વોશિંગ્ટન, તહેરાનઃ મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે માટે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સાથી દેશોને તેમના યુદ્ધજહાજોને મોકલવા વિનંતી કરી હતી. જોકે ભારત સહિત અમેરિકાના બધા જ સાથી દેશોએ તેમના યુદ્ધ જહાજો હોર્મુઝની ખાડીમાં મોકલવાનો ધરાર ઈનકાર કરી દીધો છે. પરિણામે હોર્મુઝની ખાડીમાં ઈરાન સામે લડવા મુદ્દે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકલા પડી ગયા છે. સાથી દેશોના આ ઈનકાર સામે ટ્રમ્પે આ દેશોને તેમનો ‘ઈનકાર’ અમેરિકા યાદ રાખશે તેવી ચેતવણી આપી હતી.
ટ્રમ્પે યુદ્ધ જહાજ મોકલવાની અપીલ કરતા ચીને રોકડું પરખાવી દીધું હતું કે, મધ્ય-પૂર્વમાં યુદ્ધ ઈરાને શરૂ કર્યું નથી. તમે પહેલા યુદ્ધ બંધ કરો પછી બીજી વાટાઘાટો થશે. ટ્રમ્પને મધ્ય-પૂર્વમાં યુદ્ધજહાજો મોકલવાનો ઈનકાર કરનારા દેશોમાં ભારત, ચીન, જાપાન, ફ્રાન્સ, સાઉથ કોરિયા, અને બ્રિટનનો સમાવેશ થાય છે.
બીજી તરફ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને પખવાડિયું વીતી ગયું છે, પરંતુ શાંતિના કોઈ અણસાર નથી. ઈરાનની લાંબા થકવી દેનારા યુદ્ધની રણનીતિએ અમેરિકા પર ભારે દબાણ ઊભું કર્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અમેરિકાએ હવે નવો દાવ ખેલ્યો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાંથી આશરે 2500 મરીન કમાન્ડો મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં પહેલેથી જ 50,000થી વધુ સૌનિક તૈનાત છે.
અમેરિકનો જ યુદ્ધની વિરુદ્ધમાં
સીએનએનના પોલ અનુસાર, લગભગ 59-60 ટકા અમેરિકન નાગરિકો યુદ્ધ લાંબું ખેંચાય તેની વિરુદ્ધમાં છે. હાલમાં મિડ-ટર્મ ચૂંટણીઓ યોજાવાની હોવાથી ટ્રમ્પને તેમની લોકપ્રિયતામાં ઘટાડો થવાનો ડર સતાવી રહ્યો છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિ પડકારજનક બની રહી છે, કારણ કે સ્પેન, તુર્કી અને બ્રાઝિલ જેવા દેશોએ અમેરિકાથી અંતર જાળવી લીધું છે.
ટ્રમ્પ ‘વચલો રસ્તો’ કાઢશે?
રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે કે પ્રમુખ ટ્રમ્પ પોતાની ‘જીત’ની વ્યાખ્યા બદલી શકે છે. તેઓ ખામેનેઈના મૃત્યુને જ ‘પૂર્ણ વિજય' જાહેર કરીને એક સન્માનજનક એક્ઝિટની શોધ કરી શકે છે, કારણ ઈરાનને ઘૂંટણિયે પાડવું હવે મુશ્કેલ લાગી રહ્યું છે.
ઈરાનનો ત્રિપાંખિયો વ્યૂહ
ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રૂપના નિષ્ણાત અલી વાએઝના મતે, ઈરાન ત્રણ સ્તરે વ્યૂહરચના અપનાવી રહ્યું છે. પ્રથમ સ્વ-બચાવ. બીજું - જવાબી કાર્યવાહીની ક્ષમતા જાળવી રાખવી. અને ત્રીજું - એક લાંબો સંઘર્ષ, જે દુશ્મનને પીછેહઠ કરવા મજબૂર કરે છે.
જોકે ઈરાન માટે પણ પડકારો છે
યુદ્ધના કારણે ઈરાન રાજકીય, લશ્કરી અને આર્થિક દબાણનો પણ સામનો કરી રહ્યું છે. કેટલાક નિષ્ણાતો માને છે કે દેશ ધીમે ધીમે ‘ઝોમ્બી સ્ટેટ’માં સરકી શકે છે, જ્યાં સરકાર સુરક્ષા જાળવી રાખે છે, પરંતુ અર્થતંત્ર અને શાસન નબળું પડી ગયું છે.


