ઇરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠ યથાવત, યુદ્વવિરામની મંત્રણા અધ્ધરતાલ

Wednesday 22nd April 2026 05:13 EDT
 
 

વોશિંગ્ટન, તહેરાનઃ યુએસ-ઈરાન વચ્ચે વાટાઘાટોના બીજા તબક્કા માટે પાકિસ્તાને તમામ તૈયારી કરી લીધી હતી, ઇરાન-અમેરિકા વચ્ચે મડાગાંઠ યથાવત રહેતા યુદ્વ વિરામની મંત્રણા અધ્ધરતાલ રહી છે. અમેરિકાએ ઈરાનના કાર્ગો શિપ ‘ટોસ્કા’ પર હુમલો કરી કબજો જમાવી લેતાં પરિસ્થિતિ વણસી છે. ઈરાને આ પગલાને શસ્ત્ર વિરામનો ભંગ ગણાવી વાટાઘાટોમાં ભાગ લેવા સાફ નનૈયો ભણી દીધો છે.
બીજી તરફ, મંગળવારે મધરાત્રે આ લખાઇ રહ્યું છે તેવા અહેવાલ છે કે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી વેન્સે પણ પાકિસ્તાન પ્રવાસ મુલત્વી રાખ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સર્જાયેલી આ મડાગાંઠના પગલે ઈસ્લામાબાદ ખાતે યોજાનારી બીજા તબક્કાની વાટાઘાટો પર જોખમ ઊભું થયું છે. તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની આદત મુજબ વધુ એક સનસનીખેજ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં મોટી ડીલ થઇ શકે છે. આ ડીલ શું હોય શકે છે તે અંગે તેમણે કોઇ ફોડ પાડ્યો નથી.
ઈરાનનો ઈસ્લામાબાદ જવાનો ઈન્કારઈરાને પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે યોજાનારી પ્રસ્તાવિત વાતચીતમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો. ‘તેહરાન ટાઈમ્સ’ સાથે વાત કરતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, અત્યારે ઈસ્લામાબાદ જવાની કોઈ યોજના નથી. તેમણે આ નિર્ણય પાછળ અમેરિકાના વિરોધાભાસી વલણને જવાબદાર ગણાવ્યું છે. ઈરાન અગાઉ પણ કહી ચૂક્યું છે કે તે દબાણ કે ધમકીભર્યા માહોલમાં વાતચીત કરશે નહીં. આવી સ્થિતિમાં, આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલમાં વાટાઘાટોને લઈને અનિશ્ચિતતા જળવાયેલી છે.
ટૂંકમાં મોટી ડીલ થશેઃ ટ્રમ્પ
‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલમાં એક અમેરિકી અધિકારીના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ઈરાને હજુ સુધી અમેરિકાની વાતચીતની શરતો પર કોઈ જવાબ આપ્યો નથી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેન્સ મંગળવારે સવારે પાકિસ્તાન જવા રવાના થવાના હતા, જ્યાં બુધવારે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી વાતચીત શરૂ થવાની હતી. જોકે, આ યાત્રા રદ કરવામાં આવી નથી, પરંતુ હાલ પૂરતી 'હોલ્ડ' પર રાખવામાં આવી છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ચાલી રહેલ સીઝફાયર પણ બુધવારે સમાપ્ત થઇ રહ્યું છે. જોકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં એક મોટી ડીલ થઈ શકે છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં ઈરાન પાસે સમજૂતી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ પૂર્વે જે.ડી. વેન્સે 11 એપ્રિલે અમેરિકી ડેલિગેશનનું નેતૃત્વ કર્યું હતું. તેમનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર પહોંચ્યા હતા.
યુદ્ધ ખતમ કરવાના પ્રયાસો અનિશ્ચિત
પાકિસ્તાનના માહિતી મંત્રીએ કહ્યું છે કે અમેરિકા સાથે વાતચીત માટે પ્રતિનિધિમંડળ મોકલવા અંગે ઈરાનનો જવાબ હજુ સુધી આવ્યો નથી. તેમણે જણાવ્યું કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવાના પ્રયાસો હાલ અનિશ્ચિત બનેલા છે. મંત્રીના જણાવ્યા મુજબ, ઈરાન પાસેથી આ મુદ્દે પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે. આ વાતચીત એ બાબત પર કેન્દ્રિત છે કે શું ઈરાન અમેરિકા સાથે સીધા સંવાદ માટે તૈયાર છે કે નહીં.
હોર્મુઝમાંથી 16 જહાજો પસાર થયા
હોર્મુઝ સ્ટ્રેટમાંથી માત્ર 16 જહાજો પસાર થયા હોવાના અહેવાલ છે. દરિયાઈ ટ્રાફિક ડેટા અનુસાર, સોમવારે નવ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશ્યા, જેમાં બે ઈરાની ધ્વજધારક જહાજો અને એક ઓઈલ ટેન્કરનો સમાવેશ થાય છે. સાત જહાજો બહાર નીકળ્યા જેમાં એક ઈરાની કાર્ગો જહાજનો સમાવેશ થાય છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા ટૂસ્કા નામના ઈરાની જહાજને અટકાવ્યું. તે ચીનથી પરત ફરી રહ્યું હતું. ઈરાને નારાજગી વ્યક્ત કરી અને ગંભીર પરિણામોની ચેતવણી આપી.
