દુબઈ: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધને એક મહિનો થઈ ગયો છે ત્યારે આ યુદ્ધ હવે વધુ વિનાશક બની રહ્યું છે. ઈરાન પર જમીની હુમલા તથા ખાર્ગ ટાપુ પર કબજો કરી તેના અર્થતંત્રને ખતમ કરવાના આશયથી અમેરિકાના વધુ 3500 મરિન કમાન્ડો સાથે યુએસએસ ત્રિપોલી યુદ્ધ જહાજ મધ્ય-પૂર્વમાં પહોંચી ગયું છે.
બીજી બાજુ અમેરિકાને જમીની હુમલા માટે ઉશ્કેરતા હોય તેમ ઈરાને ધમકી આપી કે અમેરિકન મરીન સૈનિકોને તાબૂતમાં મોકલીશું. ઈરાનની સંસદના અધ્યક્ષે કહ્યું કે, આવો તમારું સ્વાગત છે. તમને રાખ બનાવી નરકમાં મોકલવા અમે તૈયાર છીએ. ઈરાને મિસાઈલ હુમલો કરી સાઉદી અરબના પ્રિન્સ સુલ્તાન એરબેઝ પર અમેરિકાની 'હવાઈ આંખ' કહેવાતા રૂ. 6600 કરોડના ઈ-3 સેન્ટ્રી અવાક્સ વિમાનને તોડી પાડયું હતું.
મધ્ય-પૂર્વમાં એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે એક બાજુ અમેરિકા પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ ઈરાન પર જમીની હુમલા માટે અત્યાર સુધી સૈનિકો મોકલવાનો ઈનકાર કરી રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ 3500થી વધારે મરીન અને સૈનિકો સાથે મોકલેલું યુએસએ ત્રિપોલી યુદ્ધ જહાજ મધ્ય-પૂર્વમાં પહોંચી ગયું છે. આ જહાજ સામાન્ય રીતે જાપાનમાં તૈનાત હોય છે. આ જહાજ પર એફ-35 ફાઈટર જેટ, સીહોક હેલિકોપ્ટર્સ, વ્યક્તિગત પરિવહન માટેના કેટલાક ઓસ્પ્રે વિમાનો તૈનાત છે.
બે દસકામાં સૌથી વધુ યુએસ સૈનિક તૈનાત
ઈરાન પર જમીની હુમલા માટે મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 6000ને પાર થઈ ગઈ છે, જે બે દાયકામાં મધ્ય-પૂર્વમાં અમેરિકાના સૈનિકોનો સૌથી મોટો કાફલો તૈનાત થયો હોવાના સંકેત આપે છે. આ પહેલાં અમેરિકાએ 2500થી વધારે મરીન સૈનિકો અને 1,000 સ્પેશિયલ કમાન્ડોની ટૂકડી પણ મધ્ય-પૂર્વમાં મોકલી હતી. આ બાબત એવા સંકેત આપે છે કે પેન્ટાગોન ઈરાનમાં અનેક મહિના સુધી ચાલનારા જમીની યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
સમાધાન માટેની અમેરિકી શરતો અસ્વીકાર્યઃ ઈરાન
અમેરિકા-ઇરાન વચ્ચે સમાધાનના પ્રયાસો કરી રહેલા પાકિસ્તાનને ઈરાને અરીસો ધર્યો છે. ઇરાને કહ્યું છે કે સમાધાન માટેની અમેરિકાની શરતો માનવા લાયક નથી. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ દાવો કર્યો હતો કે અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત થઈ રહી નથી. અવ્યવહારુ અને વધુ પડતી માંગણીઓના સંદેશા ફક્ત મધ્યસ્થી દ્વારા જ આવી રહ્યા છે અને ઈરાન સ્પષ્ટપણે આનો ઈનકાર કરે છે. અમેરિકન ડિપ્લોમસી સતત બદલાતી રહે છે, પરંતુ અમારું વલણ સ્પષ્ટ છે. પાકિસ્તાનનું પ્લેટફોર્મ તેનું પોતાનું છે અને ઈરાને તેમાં ભાગ લીધો નથી અને ક્ષેત્રમાં યુદ્ધ સમાપ્ત કરવાના આહવાનનું સ્વાગત છે પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આ સંઘર્ષ કોણે શરૂ કર્યો હતો? ઈરાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્ત જેવા દેશોના પ્રતિનિધિઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે સાથે મળીને વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી સીધી વાતચીત થઈ નથી.
ટ્રમ્પ વિફર્યાઃ હવે અમેરિકા પણ તમારી મદદે નહીં આવે
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે, ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસનાં નિયંત્રણોને કારણે બ્રિટન જેવા દેશને વિમાન માટે ઇંધણ નથી મળી રહ્યું. તેમણે થોડી હિંમત ભેગી કરવી જોઈએ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુધી જવું જોઈએ અને તેને લાવવું જોઈએ.’
ટ્રૂથ સોશિયલ ઉપર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, ‘દેશોએ હવે પોતાને માટે લડવાનું શીખવું પડશે. અમેરિકા હવે તમારી મદદ માટે આગળ નહીં આવે, જેવી રીતે તમે અમારા માટે નહોતા આવ્યા.’ તેમણે ઈરાન સામેની કાર્યવાહીમાં પીછેહઠ કરનારા દેશો માટે આ વાત કરી હતી. તેમણે લખ્યું, ‘મૂળભૂત રીતે ઈરાનને તારાજ કરી નાખવામાં આવ્યું છે. કપરું કામ પતી ગયું છે.’ ટ્રમ્પે છેલ્લે લખ્યું - ‘જાવ તમારું ક્રૂડઓઇલ જાતે લઈ લો.’
ટ્રૂથ સોશિયલ ઉપર અન્ય એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, ‘ઇઝરાયલ માટે સૈન્યસામાન લઈ જઈ રહેલાં વિમાનોને ફ્રાન્સે પોતાની હવાઈસીમા વાપરવા માટે મંજૂરી ન આપી. ઈરાનને સફળતાપૂર્વક ખતમ કરી દેવાયું છે, આ મામલે ફ્રાન્સે બિલકુલ મદદ નથી કરી.’ પોસ્ટમાં છેલ્લે ટ્રમ્પે લખ્યું, ‘અમેરિકા આને યાદ રાખશે.’
બીજી બાજુ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે મંગળવારે પત્રકારપરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સપ્તાહાંત દરમિયાન ટ્રમ્પે ઈરાન ઓપેરશનમાં સામેલ સૈનિકો સાથે મુલાકાત કરી હતી. જોકે, આ મુલાકાત ક્યાં થઈ હતી, તે સ્થળનું નામ સુરક્ષા કારણોસર નહોતું જણાવ્યું. હેગસેથે કહ્યું હતું કે ‘અમેરિકાની સૈન્યશક્તિ વધી રહી છે અને ઈરાનની તાકત ઘટી રહી છે.’ હેગસેથે એમ પણ કહ્યું કે ‘રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ કરી રહ્યા છે, જે કરવાની કોઈ રાષ્ટ્રપતિમાં હિંમત ન હતી.’
યુદ્ધે પાણીમાં પલિતો ચાંપ્યો
હવે અમેરિકા-ઈરાન યુદ્ધ તરસના માર્યા ગળું સૂકવી નાંખે તો નવાઇ નહીં. ઈરાને ખાડીના ત્રણ દેશના વોટર ડિસેલિનેશન (ખારા પાણીને મીઠામાં બદલવાના) પ્લાન્ટ પર હુમલા કર્યા છે. ત્રણ દેશ કુવૈત, યુએઈ (સંયુક્ત આરબ અમીરાત) અને બહેરીનમાં 25 ટકા પાણીની સપ્લાય પ્રભાવિત થઈ છે. સોમવારે કુવૈતના દોહા વોટર પ્લાન્ટ પર થયેલા હુમલામાં તો એક ભારતીયનું મોત થયું. હુમલાઓમાં સૌથી વધુ કુવૈત પ્રભાવિત થઈ રહ્યું છે. કુવૈત પોતાની 90 ટકા પીવાના પાણીની સપ્લાય માટે આ જ પ્લાન્ટ્સ પર નિર્ભર છે. અહીંની લગભગ 50 લાખની વસતીમાંથી 10 લાખ ભારતીય છે. ખાડી દેશોમાં કુલ 90 લાખ ભારતીયમાં સૌથી વધુ 35 લાખ સાઉદીમાં, બીજા નંબરે યુએઈમાં 25 લાખ છે. ત્રીજા નંબરે કુવૈત આવે છે. ઈરાન અત્યાર સુધી યુએઈના ફુજારિયા અને બહેરીનના પ્લાન્ટ પર હુમલા કરી ચૂક્યું છે.
ઉર્જા પછી હવે ડેટા કટોકટીનો ખતરો
ઇરાન યુદ્ધના કારણે આખુ વિશ્વ હાલમાં ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યુ છે. હવે તેમાં વધુ એક કટોકટી ડેટા ક્રાઇસીસનો પણ ઉમેરો થઈ શકે છે.આમ ઇરાન યુદ્ધ ફક્ત ઉર્જા સંકટ સુધી જ મર્યાદિત ન રહેતાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધી પહોંચી ગયું છે. યુદ્ધ અંગે એવી શંકા વ્યક્ત કરાઇ રહી છે કે જો યુદ્ધ ચાલતુ રહ્યું તો રેડ સીમાં ઉપલબ્ધ ઇન્ટરનેટ ફાઇબર કેબલ્સને નુકસાન પહોંચાડી શકાય છે. ઇરાને ભલે આવી કોઈ ધમકી આપી ન હોય, પરંતુ તેનું પ્રોક્સી સંગઠન હુથી ઘણી વખત આ પ્રકારની ધમકી આપી ચૂક્યું છે. કેટલાય નિષ્ણાતો કેબલ્સની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન પહોંચવાનો મામલો ગયા વર્ષે જ સામે આવ્યો હતો, જ્યારે એક વ્યાપારી જહાજના એન્કરના લીધે સમુદ્રમાં બીછાવાયેલા કેબલને નુકસાન પહોંચ્યું હતું. તે સમયે પશ્ચિમ અને દક્ષિણ એશિયામાં ઘણી બધી સેવાઓ પર અસર થઈ હતી. ભારત સહિત વિશ્વના કેટલાય દેશોમાં બેન્કિંગ-ડિજિટલ સેવા પર અસર પાડી શકે છે. હોર્મુઝ અને રેડ સી બંનેમાં સમુદ્રના તળિયા કેબલોની જાળ બિછાવવામાં આવેલી છે. ઇરાને માઇન્સ તો ગોઠવ્યા જ છે. આ સંજોગોમાં જો ત્યાં હુમલા થયાં તો વિશ્વભરમાં ઇન્ટરનેટને બ્રેક વાગી શકે છે.


