આપણું જીવન પરિવારથી બને છેઃ ગોવિંદભાઈ ધોળકિયા

‘ડાયમન્ડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ’ અને ‘વોર ઓફ લંકા’ પુસ્તકોનું વિમોચન

Tuesday 14th March 2023 06:47 EDT
 
 

લંડનઃ ગુજરાત સમાચારની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી નિમિત્તે કાર્યક્રમોમાં ‘મીટ એન્ડ ગ્રીટ’ કાર્યક્રમનો સમાવેશ થયો હતો જેનું આયોજન 8 માર્ચ 2023ના દિવસે ધામેચા લોહાણા સેન્ટરમાં કરાયું હતું. આ પ્રસંગે શ્રી અમીશ ત્રિપાઠી અને શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન કરવાની સાથે જ તેમના પુસ્તકોનું વિમોચન પણ કરાયું હતું.

ભારતના ડાયમન્ડ માંધાતા અને પરગજુ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન કરાયું હતું અને તેમના પુસ્તક ‘ડાયમન્ડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સઃ એન ઓટોબાયોફી ઓફ ગોવિંદ ધોળકિયા’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. પોતાના શિવ ટ્રિલોજી અને રામચંદ્ર સીરીઝ બેસ્ટસેલર્સથી પ્રખ્યાત, નેહરુ સેન્ટર, લંડનના ડાયરેક્ટર અને યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન- HCIમાં મિનિસ્ટર ઓફ એજ્યુકેશન અને કલ્ચર, શ્રી અમીશ ત્રિપાઠીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના નવા પુસ્તક ‘વોર ઓફ લંકા’નું વિમોચન કરાયું હતું. બંને મહાનુભાવો ભારતીય નીતિમત્તા અને મૂલ્યોને સર્વોચ્ચ શિખરે રાખીને વિશ્વમાં સનાતન ધર્મની વિચારધારાઓનો પ્રસાર કરી રહ્યા છે.

સ્મિતા જોશી આ સાંજના યજમાનપદે હતાં. આ બૂક લોન્ચ ઈવેન્ટમાં લોર્ડ ડોલર પોપટ, લેડી સંધ્યા પોપટ, સુભાષ ઠકરાર, ગુજરાત કલ્ચરલ સોસાયટી- બ્રાઈટનના ધીરુભાઈ ગઢવી, મનુભાઈ મકવાણા (હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ), મહેન્દ્રભાઈ પટ્ટણી (હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ), કાઉન્સિલર ભગવાનજીભાઈ ચૌહાણ (શ્રી સોરઠિયા પ્રજાપતિ કોમ્યુનિટી- હંસલો), વિનોદભાઈ ઠકરાર (ટ્રસ્ટી, ભારતીય વિદ્યાભવન), કિશોરભાઈ પટ્ટણી (પરાજિયા પટ્ટણી સમાજ), ગીરિશભાઈ મશરૂ (શ્રી જલારામ જ્યોત મંદિર), પ્રતિભાબહેન લાખાણી (VYO), કાંતેશભાઈ પોપટ (VYO), કમલેશભાઈ ડી. પટેલ (શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ), જયેન્દ્ર પટેલ અને હર્ષદ પટેલ (શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ), જગદીશભાઈ પી. પટેલ (ફેડરેશન ઓફ પાટીદાર એસોસિયેશન), ચંદ્રેશ પટેલ (BAPS, શાયોના), દિનેશભાઈ સોનછત્રા (પ્રેસિડેન્ટ- લોહાણા કોમ્યુનિટી,નોર્થ લંડન), દીપકભાઈ જટાણિયા (ટ્રસ્ટી- લોહાણા કોમ્યુનિટી, નોર્થ લંડન), કલ્પના યોગેશભાઈ આર.પટેલ (ટ્રેઝરર-આનંદ ઓવરસીઝ બ્રધરહૂડ). રશ્મિકા ટી. પટેલ (સેક્રેટરી- આનંદ ઓવરસીઝ બ્રધરહૂડ), સોનલ પટેલ (સોશિયલ સેક્રેટરી- આનંદ ઓવરસીઝ બ્રધરહૂડ), નીતિન મહેતા (યંગ ઈન્ડિયન વેજિટેરિયન્સ સોસાયટી), દીલીપભાઈ મીઠાણી (નવનાત વણિક એસોસિયેશન યુકે), મીનાબહેન જસાણી (લોહાણા કોમ્યુનિટી,નોર્થ લંડન), પ્રફુલા ચોટાઈ (લોહાણા કોમ્યુનિટી,નોર્થ લંડન- લેડીઝ ગ્રૂપ), નંદકુમાર (ભારતીય વિદ્યાભવન), વર્ષા બાવિશી (હેરો વિમેન્સ), મહેન્દ્ર જાડેજા, જશવંતભાઈ નાકર, કૃષ્ણાબહેન પૂજારા (એન્ફિલ્ડ-સહેલી), કિશાન રાલી, દીપિકાબહેન દેસાઈ, કૌશિકભાઈ દેસાઈ (ફૂડ ફોર લાઈફ વૃંદાવન), જયેન્દ્ર પટેલ(શ્રી સત્તાવીસ પાટીદાર સમાજ), મિ. મનજિત ખિન્ડા (શીખ કોમ્યુનિટી), હરપ્રીત સિંહ (પંજાબી લેન્ગ્વેજ અવેરનેસ બોર્ડ યુકે), કાઉન્સિલર મીના પરમાર, વિનોદભાઈ કપાસી OBE (ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી), નિરજ સુતરિયા (મહાવીર ફાઉન્ડેશન). મિ. દર્શન નેગી (શ્રી સાઈબાબા ટેમ્પલ) સહિત અનેક મહાનુભાવો અને કોમ્યુનિટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નંદકુમારજી દ્વારા સુંદર પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. પ્રીતિ વરસાણી અને કમલેશ પટેલ સહિત પ્રતિભાશાળી કળાકારો પણ ઈવેન્ટમાં ઉપસ્થિત હતાં.

