ઇઝરાયલ-ઇરાન-અમેરિકાઃ સિઝફાયર થયું તો છે, પણ ટકવાની ગેરન્ટી નથી

Wednesday 25th June 2025 06:22 EDT
 
 

વોશિંગ્ટન, તહેરાનઃ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા જંગમાં રવિવારે અમેરિકાએ સીધી રીતે ઝંપલાવ્યા બાદ મામલો વણસ્યો હતો. અમેરિકાએ ઈરાનનાં ત્રણો અણુ મથકો પર હુમલા કરીને તબાહી મચાવી હતી. આ પછી ઇઝરાયેલે પણ વળતી જવાબી કાર્યવાહીમાં કતાર સ્થિત અમેરિકન એરબેઝ પર મિસાઇલ કર્યો હતો. ઇઝરાયલ-ઇરાનના યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવતા દુનિયાભરમાં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાનું મોજું ફરી વળ્યું હતું. જોકે આજે મંગળવારે મોડી મધરાત્રે આ લખાઇ રહ્યું છે ત્યારે ત્રણેય દેશો વચ્ચે સિઝફાયર થયાના અહેવાલો છે. અલબત્ત, આ યુદ્ધવિરામ કેટલો સમય ટકે છે તેના પર બધો મદાર છે.

ઇરાન પર સ્ટીલ્થ બોમ્બર વિમાનો દ્વારા હુમલો કરીને બળતામાં ઘી હોમનારે યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે જ યુદ્ધવિરામ માટે પહેલ કરી હતી. તો આ પૂર્વે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે લાંબી ટેલિફોનિક વાતચીત કરીને સંઘર્ષના બદલે ડાયલોગ અને ડિપ્લોમસીનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો.
ઇઝરાયલનો દાવોઃ ઇરાની અણુ મથકોનો સફાયો
અમેરિકાનાં B-2 સ્ટીલ્થ બોમ્બર્સ દ્વારા ત્રણેય અણુ મથકો પર 30,000 પૌડનાં બન્કર બસ્ટર બોમ્બ વરસાવાયા હતા જેના કારણે ઈરાનનાં ત્રણેય અણુ મથકોમાં ભારે તારાજી સર્જાઈ છે. ઈરાનનાં ત્રણેય અણુ મથકો સંપૂર્ણ નાશ પામ્યાનો ઈઝરાયેલે દાવો કર્યો છે. અમેરિકાનાં સ્ટીલ્થ બોમ્બર્સે રવિવારે પરોઢિયે ઈરાનનાં ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન અણુ મથકોને ટાર્ગેટ કર્યા હતા. ચીને અમેરિકાનાં હુમલાની આકરી ટીકા કરી કરતા કહ્યું હતું કે આ બંને દેશ જો ઈરાનને મદદ કરશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ સર્જાઈ શકે છે.
ઇરાનનો વળતો જવાબ
બીજી તરફ ઈરાને વળતો હુમલો કરીને ઈઝરાયેલનાં 14 શહેરોમાં મિસાઈલ્સ દાગતા ત્યાં પણ ભારે નુકસાન થયું છે અને તારાજીનાં સર્જાયા છે. ભારે હુમલાને પગલે લોકોમાં ખોફ જાગ્યો છે મોટા શહેરોમાં લોકો સલામત સ્થળ શોધીને બંકરોમાં છુપાઈ રહ્યા છે. તો બીજી તરફ, ઇરાને કતાર સ્થિત અમેરિકન એરબેઝ પર પણ હુમલા કર્યા હતા. દરમિયાન રવિવારે વડાપ્રધાન મોદીએ ઈરાનનાં રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. મોદીએ તેમને અમેરિકા તેમજ ઈઝરાયેલ સાથેની તંગદિલી હળવી કરવા અનુરોધ કર્યો હતો. રશિયા અને ચીને અમેરિકાનાં હુમલાની આકરી ટીકા કરી છે. આ બંને દેશ જો ઈરાનને મદદ કરશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ સર્જાઈ શકે છે.
અમેરિકાનાં હુમલાને ઈરાને ક્રૂર આક્રમણ ગણાવ્યું
ઈરાને અમેરિકાનાં હુમલાને કુર આક્રમણ ગણાવ્યું છે. તેણે ધમકી આપતા કહ્યું છે કે અમેરિકાએ તેના ગંભીર અને માઢાં પરિણામ ભોગવવા પડશે. અમેરિકાનો હુમલો યુએન અને આંતરરાષ્ટ્રીય કાયદાનાં ભંગ સમાન છે.
હવે ઈરાને કાયમ શાંતિ સ્થાપવી જોઈએઃ ટ્રમ્પ
ઈરાન પર હુમલા કર્યા પછી યુએસ પ્રમુખ ટ્રમ્પે દેશને સંબોધન કર્યું હતું. તેમણે ઈરાન પરનાં હુમલાને સફળ ગણાવ્યા હતા. આવું સાહસિક પરાક્રમ કરવા માટે તેમણે અમેરિકાના સૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આપણા તમામ ફાઈટર્સ વિમાન સલામત રીતે દેશમાં પાછા આવી ગયા છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનની મહત્વની અણુ શસ્ત્રો બનાવતી સાઈટ્સને સંપૂર્ણપણે તબાહ કરવામાં આવી છે. ફોર્ડો પર બોમ્બનો વરસાદ વરસાવવામાં આવ્યો છે.
ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા કહ્યું હતું કે હવે ઈરાને કાયમી શાંતિ સ્થાપવી જોઈએ. જો તે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર નહીં થાય તો તેનાં પર વધુ ખતરનાક હુમલા કરવામાં આવશે. તેણે વધુ માઠા અને ગંભીર પરિણામો ભોગવવાં પડશે. દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પઝશકિયાન દ્વારા ભારતનાં પીએમ મોદી સાથે ફોન પર વાત કરાઈ હતી.
નારાજ મુસ્લિમ દેશોને ટ્રમ્પની ધમકી
ઇરાનના અણુ મથકો પર અમેરિકી હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ વણસી છે. હવે સાઉદી અરબ, કતર, ઓમાન અને પાકિસ્તાને પણ આ સંકટને મુદ્દે પોતાના વલણો જાહેર કર્યા છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વખતે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે પશ્ચિમના દેશો ઇઝરાયલની પડખે છે, પરંતુ તે સમયે કોઇ દેશ ઇરાનના સમર્થનમાં ખૂલીને બોલી નહોતા રહ્યા. પરંતુ અમેરિકાએ ઇરાન વિરુદ્ધ હવાઈ આક્રમણ કરી દીધા પછી કેટલાક મુસ્લિમ દેશો અમેરિકાને ધમકી આપી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનનો પણ તેમાં સમાવેશ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ થોડા દિવસ પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પનું ભોજન આરોગીને આવ્યા છે. કતર કેટલાક સમયથી અમેરિકા અને કતર બંને વચ્ચે સંતુલન સાધવા પ્રયાસશીલ છે.
ઇઝરાયલના
50 જેટ ત્રાટક્યા
અમેરિકી હુમલાના બીજા દિવસે સોમવારે ઈઝરાયલે ઈરાન પર તાબડતોડ હુમલા કર્યા હતા. ઈઝરાયલના 50 ફાઈટર જેટે ઈરાનની રાજધાની તહેરાન સહિત 8 શહેરો પર મિસાઇલો દાગી હતી. તહેરાનમાં સૈન્ય મથક સહિત રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને અર્ધલશ્કરી દળ બસીઝની ઈમારતને ધ્વસ્ત કરી દીધી હતી. સૂત્રોના મતે, સેના હેડક્વાર્ટરમાં સૈનિકો ઘાયલ થયાની આશંકા છે, પરંતુ ઈરાને તેની કોઈ પુષ્ટિ કરી નથી. તહેરાનમાં કુખ્યાત એવિન જેલ પર પણ મિસાઇલો ત્રાટકી હતી. જેલમાં ઈરાની રાજકીય કેદીને રાખાયા છે. જેલ પરના હુમલાના વીડિયોમાં મુખ્યદ્વારા ક્ષતિગ્રસ્ત જોવા મળે છે. ઈઝરાયલે ફરીથી ફોર્ડો ન્યુક્લિયર સાઇટ પર બોમ્બમારો કર્યો હતો. અમેરિકાએ રવિવારે ફોર્ડો સાઈટ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલી હુમલાના લીધે તહેરાનમાં વીજ પુરવઠો ખોળવાયો છે. તહેરાનનો લગભગ અડધો ભાગ અંધારામાં ડૂબેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter