વોશિંગ્ટન, તેહરાનઃ પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં ઊર્જા કટોકટી અને અનિશ્ચિતતાનો માહોલ ઉભો કરનારા અમેરિકા-ઈરાન યુદ્ધનો 107 દિવસ બાદ (અત્યારે તો) અંત આવ્યો છે. 7250થી વધુ માનવજિંદગીનો ભોગ લીધા બાદ અને 300 બિલિયન ડોલરનો ધુમાડો કર્યા બાદ બન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતી નક્કી થઈ છે અને શુક્રવાર - 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકમાં આ સમજૂતી પર હસ્તાક્ષર થવાના છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપપ્રમુખ જે.ડી. વેન્સ અને ઈરાનના સ્પીકરે આ સમજૂતી પર ડિજિટલી સહી કર્યા બાદ સમજૂતીની જાહેરાત કરાઇ હતી.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 80મા જન્મદિવસે સમગ્ર વિશ્વને રાહત આપનારા આ નિર્ણયની જાહેરાત બાદ હોર્મુઝની ખાડી ફરી ખુલ્લી થઈ છે. યુએસ અને ઈરાને નાકાબંધી ઊઠાવી લીધી હોવાથી ક્રૂડ તથા અન્ય સામગ્રી ભરેલા અનેક જહાજોએ ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા દોટ મૂકી છે. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલવાનો ઈરાનનો મનસૂબો હતો, પરંતુ ટ્રમ્પે હોર્મુઝની ખાડીનું ટોલ ફ્રી સ્ટેટસ જાળવી રાખવાનું એલાન કર્યું છે.
લેબેનોનમાં હિઝબુલ્લાહ સાથે શસ્ત્રવિરામને ઈરાને પીસ ડીલનું અવિભાજ્ય અંગ ગણાવતી શરત રાખી હતી. જોકે ઈઝરાયેલ પોતાના વલણ પર મક્કમ છે અને દક્ષિણ લેબેનોનમાંથી સૈન્ય ખસેડવા તૈયાર નથી. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કેટ્સે જણાવ્યું હતું કે, દક્ષિણ લેબેનોનમાંથી સૈન્ય હટશે નહીં. ઈરાન તરફથી હુમલા થશે તો ઈઝરાયેલ વળતો જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે યુએસ અને ઈઝરાયેલે ઈરાન પર કરેલા સંયુક્ત હુમલા સાથે 28 ફેબ્રુઆરીના રોજ આ યુદ્ધની શરૂઆત થઈ હતી, પરંતુ પીસ ડીલમાં ઈઝરાયેલની સામેલગીરી નથી. વળી, ડીલ નક્કી થયા બાદ પણ યુએસ-ઈરાન વચ્ચે પરસ્પર અવિશ્વાસ અકબંધ રહ્યો છે. જેથી ડીલની શરતોનું પાલન થાય ત્યાં સુધી જ કરારનો અમલ કરવાની ચીમકી બંને દેશોએ ઉચ્ચારી છે.
શરત પાલનની જવાબદારી અમેરિકાની,
સમજૂતી સંપૂર્ણ પારસ્પારિક: ઈરાન
ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કરારની શરતોનું પાલન કરવાની જવાબદારી અમેરિકાની હોવાનું કહ્યું હતું. જેમાં લેબેનોન પર ઈઝરાયેલના હુમલા રોકવાની જવાબદારીનો પણ સમાવેશ થાય છે. નાયબ વિદેશ મંત્રી કાઝેમ ઘરીબાબાદીએ કહ્યું હતું કે, કરારના અમલનું વ્યવસ્થાતંત્ર તબક્કાવાર ગોઠવાશે. સમજૂતી અંતર્ગત ઇરાને આપેલી ખાતરી સંપૂર્ણપણે શરતી અને રેસિપ્રોકલ છે. અન્ય પક્ષ દ્વારા પાલન થયું હોય તે મુજબના સ્તરે જ ઈરાન પગલાં લેશે. 19 જૂને કરાર પર હસ્તાક્ષર પછી 60 દિવસનો નેગોશિએશન પીરિયડ રહેશે અને તેમાં પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધો ઉઠાવી લેવાનો પણ સમાવેશ થશે.
સમજૂતીમાં લેબેનોનનો ઉલ્લેખ નહીં
ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે લેબેનોનમાં ચાલતો સંઘર્ષ મહત્વનો મુદ્દે છે પણ હાલના મુસદ્દામાં લેબેનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલા સઘર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઈરાન એવો આગ્રહ રાખે છે કે શાંતિ કરારમાં દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલની સેના અને હિઝબુલ્લા વચ્ચેના સંઘર્ષનું સમાધાન પણ જરૂરી છે. જોકે અમેરિકા અને ઈઝરાયેલ કહે છે કે ઈરાન સાથે ચાલી રહેલી શાંતિવાર્તામાં લેબેનોનની સ્થિતિ એ અલગ મુદ્દો છે જેનો અંતિમ સમજૂતીમાં કોઈ પ્રભાવ પડશે નહીં.