લોર્ડ ડોલર પોપટે શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને શ્રી અમીશ ત્રિપાઠીને મેમેન્ટોઝ આપ્યા હતા જ્યારે શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ લોર્ડ ડોલર પોપટ અને શ્રી અમીશ ત્રિપાઠીને ભારતીય ધ્વજના હીરાથી જડેલા બ્રોચ આપ્યા હતા.

ઈવેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે જણાવ્યું હતું કે ‘હું આપણી એશિયન વસ્તીને ગોવિંદભાઈ કેટલા સાચા હીરા છે તે દર્શાવવા ઈચ્છતો હતો. તેઓ અને તેમનો પરિવાર નાણા બનાવવા, તેના ઉપયોગ અને તેના રોકાણની બાબતોમાં માહિર છે.’ તેમણે કહ્યું હતું કે,‘ લોર્ડ ભીખુ પારેખના પ્રભાવ હેઠળ મેં ગોવિંદભાઈનું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું હતું અને વહેલી સવારના 2 વાગ્યા સુધી તે વાંચતો જ રહ્યો હતો. આ પુસ્તકમાં દરેક માટે જીવન કેવી રીતે સફળતાથી અને આનંદપૂર્વક જીવવું તેના મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોનો સમાવેશ કરાયો છે.’

ગોવિંદભાઈનું પુસ્તક ત્રણ સિદ્ધાંતો પર આધારિત

પુસ્તકનો આરંભ કેવી રીતે કરાયો તે વિશે બોલતા સહલેખક કમલેશ યાજ્ઞિકે કહ્યું હતું કે,‘આપણે બધા એપીજે અબ્દુલ કલામ દ્વારા લિખિત આત્મકથા ‘વિંગ્સ ઓફ ફાયર’ વિશે જાણીએ છે. એપીજે અબ્દુલ કલામ સાથે રામ અને હનુમાનની જોડી માફક ખરેખર કામ કરનારા વ્યક્તિને પણ આપણે જાણીએ છીએ. તેમણે 33 વર્ષ સાથે કામ કર્યું હતું. વાસ્તવમાં, હું આજે તેમના પ્રોક્સી તરીકે અહીં છું. હકીકતમાં તેઓ અહીં આ પુસ્તક વિશે વાત કરવા હાજર હોવા જોઈતા હતા. હું આ પુસ્તક વિશે વાત કરવા જેટલો સક્ષમ નથી. તેઓ એપીજે અબ્દુલ કલામની માફક જ વિજ્ઞાની છે અને તેઓ બીજા કોઈ નહિ, અરૂણ તિવારી છે. તેઓ ‘વિંગ્સ ઓફ ફાયર’ના સહલેખક છે. આ પુસ્તક પણ તેમણે લખ્યું છે.’