લેબનોન-ઈઝરાયલઃ મંત્રણા વચ્ચે સંઘર્ષ
ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 23 એપ્રિલે વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાવાનો છે. અગાઉ 16 એપ્રિલે બંને દેશોએ વાટાઘાટો કરી હતી જેમાં તેઓ 10 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. આ દરમિયાન લેબનાનમાં સીઝફાયર લાગુ થયા બાદ પહેલીવાર હિઝબુલ્લાએ ઈઝરાયલી સેના પર રોકેટ અને ડ્રોનથી હુમલો કર્યો છે. સંગઠને કહ્યું કે આ કાર્યવાહી ઈઝરાયેલ તરફથી થયેલા ખુલ્લા અને વારંવારના ઉલ્લંઘનોના જવાબમાં કરવામાં આવી છે. હિઝબુલ્લાએ મંગળવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે તેણે દક્ષિણ લેબનાનમાં ઈઝરાયલી સૈનિકોને નિશાન બનાવ્યા. સંગઠનનો દાવો છે કે સીઝફાયર બાદથી ઈઝરાયલ 200થી વધુ વખત તેનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.
લેબનાન અને યમન સાથે જોડાયેલી બે અલગ-અલગ ઘટનાઓએ પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધારી દીધો છે. લેબનાનમાં હિઝબુલ્લાએ ઈઝરાયલી સૈનિકો પર રોકેટ છોડ્યા છે, જ્યારે યમનના હૂતી નેતાએ સ્પષ્ટ કહ્યું છે કે સીઝફાયર માત્ર કામચલાઉ છે અને આગળ લડાઈ ચાલુ રહેશે.
ઈઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે દક્ષિણ લેબનાનમાં તૈનાત તેના સૈનિકો પર હિઝબુલ્લાએ રોકેટ છોડ્યા હતા. સેનાએ તેને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું અને જવાબમાં હિઝબુલ્લાના રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યું હતું.
હૂથી નેતા દ્વારા નવા યુદ્ધની ચેતવણી
યમનના હૂતી વિદ્રોહી જૂથના નેતા અબ્દેલ-મલિક અલ-હૂથીએ ચેતવણી આપી છે કે આ ક્ષેત્રમાં લડાઈ હજુ ખતમ થઈ નથી. તેમણે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલું સીઝફાયર નબળું છે અને તેમ છતાં આગળ વધુ સંઘર્ષ થવો નક્કી છે. ટીવી પર આપેલા ભાષણમાં અલ-હૂથીએ કહ્યું કે પરિસ્થિતિમાં તણાવ વધવાની આશંકા બનેલી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ માત્ર એક કામચલાઉ વિરામ છે, જ્યારે અસલી સંઘર્ષ સતત ચાલુ છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે આગળ વધુ લડાઈ થશે. આ માત્ર એક ટ્રુસ (યુદ્ધવિરામ) છે, જ્યારે દુશ્મન સાથે સંઘર્ષ સતત ચાલી રહ્યો છે.
અમેરિકી નાકાબંધી યુદ્ધવિરામનું ઉલ્લંઘન
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આસપાસ અમેરિકી નૌકાદળની નાકાબંધી અંગે જણાવ્યું કે- ઈરાની બંદરોની નાકાબંધી એ યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે. કોઈ કોમર્શિયલ જહાજ પર હુમલો કરવો અને તેના ક્રૂ મેમ્બર્સને બંધક બનાવવા એ તો તેનાથી પણ મોટું ઉલ્લંઘન છે. ઈરાન પ્રતિબંધોને નિષ્ફળ બનાવતા, પોતાના હિતોનું રક્ષણ કરતા અને દાદાગીરીનો વિરોધ કરવાનું જાણે છે.
નિવેદનબાજી એક જૂની રણનીતિઃ કિમિટ
અમેરિકાના પૂર્વ સહાયક વિદેશ મંત્રી માર્ક કિમિટે કહ્યું કે અમેરિકા અને ઈરાન દ્વારા વર્તમાનમાં અપનાવવામાં આવી રહેલી નિવેદનબાજી એક જૂની રણનીતિ છે. તેમણે કહ્યું કે આ વાતચીતના ટેબલ સુધી પહોંચવાની એક પરંપરાગત રીત છે. બંને પક્ષો એ બતાવવા માંગે છે કે તેઓ લડવા માટે સક્ષમ છે અને લડવા માટે તૈયાર છે, પરંતુ હકીકતમાં બંને પક્ષો વાતચીત કરવા માંગે છે. કિમિટે ભવિષ્યવાણી કરી કે આવનારા થોડા દિવસોમાં આપણે જોઈશું કે પહેલા કોણ ઝૂકે છે. તેમણે વધુમાં કહ્યું કે બની શકે કે તેઓ અત્યારે શાંતિ ન ઈચ્છતા હોય અને ચોક્કસપણે તેઓ બંને પક્ષો દ્વારા પ્રસ્તાવિત શરતોને સ્વીકારશે નહીં. પરંતુ મારું અનુમાન છે કે યુદ્ધવિરામનો સમયગાળો વધારવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter