દુબઇ, મુંબઇઃ એક ગુજરાતીએ જીવસટોસટનો જંગ ખેલીને દાખવેલા સાહસ, શૌર્ય અને સમયસૂચકતાએ સહુકોઇના દિલ જીતી લીધા છે. દુબઇથી તેલ અવીવ જઇ રહેલી ફ્લાઇટને હાઇજેક કરીને 9/11 જેવો ભીષણ હુમલો કરવાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી રાષ્ટ્રનેતાઓથી લઇને આમઆદમી બિરદાવી રહ્યા છે. આતંકી કો-પાઇલટના હુમલામાં ઇજા પામેલા કેપ્ટન સ્મિતના જલ્દી સ્વસ્થ થાય તે માટે સહુ પ્રાર્થના કરી રહ્યા છે.
યુએઇથી ઇઝરાયેલ જઇ રહેલી ફ્લાઇટને હાઇજેક કરીને આતંકી હુમલાને અંજામ આપવા માગતા કો-પાઈલટનો સામનો કરવામાં જાનની બાજી લગાવી દેનાર કેપ્ટન સ્મિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કો-પાઈલટના હુમલા પછી મારો જીવ જોખમમાં હતો, પરંતુ હું પ્રવાસીઓને મરવા દેવા માગતો નહોતો. હું સતત હનુમાન ચાલીસાનું રટણ કરતો હતો. મેં હિંમત કરી અને કોકપીટનો દરવાજો ખોલી નાંખ્યો. આ પછી પ્રવાસીઓ અંદર દોડી આવ્યા અને હુમલાખોરને કાબુમાં લીધો હતો.
સૌરાષ્ટ્રના વઢવાણના વતની પણ હાલ દુબઇ વસતાં કેપ્ટન સ્મિતની આ કહાની ઘણું કહી જાય છે. ગયા બુધવારે બનેલી આ ઘટનાની હવે બહાર આવેલી વિગતો અનુસાર, ઓમાનનો વતની કો-પાઈલટ હમામ અલ હમ્મામીના આતંકી ઇરાદા સાથે જ ડ્યુટી પર આવ્યો હતો. નમાજ પઢવાના બહાને તે જગ્યા પરથી ઉભો થયો. કેપ્ટન સ્મિતની પાછળ ગયો અને તેના માથામાં જીવલેણ પ્રહાર કરવા લાગ્યો. કેપ્ટન સ્મિત લોહીલુહાણ થઇ ગયા, પરંતુ તેમણે શરણાગતિ સ્વીકારી લેવાના બદલે વળતો સામનો કર્યો, અને આતંકીનો મનસૂબો મનમાં જ રહી ગયો. જો આ ષડયંત્ર પાર પડ્યું હોત તો શું થયું હોત તેની કલ્પના પણ સહુકોઇને થરથરાવી દે છે. (વિશેષ અહેવાલ • પાન 20-21)