‘ડાયમન્ડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ’ પુસ્તક વિશે બોલતા કમલેશ યાજ્ઞિકે કહ્યું હતું કે,‘ આ પુસ્તક આપણે શું કરવું જોઈએ તે જણાવતું પુસ્તક નથી અથવા અલગ પદ્ધતિએ બાબતો મૂકાય છે તેવું પરંપરાગત આત્મકથાનકનું પુસ્તક પણ નથી. આ પુસ્તકના નેરેટિવ્ઝ-વર્ણનો સમજવા માટે જ ખરેખર વાંચવા જોઈએ. તેમાં એ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરાયો છે જેના આધારે આ માત્ર સાતમા ધોરણ સુધી અભ્યાસ કરનારા જેન્ટલમેન ધોળકિયાએ તેમનું 2 બિલિયન ડોલર (1642664000 પાઉન્ડ) નું સામ્રાજ્ય ઉભું કર્યું છે.’

‘આ પુસ્તકના ઉલ્લેખિત ત્રણ સિદ્ધાંતોમાં પ્રથમ તો ‘તમે જે કરો તે પ્રામાણિકતા સાથે કરો’ અને તેમની પાસે આમ નહિ કરવાની સંખ્યાબંધ તક હતી. તેઓ કહે છે કે હું બાળપણથી જ મારા સિદ્ધાંતો સાથે વળગી રહ્યો છું. આમ, આપણે જીવનમાં પ્રામાણિકતોનો પ્રથમ સિદ્ધાંત જાળવી રાખવો જોઈએ. બીજો સિદ્ધાંત એ છે કે તમે માનો છો કે આપણા બધાનું સંચાલન કરતું હોય તેવું કશું છે? આ શક્તિ અદશ્ય છે. આપણે તેને નસીબ કહીએ છીએ, આપણે તેને ઈશ્વર કહીએ છીએ. આપણે કોઈ પણ નામથી ઓળખીએ તેનું અસ્તિત્વ છે અને હંમેશાં તેના આશીર્વાદ જ આપણે મેળવવા જોઈએ. આ તેમના જીવનનો બીજો સિદ્ધાંત છે. તેમના જીવનનો ત્રીજા સિદ્ધાંત વિશે તેઓ કહે છે કે,‘ જે લોકો પોતાના સાથી માનવોમાં ઈશ્વરને નિહાળતા નથી તેઓ રાષ્ટ્ર અથવા ઈશ્વરની સેવા કરતા નથી.’ આ નિવેદન સ્પષ્ટ નિર્દેશ કરે છે કે માત્ર તેમનો પરિવાર જ નહિ, તેઓ વિસ્તૃત પરિવાર વિશે વાત કરે છે જે તેમના 7000થી વધુ કર્મચારીઓથી પણ આગળ જાય છે. જેમાં તેમના સપ્લાયર્સ, તેમના ખરીદારો, તેમની કોમ્યુનિટી, તેમનું રાજ્ય અને તેમના દેશના દરેક વ્યક્તિનો સમાવેશ થાય છે.’

જીવનમાં હતાશા ધરાવતા લોકો માટે દીવાદાંડી સમાન પુસ્તક

ગોવિંદભાઈના પુસ્તક ‘ડાયમન્ડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ’ નો પરિચય આપતા ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે,‘મેં શ્રી ગોવિંદકાકાનું આ પુસ્તક વાંચ્યું છે. તેમની જીવનકથા માત્ર સમજવા જેવી જ નથી પરંતુ, આપણા બધા માટે પ્રેરણાદાયી છે. તેઓ લખે છે કે સમસ્યા ઉપાય તરફ અને આખરે સફળતા તરફ દોરી જાય છે. સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના દુધાળા તરીકે ઓળખાતી નાની વસાહતના ફાર્મ પર ઉછરેલા આ ખેડૂતની જીવનકથા ભારે રસપ્રદ છે. જીવનમાં હતાશા ધરાવતા લોકો માટે આ પુસ્તક દીવાદાંડી સમાન છે અને દરેકને વાંચવાલાયક છે. સામાન્ય ખેડૂતનો આ દીકરો 1964માં દુધાળાથી સુરત આવ્યો અને સતત 14 કલાક કામ કરી હીરા ઘસવા લાગ્યો હતો. આ પુસ્તકમાં સુરતમાં તેમના સંઘર્ષની કથા કહેવાઈ છે.

