ઈરાનનું સુકાન મોજતબાને સોંપાયુંઃ પુતિનની મધ્યસ્થી માટે તૈયારી

Wednesday 11th March 2026 05:14 EDT
 
 

તહેરાનઃ અમેરિકા અને ઈઝરાયેલનાં હુમલામાં માર્યા ગયેલા ઈરાનનાં સુપ્રીમ લીડર આયોતોલ્લાહ અલી ખામેનેઈનાં પુત્ર મોજતબા ખામેનેઈની તેમનાં પિતાનાં ઉત્તરાધિકારી તરીકે વરણી કરાઇ છે. આ સાથે જ અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે શરૂ થયેલો લોહિયાળ જંગ વધુ વકરે તેવા એંધાણ છે. ઇઝરાયેલે ધમકી ઉચ્ચારી છે કે તે મોજતબાને ક્યાંયથી પણ શોધીને હત્યા કરી નાંખશે. બીજી તરફ, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે યુદ્ધ તેના અંત ભણી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધનો અંત લાવવા માટે મધ્યસ્થીની ઓફર કરી છે. જોકે આ મુદ્દે કોઇ પણ પક્ષકારે કોઇ પ્રતિભાવ આપવાનું ટાળ્યું છે.
ઈરાન પર 28મીએ કરાયેલા હુમલામાં મોજતબાનાં પત્ની, પુત્રી તેમજ પિતાનું મોત થયું હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી મોજતબા જાહેરમાં દેખાયા નથી. તેમને હજી તો રવિવારે જ ઈરાનનાં સુપ્રીમ લીડર તરીકે જાહેર કરાયા હતા. આયાતોલ્લાહ ખામેનેઈનાં અવસાન પછી તેમનાં અનુગામી તરીકે ઈરાનનાં ધાર્મિક નેતાઓ દ્વારા તેમની પસંદગી કરાઈ હતી. જોકે ખામેનેઈનાં મૃત્યુ પછી અમેરિકાએ અને ખાસ કરીને યુએસ પ્રમુખ ટ્રમ્પે એવું કહ્યું હતું કે મારી મંજૂરી વિના ઈરાન તેનાં સુપ્રીમ લીડરની પસંદગી કરી શકશે નહીં. જો પસંદ કરશે તો હું તેને સ્વીકારીશ નહીં.
ખામનેઈના મૃત્યુ પછીયે સત્તાપલટો મુશ્કેલ
અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને ઈરાન પર એક પછી એક ઘણા હુમલા કર્યા. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. ઈરાન પર હુમલા પહેલાં પ્રમુખ ટ્રમ્પે ઈસ્લામિક રિપબ્લિકમાં સત્તા બદલવાની વાત વારંવાર કહી હતી, પરંતુ અમેરિકન મીડિયાના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ઈરાનમાં શાસન બદલવાની સંભાવના હજુ પણ ઓછી છે. ઈરાન પર મોટા પાયે અમેરિકન મિલિટરીના હુમલા પણ દેશની મજબૂત ધાર્મિક સત્તા અને મિલિટરીને તોડી ન શક્યા જેનાથી શાસન બદલવાની ટ્રમ્પનું વહીવટી તંત્ર એક મોટા મિલિટરી કેમ્પેનનો સંકેત આપી રહ્યું છે, જેના વિશે અધિકારીઓનું કહેવું છે કે આ તો હજુ શરૂઆત છે.
દુષ્ટ નેતૃત્વનો નાશ કર્યો છેઃ ટ્રમ્પ
પ્રમુખ ટ્રમ્પે ઈરાની શાસન અને શાસકોની તુલના ભયાનક કેન્સરનાં નાસૂર સાથે કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકાએ એક દુષ્ટ સામાજ્યનાં નેતૃત્વનો નાશ કર્યો છે. ઈરાનની પૂરેપૂરી લીડરશીપનો નાશ કરવામાં આવ્યો છે. ધરતી પરથી કેન્સર જેવા એક દૂષણને ખતમ કરી દેવાયું છે. ટ્રમ્પ મિયામી જઈ રહ્યા હતા ત્યારે તેમનાં ખાસ વિમાન એરફોર્સ વનમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ઈરાન સામેની લશ્કરી કામગીરી થોડો સમય ચાલુ રહેવાનાં સંકેતો આપ્યા હતા.
ઈરાન સાથે વાતચીત કરીને ડીલ કરવાની આશા છે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં અમેરિકાનાં સ્પેશ્યલ દૂત સ્ટીવ વિટકોફે કહ્યું કે એવું બની શકે છે. બધું પ્રેસિડેન્ટ પર નિર્ભર છે. વાતચીતનાં પહેલા તબક્કાથી તેઓ બહુ રાજી નથી.
પડોશી દેશો પર હુમલા બદલ ઇરાને માફી તો માગી પણ...
ઈરાને જાહેરાત કરી છે કે તેનાં દ્વારા હવે પડોશી દેશો પર હુમલા કરવામાં આવશે નહીં. અત્યાર સુધી જે કંઈ થયું તે અંગે ઈરાનનાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પડોશી દેશોની માફી પણ માંગી છે. બીજી તરફ, પડોશી દેશો પરના હુમલા હજુ અટક્યા નથી તે હકીકત છે. પેઝેશ્કિયને ઈરાનનાં સરકારી ટીવી પર પ્રસારિત સંદેશમાં કહ્યું હતું કે મને લાગે છે કે જેની પર અમારા દ્વારા હુમલા કરાયા છે તે પડોશી દેશોની અમારે માફી માંગવી જરૂરી છે. પડોશી દેશો પર હુમલા કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે શાંતિ સ્થાપવા માટે આ વિસ્તારમાં પડોશી દેશોને સહયોગ આપવા અપીલ કરીએ છીએ. પડોશી દેશો પર હુમલા નહીં કરવા અમે લશ્કરી દળોને આદેશ આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter