બિશ્કેકઃ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલી 26મી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં આતંકવાદના અનિષ્ટ સામે અત્યંત આકરું વલણ અપનાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આતંકવાદ કોઈના માટે ‘સ્ટ્રેટેજિક એસેટ’ હોઈ શકે નહીં. આતંકીઓને આશ્રય આપતા દેશો સામે વૈશ્વિક સ્તરે કડક કાર્યવાહી અનિવાર્ય છે.
કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સદિર જાપારોવની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઐતિહાસિક બેઠકમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદના ગંભીર પડકાર તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન દોરતા જણાવ્યું કે આતંકવાદ માત્ર કોઈ એક પ્રદેશ માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાત સામેનો સૌથી મોટો ખતરો છે.
મોદીએ પાક. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં જ આતંકવાદના આખા તંત્રને જડમૂળથી ખતમ કરવાનું આહ્વાન કરતા આતંકવાદ વિરુદ્ધ લડાઈની નવી વ્યાખ્યા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ લડાઈ માત્ર આતંકવાદીઓ સુધી સીમિત ન રહેવી જોઈએ. આની સાથોસાથ આતંકીઓની ભરતી રોકવી પડશે, ટેરર ફંડિંગ પર પૂર્ણ પ્રતિબંધ મૂકવો પડશે, કટ્ટરપંથી વિચારધારા સામે વૈશ્વિક જાગૃતિ આણવી પડશે અને આતંકીઓને મળતા સેફ હેવન્સ (સુરક્ષિત ઠેકાણાં)ને જડમૂળથી ઉખેડી ફેંકવા પડશે. આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે બેવડા માપદંડો છોડવાની હાકલ કરતાં મોદીએ કહ્યું કે જે દેશો આતંકવાદને પોતાની નીતિઓના હથિયાર તરીકે વાપરે છે, તેમને સ્પષ્ટ સંદેશ મળવો જોઈએ કે ટેરરિઝમ ક્યારેય કોઈ દેશની સ્ટ્રેટેજિક એસેટ (વ્યૂહાત્મક મૂડી) બની શકે નહીં.
વિવાદનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં, સંવાદમાં છે
વડાપ્રધાન મોદીએ SCOની 25 વર્ષની સફરનો ઉલ્લેખ કરતાં ભારપૂર્વક કહ્યું હતું કે સંગઠનની સાચી સફળતા સરહદોથી આગળ વધીને સામાન્ય નાગરિકો સુધી પહોંચવી જોઈએ. આ સંગઠન યુવાનો માટે નવી રોજગારી, વેપારીઓ માટે વૈશ્વિક બજારો અને ખેડૂતો માટે આધુનિક કૃષિ ટેકનોલોજી લાવવાનું માધ્યમ બનવું જોઈએ. SCO માટેના ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરતાં વડાપ્રધાને જણાવ્યું કે આ સંગઠન માટે ભારતનું વિઝન ત્રણ મુખ્ય આધારસ્તંભો પર ટકેલું છે: S (સિક્યુરિટી) - C (કનેક્ટિવિટી) અને O (ઓપોર્ચ્યુનિટી).
પશ્ચિમ એશિયા અને વૈશ્વિક સંઘર્ષોનો ઉલ્લેખ કરતાં મોદીએ સમજાવ્યું કે કોઈ એક વિસ્તારનું યુદ્ધ વૈશ્વિક ઉર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને સપ્લાય ચેઇનને વેરવિખેર કરી નાખે છે. તેનો સૌથી મોટો આર્થિક બોજ ગ્લોબલ સાઉથના વિકાસશીલ દેશો પર પડે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે કોઈપણ વિવાદનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ માત્ર સંવાદ અને કૂટનીતિ દ્વારા જ લાવી શકાય છે.
SCOની 25 વર્ષની સફર ને વૈશ્વિક અર્થતંત્રમાં તાકાત
SCO સંગઠનની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ બેઠક યોજાઈ હતી તે ઉલ્લેખનીય છે. વર્ષ 2017થી ભારત આ સંગઠનનું પૂર્ણ સભ્ય છે. વર્તમાન સમયમાં આ સંગઠન વિશ્વની કુલ જીડીપીનો આશરે 25 ટકા હિસ્સો ધરાવે છે. SCOના 10 સભ્ય દેશની વસ્તી 3.4 બિલિયનથી વધુ છે, એટલે કે વિશ્વની લગભગ અડધી વસ્તી.
સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિત 10 સભ્ય દેશોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તૃત ‘SCO Plus’ બેઠકમાં તુર્કિયે, અઝરબૈજાન અને આર્મેનિયાના વડાઓ તેમજ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પણ જોડાયા હતા.


