ઈટાલીમાં તાળાબંધી, મૃત્યુ આંક ૬૩૧

પર્યટન સ્થળો સૂમસામ બની ગયાઃ સુપરમાર્કેટ્સ અને સ્ટોર્સમાં લાંબી કતારોઃ બે વ્યક્તિ વચ્ચે ત્રણ ફૂટના અંતરનો નિયમ યથાવત

Wednesday 11th March 2020 04:18 EDT
 
 

લંડન, મિલાનઃ કોરોના વાઈરસના આક્રમણ સામે કુલ ૬૦ મિલિયનની વસ્તી ધરાવતા સમગ્ર ઈટાલીમાં અભૂતપૂર્વ તાળાબંધી જાહેર કરી દેવાઈ છે. આ નિયંત્રણો સિસિલી અને સાર્ડિનીઆ ટાપુઓમાં પણ લાગુ કરાશે. ઈટાલીમાં ૧૦૦૦૦થી વધુ ચેપગ્રસ્તોમાં ૬૩૧ લોકોના મોત થયાં હતાં. ઈટાલીમાં વાઈરસને ફેલાતો અટકાવવામાં નિષ્ફળતા મળી છે ત્યારે પર્યટન સ્થળો સૂમસામ બની ગયા હતા અને ભારે ગભરાટ વચ્ચે ઈટાલિયનો છેલ્લી ઘડીની ખાદ્યપદાર્થોની ખરીદી કરવા સુપરમાર્કેટ્સ અને સ્ટોર્સમાં લાંબી કતારોમાં ગોઠવાઈ ગયા હતા. પોલીસે નેપલ્સ સહિતના શહેરોમાં લાઉડ સ્પીકર્સ મારફત લોકોને ઘરમાં જ રહેવા તેમજ ભીડવાળા સ્થળોથી દૂર રહેવાની સૂચનાઓ આપી હતી.

કોરોના વાઈરસથી ચેપગ્રસ્તોનો આંકડા સતત વધતો જાય છે ત્યારે વડા પ્રધાન ગ્યુસેપેએ સમગ્ર ઈટાલી માટે નવા કડક નિયમો સાથે ક્વોરેન્ટાઈન લંબાવવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી તાળાબંધી કેટલાક શહેરો સુધી જ મર્યાદિત હતી. રાષ્ટ્રવ્યાપી નિયંત્રણોનો અર્થ એ છે કે તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓ ત્રીજી એપ્રિલ સુધી બંધ રહેશે. કાફે, પબ્સ અને ખાણીપીણીના સ્થળો પણ સવારથી સાંજ સુધી ચાલુ રાખી શકાશે પરંતુ, આ સ્થળોએ પણ બે વ્યક્તિ વચ્ચે ત્રણ ફૂટના અંતરનો નિયમ યથાવત રખાશે. તાળાબંધીના લીધે મિલાનની શોપિંગ ગેલેરીઝ, રોમના સ્પેનિશ સ્ટેપ્સ અને વેટિકનમાં સેન્ટ પીટર્સ સ્ક્વેર તદ્દન સૂમસામ જણાતા હતા. ખરીદારો વચ્ચે ત્રણ ફૂટની જગ્યા રાખવાનો નિયમ હોવાથી ખરીદારોની કતાર છેક શેરીઓમાં લંબાઈ હતી.

તાવ સાથેની કોઈ પણ વ્યક્તિને ઘરમાં જ રહેવું પડશે. માત્ર ઈમર્જન્સી સિવાય પ્રવાસ તેમજ લગ્નો, ફ્યુનરલ્સ અને સિનેમા, મ્યુઝિયમ્સ, થીએટર્સ તેમજ રમતના કાર્યક્રમો સહિત જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ બંધબારણે રમી શકાશે. કોરોના વાઈરસનો ચેપ એટલી ઝડપે વધી રહ્યો છે કે કોને તાકીદની સારવાર મળવી જોઈએ તેનો નિર્ણય ડોક્ટરો પર છોડી દેવાયો છે. હોસ્પિટલોમાં દર્દીને દાખલ કરવા માટે વહેલા તે પહેલાના ધોરણે નહિ પરંતુ, રોગીની ઊંમર અને જીવવાની શક્યતાને ધ્યાનમાં લેવાશે.

સમગ્ર ઈટાલીમાં વ્યક્તિઓ અને પરિવારો માટે મોર્ગેજ પરની ચૂકવણીઓ મુલતવી રાખી દેવાઈ છે. કોવિડ -૧૯ સંબંધિત આ નિયંત્રણો ગત ૫૦ વર્ષમાં સૌથી કઠોર રાષ્ટ્રવ્યાપી અંકુશો છે. કામકાજ સંબંધિત પ્રવાસ ટાળવા જાહેર અને ખાનગી કંપનીઓને તેમના સ્ટાફને રજા પર ઉતારી દેવા જણાવાયું છે. જોકે, હેલ્થ વર્કર્સની રજાઓ રદ કરી દેવાઈ છે. પ્રવાસ કરવા માટે દસ્તાવેજોમાં કારણો જણાવવાના રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter