નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 129મા એપિસોડને સંબોધતા કહ્યું હતું કે વીતી રહેલા 2025ના વર્ષે આપણને ગૌરવના ઘણા અવસરો આપ્યા છે.
‘મન કી બાત’ કાર્યક્રમનો રવિવારે પ્રસારિત થયેલો એપિસોડ આ વર્ષ 2025નો છેલ્લો એપિસોડ હોવાથી પીએમ મોદીએ વર્ષ 2025માં દેશની સિદ્ધિઓ તેમજ નવા વર્ષ 2026ના પડકારો, શક્યતાઓ અને ડેવલોપમેન્ટ પર ચર્ચા કરી હતી.
સંબોધનની શરૂઆત કરતા, પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2026 થોડા દિવસોમાં આવવાનું છે, મનમાં આખા એક વર્ષની યાદો ગુંજી રહી છે. ઘણી સિદ્ધિઓએ દેશને એક કર્યો છે. 2025એ આપણને ઘણી એવી ક્ષણો આપી જેનાથી દરેક ભારતીયને ગર્વ થયો. રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતના મેદાન સુધી, વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના મોટા મંચ સુધી, ભારતે દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે.
‘મન કી બાત’ના 129મા એપિસોડમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આ વર્ષે, ઓપરેશન સિંદૂર દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું. આખી દુનિયાએ સ્પષ્ટપણે જોયું કે આજનું ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરતું નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન, વિશ્વના દરેક ખૂણેથી ભારત માતા પ્રત્યે પ્રેમ અને ભક્તિની તસવીરો સામે આવી. આ જ ભાવના ‘વંદે માતરમ’ને 150 વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ જોવા મળી.’
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘2025 સ્પોર્ટસની દ્રષ્ટિએ પણ એક યાદગાર વર્ષ રહ્યું. આપણી પુરુષોની ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો. ભારતની દીકરીઓએ મહિલા બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો. એશિયા કપ T20માં પણ ત્રિરંગો ગર્વથી લહેરાયો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અનેક મેડલ જીતીને, પેરા-એથ્લીટ્સે સાબિત કરી દીધું કે કોઈ પણ અવરોધ દ્રઢ નિશ્ચયને રોકી શકતો નથી.’
‘મન કી બાત’ના આ એપિસોડમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘ભારતે સાયન્સ અને સ્પેસના ક્ષેત્રમાં પણ મોટી પ્રગતિ કરી છે. શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા. 2025માં, પર્યાવરણીય સંરક્ષણ અને વન્યજીવન સંરક્ષણ સંબંધિત અનેક પહેલો પણ હાથ ધરવામાં આવી. ભારતમાં ચિત્તાઓની સંખ્યા હવે 30થી વધારે થઈ ગઈ છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આસ્થા, સંસ્કૃતિ અને ભારતનો અનોખો વારસો, બધું 2025માં એક સાથે જોવા મળ્યું. વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભના આયોજને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. વર્ષના અંતે, અયોધ્યાના રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધા.’
તેમણે આગળ કહ્યું, ‘લોકોએ સ્વદેશી ઉત્પાદનો માટે પણ ખૂબ ઉત્સાહ દર્શાવ્યો. લોકો ફક્ત ભારતીયોની મહેનતથી બનેલી વસ્તુઓ ખરીદી રહ્યા છે. આજે, આપણે ગર્વથી કહી શકીએ છીએ કે 2025એ ભારતને વધુ આત્મવિશ્વાસ આપ્યો છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ઘણા યુવાનો મને પૂછે છે કે તેઓ તેમના વિચારો મારી સામે કેવી રીતે રજૂ કરી શકે છે? યુવા મનની આ જિજ્ઞાસાનો ઉકેલ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ છે... આવતા મહિનાની 12મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના અવસરે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ઉજવવામાં આવશે. તે દિવસે ‘યુવા નેતાઓ સંવાદ’નું પણ આયોજન કરવામાં આવશે, અને હું ચોક્કસપણે તેમાં ભાગ લઈશ... હું આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યો છું.’
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આ વર્ષે, વારાણસીમાં કાશી તમિલ સંગમમ દરમિયાન, તમિલ શીખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ‘તમિલ શીખો-તમિલ કરકલમ’ થીમ હેઠળ, વારાણસીની 50થી વધુ શાળાઓમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી... તમિલ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે... મને ખુશી છે કે આજે, દેશના અન્ય ભાગોમાં પણ, યુવાનો અને બાળકોમાં તમિલ ભાષા પ્રત્યે એક નવું આકર્ષણ દેખાઈ રહ્યું છે. આ ભાષાની શક્તિ છે. આ ભારતની એકતા છે.’ આ પહેલા, 30 નવેમ્બરના રોજ, ‘મન કી બાત’નો 128મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અવકાશ સંશોધનથી લઈને કૃષિ સુધીના વિવિધ ક્ષેત્રોમાં તાજેતરની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતના યુવાનોનું સમર્પણ એ ‘વિકસિત ભારત’ની સૌથી મોટી તાકાત છે. તેમણે નવેમ્બરમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ, સેન્ટ્રલ હોલમાં બંધારણ દિવસની ઉજવણી અને અયોધ્યામાં રામમંદિરમાં ધર્મધ્વજ ફરકાવવાનો ઉલ્લેખ કર્યો હતો.