કોકિલાબહેન કહે છે કે,‘ તેમણે સંસ્કૃતિ વગરનું શિક્ષણ, ઉદ્યમ વિનાની વાવણી અને સમજ વિનાની જિંદગી નકામી ગણાવી છે. બુદ્ધિનું કહેલું બધું સાંભળશો નહિ, બુદ્ધિનો ઉપયોગ વિવેક સાથે જ કરવાનો હોય છે. તમારે જિંદગીના કોઈ પણ નિર્ણય લેવા હોય તે દિલથી લેવા જોઈએ. જો તમારે આદર જોઈતો હો તો પહેલા અન્યોને આદર આપવો પડશે. સારું આરોગ્ય જાળવવા વ્યક્તિએ સખત મહેનત કરવી જોઈએ. જે સખત મનહેનત કરે છે તે આંતરિક ખુશી હાંસલ કરે છે. તમારા સ્ટાફ મેમ્બર્સને કદી ઉતરતા ન ગણશો. તેમને તેમની કુશળતા અનુસાર વેતન ચૂકવવું જોઈએ. ડ્રાઈવરને પણ પૂરતો પગાર આપવો જોઈએ. કર્મચારીઓ પરિવારના જ સભ્યો છે. જો તમે બિઝનેસમાં હરીફોથી આગળ જવા માગતા હો તો તમારે ઝડપી અને સખત કામ કરવું જોઈએ.’

તેમણે ઉમેર્યું હતું કે,‘ સુરતના આ અગ્રણી નિવાસી નિષ્ઠાવાન હિન્દુવાદી છે. ભાગવતાચાર્ય ડોંગરેજી તેમના આધ્યાત્મિક ગુરુ છે. તેમણે પોતાની કંપનીનું નામ શ્રી રામકૃષ્ણ (SRK) એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ રાખ્યું છે. આ નામ પાછળનો હેતુ સમજાવતા ગોવિંદકાકા કહે છે કે શ્રીનો અર્થ લક્ષ્મીજી અને રામ-કૃષ્ણનો અર્થ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ થાય છે. તેમના પરિવારમાં હરિકૃષ્ણ એક્સપોર્ટ તેમના ભત્રીજાની ફર્મ છે. બાલકૃષ્ણ એક્સપોર્ટ તેમના કઝિનની :S અને શ્રીકૃષ્ણ એક્સપોર્ટ તેમના સાળાની છે. બે વર્ષ અગાઉ, તેમના ભત્રીજાની કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા દરેક કર્મચારીને નવી કાર ભેટમાં અપાઈ હતી.

પરોપકારી ગોવિંદભાઈ ધોળકિયા

લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે,‘ મને આ પુસ્તક વાંચીને ઘણો જ આનંદ થયો. તમે કલ્પના પણ કરી શકો કે એક ખેડૂત કામની શોધમાં ગામડેથી સુરત પહોંચે અને તેના પછી દમદાર સ્ટોરીનું સર્જન થાય? તમે જે કરી રહ્યા છો તે બદલ તમારો ખૂબ આભાર. તેમમે એક અવતરણ મૂક્યું છે જેમાં તેઓ આપણને કહે છે કે ઈશ્વર મહાન છે અને તેઓ તદ્દન સાચા છે કે જે લોકોને ઈશ્વરના આશીર્વાદ મળે છે તેઓ સારા કાર્ય કરી શકે છે. એક સારા બિઝનેસમેન હોવા ઉપરાંત, ગોવિંદભાઈ પરોપકારી વ્યક્તિ છે. તમે જાણો જ છો કે દરેક સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રી હોય છે અને આ સફળ માનવીની પાછળ આપણા ચંપાબહેન છે.’

                                                           લવિના ટંડન સાથે પ્રશ્નોત્તરી

વ્યક્તિ આત્મ વિશ્વાસ અને મૂલ્યો કેવી રીતે હાંસલ કરી શકે તે પ્રશ્નના ઉત્તરમાં ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘ હું માનું છું કે તે જન્મથી જ આપણી પાસે આવે છે. આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તેની પણ અસર થાય છે. બીજુ પરિબળ તમે કયા સમયમાં છો અને ત્રીજું પરિબળ તમે કેવા પ્રકારનું કામ કરો છો. આપણા જીવનમાં સમય અને કાર્યની અસર આપણા મૂલ્યો અને આત્મબળ પર થાય છે.’

બાળકો માટે મૂલ્યોની વાત કરતા ગોવિંદભાઈએ કહ્યું હતું કે,‘ આનંદ એ જ જીવન છે. હું હંમેશાં મારા પરિવારના યુવા સભ્યોને કદી ભૌતિક પદાર્થો સાથે નહિ જોડાવાને કહું છું. તેનાથી તમારું જીવન સરળ થઈ શકે પરંતુ તેનાથી જીવનમાં કદી આનંદ મળતો નથી. તમારું જીવન પરિવારથી બને છે. મેં કદી નાના બાળકોને કોઈ સલાહ આપી નથી અને હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે હું 2-3 બાળકોને મારી સાથે જ લઈ જાઉં છું અને તેમને બરાબર સાંભળું છું. ’

શ્રી અમીશ ત્રિપાઠીએ પોતાના પ્રારંભિક જીવન અને ખુદમાં વિશ્વાસ રાખવા બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ 2020ના ગાળામાં મારું પ્રથમ પુસ્તક ‘ ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલૂહા’ને દરેક પ્રકાશને નકારી કાઢી હતી. આથી, મેં જાતે જ તેને પબ્લિશ કરવા નિર્ણય લીધો હતો. ઈશ્વરકૃપાએ તેને સફળતા સાંપડી હતી. ખુદમાં વિશ્વાસ મુદ્દે તેમણે કહ્યું હતું કે,‘ દરેક સિક્કાની બે બાજુ હોય છે. એક તરફ મૂર્ખતા હોય છે તો બીજી તરફ આત્મવિશ્વાસ હોય છે. જો હું સિક્કો ઉછાળું તો કદાચ મને ખબર પડી જાય કે આ મૂર્ખતા છે કે આત્મવિશ્વાસ. તમે જે કાંઈ કરો છો તેમાં તમે સફળ થશો તો લોકો તમારી આસ્થાને યશ આપશે. જો તમે નિષ્ફળ જશો તો તમે મૂર્ખ હોવા બદલ તમારી ટીકા કરશે. જો તમે ઈનામ જ ઈચ્છતા હશો તો સિક્કાને કદી ઉછાળી નહિ શકો. જો તમે નાણાના બદલે તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે સફળતા મેળવી શકશો.’

રહસ્યવાદી કથાઓમાં તેમના અર્થઘટનોમાં મૂલ્યોના હાર્દ હજુ પણ પ્રસ્તુત હોવા વિશે તેમણે જણાવ્યું હતું કે,‘ ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે અને હું તેનો અંગ્રેજીમાં અનુવાદ કરું તો તેમને તેઓ આદર્શ પુરુષ કહેશે. આ બાબતનું સારું અર્થઘટન થતું નથી. પુરુષોત્તમનું ભાષાંતર આદર્શ પુરુષ થાય છે અને તમે તેમાં મર્યાદા શબ્દ ઉમેરશો તો તેનો અર્થ નિયમોનું પાલન કરનારા આદર્શ પુરુષ જેવો થશે. અને આ પ્રમાણે શ્રી રામ નિયમોના પથ-માર્ગ પર ચાલ્યા હતા. અને જો કોઈ આ માર્ગને અનુસરે તો તેઓ સમાજના માટે લાભકારી બની રહેશે અને તેના નેતા બનવા માટે આગળ વધશે. આમ, મારા અર્થઘટનમાં તેઓ ક્યાં સમસ્યાનો સામનો કરે છે તેના વિશે શીખી શકો છો.’

શ્રી અમીશ ત્રિપાઠીએ નારી સમાનતા મુદ્દે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ચાલતી ચર્ચા વિશે વાત કરતા કહ્યું હતું કે,‘ જેઓ પુરુષ અને સ્ત્રી વચ્ચે સમાનતાની વાત કરે છે તેઓ સાચા અર્થમાં ભારતીય છે. આપણે કોઈ રીતે પાશ્ચાત્ય બની રહ્યા નથી. આપણા સૌથી પ્રાચીન ગ્રંથો, ઋગ્વેદના શ્લોકો ઋષિઓ દ્વારા લખાયા હતા જે મસીહા અને પયગમ્બરની સમકક્ષ ગણાય. ઋગ્વેદમાં મહિલા ઋષિઓ દ્વારા લખાયેલા શ્લોકો પણ છે. વલ્લભ યુનિવર્સિટી નામે એક વિશ્વવિદ્યાલય હતું જેનો આક્રમણખોરો દ્વારા નાશ કરાયો હતો. પરંતુ, વાસ્તવમાં તેની સ્થાપના સ્ત્રીઓ દ્વારા જ કરાઈ હતી. એક અવતરણમાં શ્રી રામ કહે છે કે કોઈ પુરુષ, સ્ત્રી અથવા નાન્યતર -ટ્રાન્સજેન્ડર તેમજ કોઈ પમ જીવંત છોડ અથવા પ્રાણી મારી સમક્ષ આવી શકે છે. તમે બધા જ મારા માટે એકસમાન છો. તેમણે કદી પુરુષ, સ્ત્રી અથવા ટ્રાન્સજેન્ડર લોકો વચ્ચે ભેદભાવ કર્યો નથી. આ આપણી સંસ્કૃતિ છે.’

ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter