વોશિંગ્ટન: ભારતના અગ્રણી કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપ અને તેના મોભી ગૌતમ અદાણી માટે રાહતના સમાચાર છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગૌતમ અદાણી અને ભત્રીજા સાગર અદાણી સામેના ફોજદારી છેતરપિંડીના આરોપો પડતા મૂક્યા છે અને કેસ કાયમ માટે બંધ કરી દીધો છે.
કોર્ટના રેકોર્ડનો ઉલ્લેખ ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકન પ્રશાસન અને અદાણી વચ્ચે સમજૂતીના પગલે આ નિર્ણય લેવાયો છે. મામલાના નિકાલ માટે અદાણી અમેરિકાને 27.5 કરોડ ડોલર (અંદાજે 2656 કરોડ રૂપિયા) ચૂકવવા સંમતિ દર્શાવી છે. અદાણી ગ્રૂપ લગભગ દોઢ વર્ષથી કાનૂની ગૂંચવણોનો સામનો કરી રહ્યું હતું. જોકે હવે આ મામલામાં અમેરિકા દ્વારા અદાણી ગ્રૂપ સામે કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવે.
ઇરાન પરના નિયંત્રણોના ભંગનો મામલો
અદાણી ગ્રૂપે ઇરાન પરના નિયંત્રણોના કથિત ઉલ્લંઘન મામલે અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) સાથે સમાધાન કર્યું છે. અદાણી ગ્રૂપ OFACને 27.50 કરોડ ડોલર (અંદાજે રૂ. 2656 કરોડ) ચૂકવીને સમાધાન કરવા સંમત થયું છે. આ સમગ્ર મામલો ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ઇરાની એલપીજીની આયાતનો છે. અદાણી ગ્રૂપની ફલેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસીસ લિ. (AEL) સમાધાન પેટે 27.50 કરોડ ડોલર ચૂકવવા તૈયાર થઇ છે. AELએ નવેમ્બર 2023થી જૂન 2025 દરમિયાન દુબઇના એક ટ્રેડર પાસેથી એલપીજી શિપમેન્ટ ખરીદ્યા હતા. સપ્લાયરે પોતે ઓમાન અને ઇરાકથી એલપીજી સપ્લાય કરતો હોવાનું કહ્યું હતું, પણ હકીકતમાં તેની કંપની ઇરાની એલપીજી સપ્લાય કરતી હતી.
એક સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપના વકીલ રોબર્ટ ગિફ્રાએ ગયા મહિને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સમક્ષ 100 પાનાનું પ્રેઝન્ટેશન રજૂ કરીને દલીલ કરી હતી કે સમગ્ર કેસ જ નબળો છે કારણ કે તેમાં યોગ્ય અધિકારક્ષેત્ર નથી અને પુરાવાનો પણ અભાવ છે. સાથે સાથે જ તેમણે જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જણાવ્યું હતું કે કેસ ચાલી રહ્યો હોય ત્યારે અદાણી અમેરિકામાં રોકાણ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી અદાણીએ અમેરિકામાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું અને યુએસ અર્થતંત્રમાં 15,000 નોકરીઓનું સર્જન કરવાનું જાહેરમાં વચન આપ્યું હતું.
SEC દ્વારા દાખલ કેસમાં પણ પતાવટ
આ પૂર્વે ગૌતમ અદાણીએ અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા થયેલા કેસમાં પણ સમાધાન માટે સંમતિ દર્શાવી હતી. તેમની કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગૌતમ અદાણીએ ગુનો સ્વીકાર્યા વિના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા યુએસ સિવિલ કોર્ટ કેસમાં સમાધાન માટે સંમતિ દર્શાવી છે. નવેમ્બર 2024માં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અમેરિકાના રોકાણકારોને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનો કેસ દાખલ કરાયો હતો. યુએસ માર્કેટ રેગ્યુલેટર દ્વારા પ્રસ્તાવિત 18 મિલિયન ડોલરની સમજૂતી અંતર્ગત ગૌતમ અદાણીએ છ મિલિયન ડોલર અને સાગર અદાણીએ 12 મિલિયન ડોલરના પ્રસ્તાવિત દંડ માટે સંમતિ આપી છે. જોકે આ ચુકાદાઓ કોર્ટની મંજૂરીને આધીન છે. જે આ સમજૂતીને અંતિમ સ્વરૂપ મળશે તો અદાણી સમૂહ માટે આ એક મોટી ભેટ હશે. આ સંમતિ એવા સમયે આપવામાં આવી છે, જ્યારે માધ્યમોમાં એવા અહેવાલો પ્રકાશિત થયા હતા કે, અમેરિકાના પ્રોસિક્યુટર્સ અદાણી સામેના આરોપો પાછા ખેંચવા માટે તૈયાર છે.
નવેમ્બર 2024માં ન્યૂ યોર્કમાં દાખલ કરાયેલા આરોપમાં અદાણી પર આંતરરાષ્ટ્રીય રોકાણકારોને જાણી જોઈને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકાયો હતો. યુએસ એસઈસી દ્વારા આરોપ લગાવાયો હતો કે, અદાણીએ ભારતીય અધિકારીઓને આકર્ષક સૌર ઉર્જા પુરવઠા કરાર માટે લાંચ આપવા માટે અંદાજે 250 મિલિયન ડોલરની યોજનામાં ભાગ લીધો હતો. આ પછી શુક્રવારે અહેવાલો સામે આવ્યા હતા કે, ગૌતમ અદાણી તેમના ભત્રીજા સાગર અદાણી સાથે મળીને કુલ 18 મિલિયન ડોલરનો નાગરિક દંડ ચૂકવવા સંમત થયા છે. સાથે જ એવી ખાસ નોંધ કરાઇ હતી કે, આરોપોનો સ્વીકાર કર્યા વિના આ અંગે સંમતિ આપવામાં આવી છે, એમ અદાણી ગ્રીન એનર્જી તરફથી મુંબઈ સ્ટોક એક્સચેન્જને લખેલા પત્રમાં જણાવાયું હતું.
અદાણીના પત્રમાં નોંધવામાં આવ્યું હતું કે, યુએસ કોર્ટના અંતિમ ચુકાદાની હજુ રાહ જોવાઈ રહી છે, તેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે, કંપની આ કાર્યવાહીમાં પક્ષકાર નથી, અને તેની સામે કોઈ આરોપો લગાવવામાં આવ્યા નથી.


