ઉત્તર પ્રદેશના જંગલમાંથી મળી મોગલી ગર્લઃ નામ અપાયું વનદુર્ગા

Friday 07th April 2017 07:46 EDT
 
 

બહરાઈચ (ઉત્તર પ્રદેશ), તા. ૬ઃ ‘જંગલબુક’ના જગવિખ્યાત પાત્ર મોગલીથી કોણ અજાણ હશે? મોગલી એટલે જંગલમાં પશુ-પંખીઓ વચ્ચે ઉછરેલો માસુમ બાળક. શું તમે કલ્પના પણ કરી શકો છો કે વાસ્તવિક જીવનમાં પણ કોઈ મોગલી હોઈ શકે? હા, આવું બન્યું છે. નેપાળ સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના બહરાઈચના જંગલમાંથી મળી આવેલી બાળકીના વાણી-વર્તન-વ્યવહાર અદ્દલ મોગલી જેવા છે. હાલ હોસ્પિટલની દેખરેખમાં રહેલી આ બાળકીને ‘વનદુર્ગા’ નામ અપાયું છે.

બહરાઈચના જંગલોમાંથી પોલીસને આઠ વર્ષની એક બાળકી મળી છે. તે બાળકી વાનરોના ઝૂંડમાં રહેતી હતી. તે માણસની જેમ બોલી પણ નથી શકતી. કતર્નિયા ઘાટ વિસ્તારમાંથી પોલીસને મળી આવેલી આ બાળકીને હાલમાં બહરાઈચ જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવી છે. બધાના કુતૂહલનું કારણ બની રહેલી બાળકી વિશેની સાચી માહિતી કોઈની પાસે નથી, પરંતુ હોસ્પિટલ સ્ટાફ અને પોલીસની વાત માનવામાં આવે તો વાનરોએ આ બાળકીને ઉછેરી છે. માનવસભ્યતા વિશે તે કાંઈ જાણકારી ધરાવતી નથી. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આ બાળકીને ‘વનદુર્ગા’ નામ આપવામાં આવ્યું છે.

કઠિયારાઓએ જોઈ હતી બાળકી

અંદાજે ત્રણ મહિના પહેલા કતર્નિયા ઘાટના જંગલોમાં લાકડાં વીણવા ગયેલા કઠિયારાઓએ આ બાળકીને જોઈ હતી. તેના શરીર પર એક પણ વસ્ર નહોતું, પરંતુ નિષ્ફિકર હતી. કઠિયારા બાળકીની નજીક પહોંચતા જ વાનરોએ બાળકીને ઘેરી લીધી. મોતીપુર વન્ય રેન્જમાં તે પછી આ બાળકી અનેકવાર જોવા મળી હતી. ગ્રામીણો બાળકીની નજીક જવા પ્રયત્ન કરે તો તરત જ વાનરોનું જૂથ આક્રમણ કરી દેતું હતું. વાનરોનું વર્તન એવું હતું કે જાણે તે પોતાના જ પરિવારના કોઇ સભ્યનું રક્ષણ કરી રહ્યા હોય. આ વાત ધીરે ધીરે ફેલાવવા લાગી.

પોલીસ બાળકીને લઈ આવી

મોતીપુર પોલીસ સુધી વાત પહોંચાડવામાં આવી. મોતીપુર પોલીસ રાત્રિ જાપ્તા માટે નીકળેલી હતી ત્યારે વાનરોના ઝૂંડ વચ્ચે બાળકીને જોતાં મહામુશ્કેલીએ તેને વાનરો વચ્ચેથી બહરાઈચ લઇ આવ્યા હતી. સબ ઈન્સ્પેક્ટર સુરેશ યાદવ અને તેમની ટીમે ખૂબ મુશ્કેલીથી બાળકીને વાનરો વચ્ચેથી કાઢીને કારમાં બેસાડી હતી. તે નગ્ન અવસ્થામાં હતી. નખ અને વાળ વધેલા હતા. તે જખ્મી હતી. ૨૫ જાન્યુઆરીએ તેને બેહોશીની હાલતમાં જ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તેને થાળીમાં જમવા આપતા થાળી નીચે ફેંકી દે છે. સારવાર આપી રહેલા તબીબી સ્ટાફને જોઈને પણ ચીસો પાડે છે. તેને કારણે સારવાર કરવામાં પણ મુશ્કેલી પડે છે. આ બાળકી નથી બોલી શકતી કે નથી કોઈ વાત સમજી શકતી.

વાનર જેવો વ્યવહાર

વાનરો વચ્ચે ઊછરી હોવાથી બાળકીનું વર્તન પણ વાનર જેવું થઈ ચૂક્યું છે. લોકો નજીક જતાં જ વાનરની જેમ ઘૂરકવા લાગે છે. તેના હાવભાવ પણ વાનર જેવા છે. બાળકી ક્યાંની રહીશ હતી તે કોઈ જાણતું નથી. બાળકી જાનવરોની ભાષા જ બોલે છે. માણસોને જોઈને ડરે છે. તે ઘણી વાર હિંસક બની જાય છે. તબીબો કહે છે કે માનવસંપર્કમાં આવતાં હવે ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. પહેલા તે બે હાથ અને બે પગની મદદથી ચાલતી હતી, પરંતુ હવે તેને બે પગે ચાલવાની તાલીમ અપાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter