તેમજ સલૂણી સાંજે સિટી ઓફ લંડનના લોર્ડ મેયર એલ્ડરમેન વિન્સેન્ટ કીવેનીના સહયજમાનપદે પ્રતિષ્ઠિત મેન્શન હાઉસ ખાતે ભવ્ય ડિનર યોજાયું હતું
ભારતથી મુલાકાતે આવેલા SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ યુકેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શતાબ્દી ઉજવણી અને લંડન સ્ટોક એક્સચેન્જ પર બેન્કના લિસ્ટિંગની સિલ્વર જ્યુબિલીના ભાગરુપે ગુરુવારે ઐતિહાસિક લંડન સ્ટોક માર્કેટને ખુલ્લું મૂક્યું હતું.
SBI-FICCIનું કોનક્લેવ
લંડનના પાર્ક લેનમાં ઈન્ટરનેશનલ હોટેલ ખાતે યોજાએલા કોનક્લેવને યુકે-ભારત વેપાર ભાગીદારીને અસરકર્તા વિષયો અને સંબંધિત મુદ્દાઓને આવરી લેતાં વિવિધ સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ સભાનો હેતુ બંને દેશો માટે વિકાસ અને રોજગાર તકોને વધારવાના માર્ગો શોધવાનો હતો. વિવિધ પેનલ્સ પરના વક્તાઓમાં રોલ્સ-રોયસ Plcના ગ્લોબલ ગવર્મેન્ટ રીલેશન્સ ડાયરેક્ટર પેટ્રિક હોરગાન OBE, QX એકાઉન્ટિંગ સર્વિસીસના CEO સાગર આહુજા, JCBના ડાયરેક્ટર ફિલિપ બૌવેરાટ, થોમસ લોઈડ ગ્રૂપના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ મેનેજમેન્ટના MD નંદિતા સહેગલ-ટુલી, EMEAના વડા અને કોર્પોરેટ વીપી (IT આઉટસોર્સિંગ) આશિષ કુમાર ગુપ્તા, ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS)માં સાઉથ એશિયા માટે સીનિયર ફેલો રાહુલ રોય-ચૌધરી, લોર્ડ કરણ બિલિમોરીઆ, હીરો મોટર્સ કંપની (HMC)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પંકજ મુંજાલ, યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ચેર રિચાર્ડ હીલ્ડ OBE, વેસ્ટ મિડલેન્ડ્સ પાર્ટનરશિપના ચેર જેસન વોહરા OBE, MIDASના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટિમ ન્યૂન્સ સહિતનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, મોડરેટર્સ તરીકે ઈન્ડિયન પાર્ટનરશિપ ફોરમના પ્રેસિડેન્ટ ડો. મોહન કૌલ, કિંગ્સ કોલેજ લંડનના સીનિયર લેક્ચરર સુનિલ મિત્રા કુમાર અને SBIના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની કુમાર તેવારીનો સમાવેશ થયો હતો.
સવારના ઉદ્ઘાટન સમારોહમાં SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સ્વાગત પ્રવચનમાં સંતુલિત ભાવિની ચોકસાઈ અર્થે બેન્કની કલ્પનાની ક્ષિતિજ માત્ર NRIs અને ડાયસ્પોરા તેમજ પેપર અને ડિજિટલ બેન્કિંગની સમતુલાથી પણ આગળ વિસ્તરેલી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન (યુકે) માટે ખાસ આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા મિ. ખારાએ જણાવ્યું હતું કે,‘ આ બે (યુકે અને ભારત) પરિપક્વ લોકશાહી દેશો નજીક આવી રહ્યા છે અને ફિનટેક અને ગ્રીન ફાઈનાન્સિંગ સહિતના ઘણા સામાન્ય વિષયો હાથ ધરાઈ રહ્યા છે. અમે નવા FTA વ્યવસ્થાતંત્રમાં વ્યાપક પૂરકતા જોઈ રહ્યા છીએ જે ભારત અને યુકે, બંનેને લાભકારી બની રહેશે.આ મહત્ત્વાકાંક્ષાઓની પરિપૂર્ણતામાં મદદ કરવા SBI UK અહીં હાજર જ છે.’
તેમણે કહ્યું હતું કે,‘ અમે નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRIs)ને સેવા આપવાનું ચાલુ રાખીશું પરંતુ, તે સુધી જ મર્યાદિત રહ્યા વિના અને વ્યાપક વસ્તી સુધી અમારી સેવાઓને વિસ્તારીશું અને કોઈ પણ દેશના નાગરિકને વેપાર સંબંધિત સંબંધમાં મદદ કરીશું. બેન્કે YONO UK ના લોન્ચિંગ સાથે યુકે આવતા ભારતીયોને વધુ સરળતાથી એકાઉન્ટ ખોલવામાં મદદ કરી છે.’
તેમણે ઉમેર્યું હતું કે,‘ અમે જે રીતે યુકેમાં ઊંચાઈ સર કરી છે તે અમારા માટે ગૌરવની વાત છે. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે કોઈ ભારતીય બેન્કની વિદેશી કામગીરી તરીકે અમને નિહાળવામાં આવતા હતા. આજે અમને ભારતથી આવેલી ફોરેન બેન્ક તરીકે જોવાય છે... યુકેમાં અમારું મોડેલ ઘણી સારી કામગીરી કરી રહ્યું છે. આ અમારી સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ઓવરસીઝ સબસિડીઅરી છે.’
મિ. ખારાએ સમજાવ્યું હતું કે કોવિડ-19થી બેન્કો અને તેમના બેલેન્સ શિટ્સને ગંભીર અસર પહોંચશે તેવી વ્યાપક ચિંતા પ્રસરેલી હતી પરંતુ, આનાથી વિપરીત, ઊંચા પ્રોફિટ્સ સાથે તેમનો દેખાવ ઘણો સુધર્યો હતો. આનું સંભવિત કારણ ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) જેવાં પરિબળોનાં દાખલ કરાવા સાથે જવાબદારીપૂર્ણ વર્તનમાં વધારો થવાનું પણ છે.
‘સંસ્થાનવાદના ખરાબ ઈતિહાસ’ને પાછળ છોડી આગેકૂચ
ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે પોતાના સંબોધનમાં FTAનો ઉલ્લેખ ‘સંસ્થાનવાદના ખરાબ ઈતિહાસ’ને પાછળ છોડી ભારતની આઝાદીના 75મા વર્ષે આગામી 75 વર્ષ માટે આગળ નજર કરવાના સાધન તરીકે કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે,‘યુરોપિયન યુનિયન (EU)ને છોડી બહાર આવેલા યુકે પાસે ભારત સાથે મુક્ત વ્યાપાર સંધિની મંત્રણા કરવાની તક છે જે તેને કદાચ EUના સભ્ય હોવાં સાથે મળી ન હોત. આપણે તે તકનો ઉપયોગ કરવો જોઈએ. આપણે બંને દેશોમાં તૈયારી કરી રહ્યા હતા તે વર્ષમાં પણ ગણનાપાત્ર વેપાર ઉદારતાવાદ હાંસલ કર્યો છે. આ પ્રક્રિયા પણ વિશેય મહત્ત્વની છે..... બે અલગ પ્રકાર- કદના અર્થતંત્રો અને સોદાને ધ્યાનમાં લેતાં આ મુશ્કેલ પણ છે. નિીરાશાઓ સાથે પણ કામ પાર પાડવું પડશે. જોકે, પ્રશ્ન એ છે કે મંત્રણાકારોની આસપાસ રહેલું મેક્રો ફ્રેમવર્ક ખરેખર સોદાને લાયક છે ખરું... હું એમ કહીશ કે હા છે અને આ વર્ષના અંત સુધીના સમયપત્રકના સંદર્ભે મહત્ત્વાકાંક્ષાઓ ઘણી ઊંચી છે.’
યુકે ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UKIBC) ના ચેર રિચાર્ડ હીલ્ડે બિઝનેસ કરવાની સરળતાના હેતુ પર ભાર મૂકતા કહ્યું હતું કે,‘ યુકે બિઝનેસ તેમના યુકેના પક્ષેથી અને ભારતીય બિઝનેસ તેમના ભારતીય પક્ષ પાસેથે જેની માગણી કરી રહ્યા છે તેમાં ઘણી સમાનતા રહેલી છે. આ વેપાર કરવામાં સરળતા, સ્ટાન્ડર્ડાઈઝેશન અને સંવાદિતા વિશે, માપદંડોની પારસ્પરિક માન્યતા વિશે છે.’
FICCI UK કાઉન્સિલના ચેર બેરોનેસ ઉષા પ્રાશરની ગેરહાજરીમાં તેમનું પ્રવચન UK, FICCIના ડાયરેક્ટર પરમ શાહે વાંચી સંભળાવ્યું હતું. બેરોનેસે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે,‘એજ્યુકેશન સેક્ટર દ્વિપક્ષી સહકારના વ્યાપક વિકાસનું ચાવીરુપ ક્ષેત્ર છે. ઈન્ડસ્ટ્રી અને એકેડેમીઆ વચ્ચે મલ્ટિસેક્ટરલ સંશોધન અને જ્ઞાનમાં સહભાગિતા તેમજ યુનિવર્સિટીઓમાંપ ણ નવી ક્ષમતાઓના વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી છે. ગયા વર્ષે ભારત સરકારે જાહેર કરેલી શિક્ષણનીતિ આ બાબતને સરળ બનાવી શકે છે.’
શતાબ્દી ઉજવણીનો ભવ્ય ભોજન સમારોહ
લોર્ડ મેયર એલ્ડરમેન વિન્સેન્ટ કીવેનીના સહયજમાનપદે લંડનના સુંદર મેન્શન હાઉસ ખાતે આયોજિત ભવ્ય રાત્રિભોજન બિઝનેસ કોમ્યુનિટીના માંધાતાઓને પરસ્પર મુલાકાતનું મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ બની રહ્યું હતું. ધ ભવન્સના કલાકારોએ મહેમાનોને તાલબદ્ધ સંગીતની રસલહાણ કર્યા પછી પ્રવચનો કરવામાં આવ્યાં હતાં.
લોર્ડ મેયરે જણાવ્યું હતું કે,‘હું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને તેમની 100મી વર્ષગાંઠે અભિનંદન પાઠવું છું અને શતાબ્દીની ઉજવણી માટે તેમણે મેન્શન હાઉસની પસંદગી કરી તેનો મને આનંદ છે. યુકે અને ભારત દીર્ઘ ઈસિહાસના સહભાગી છે અને ગાઢ સંબંધ ધરાવે છે. આ માત્ર પાછળ નજર કરવાની નહિ પરંતુ, યુકે-ભારત વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણાના સંદર્ભે આગળ નજર કરવાની બાબત પણ છે. આપણે આશા રાખીએ કે તેમાં ફાઈનાન્સિયલ સર્વિસીસનું ચેપ્ટર પણ સામેલ હોય. ‘ધ સિટી ઓફ લંડન કોર્પોરેશન ઈન્ડિયા-યુકે ફાઈનાન્સિયલ પાર્ટનરશિપના સક્રિય સભ્યપદ સહિત ભારત સાથે નાણાકીય ક્ષેત્રમાં ગાઢ સંપર્કો માટે કટિબદ્ધ છે. આ બાબત રચનાત્મક સંબંધોના વધુ 100 વર્ષનો આરંભ થઈ શકે છે.’
SBI UKના રીજિયોનલ હેડ શરદ ચાંડકે કહ્યું હતું કે,‘આ ઉજવણી એ બાબતનો પુરાવો છે કે યુકેમાં અમારી કામગીરી ગત 100 વર્ષમાં કેટલી આગળ વધી છે. અમારી શરૂઆત લંડન બ્રાન્ચથી હોલસેલ બેન્કિંગ ઓફર કરવા સાથે થઈ હતી અને કામગીરી વધીને રીટેઈલ સ્પેસમાં પણ આવરી લેવાઈ હતી. વર્ષ 2018માં SBI UK Ltdની સ્થાપના સાથે અમે અમારી YONO SBI UK મોબાઈલ બેન્કિંગ એપ દાખલ કરી હતી, નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી અને યુકેમાં કસ્ટમર બેઝ પણ વિકસાવ્યો હતો. અમે આગામી સદીના ઓપરેશન્સમાં અમારા કોર્પોરેટ, સ્મોલ બિઝનેસીસ અને રીટેઈલ ક્લાયન્ટ્સને અમારી સેવા ઓફરનો વિસ્તાર કરવા ઉત્સુક છીએ.’
SBI UK દ્વારા તેમના ચેરિટી પાર્ટનર પ્રથમ યુકેને ડોનેશન્સ સાથે શતાબ્દી ઉજવણીની સાંજનું સમાપન કરાયું હતું. ચેરિટી પ્રથમ યુકે ભારતમાં બાળકોને શૈક્ષણિક સ્રોતો પૂરાં પાડે છે.