એક ગુજરાતી માતા-પુત્રી પણ હતાં નક્સલવાદી!

ઘટના દર્પણ

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Wednesday 29th April 2026 06:15 EDT
 
 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સંસદને સંબોધતા એક વધુ સીમાચિહ્ન જેવું વક્તવ્ય આપ્યું કે ભારતમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ ચૂક્યો છે. 370મી કલમથી નક્સલ સમાપ્તિની વચ્ચે બીજાં કેટલાંક નિર્ણાયક સંકલ્પો આ સરકારે પાર પાડયા છે, તેમાં મુસ્લિમ તલાકની ગલત સ્થિતિ અને રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ પણ આવી જાય. પણ નક્સલવાદ એક રાજકીય-સામાજિક વિચાર સ્વરૂપે આવ્યો, ખાસ કરીને જમીનદારી અને જંગલની વચ્ચે તેનો લોહિયાળ આક્રોશ પેદા થયો.
નક્સલબાડી ગામ એક ઝનૂનનું પ્રતિક બની ગયું. આમ તો તેમાં માઓ જેવા ચીની સરમુખત્યારની સીધી અસર હતી, પણ સાથે જ માર્કસ અને લેનિનની યે અસર હતી. બંગાળથી તેનો વિસ્તાર થયો અને આંધ્ર પ્રદેશ, છતીસગઢ , બસ્તર અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારમાં તેની પ્રવૃત્તિ રહી. નગરોમાં એક બૌદ્ધિક વર્ગે તેને ટેકો આપ્યો. તેમનો મુખ્ય એજન્ડા શોષણના પ્રતિકારના બહાના હેઠળ વર્તમાન લોકશાહી અને સંસ્કૃતિને વેરવિખેર કરી નાખવાનો રહ્યો. તેને લીધે અલગાવવાદ પણ વધ્યો. ખાસ કરીને આદિવાસીઓની વચ્ચે આ અલગાવના પાયા નાખવામાં આવ્યા. ઝારખંડ તેનો નાદાન નમૂનો છે. આપણે ત્યાં ભીલ વિસ્તારોમાં અલગ ભીલીસ્તાનની માગણી થઈ.
મને સ્મરણ છે કે મુંબઈના અસગર અલી એન્જિનિયર ઉદ્દામવાદી હતા. દાઉદી વ્હોરા કોમમાં તેના ધર્મગુરુ અને રિવાજોની સામે મોરચો માંડ્યો હતો. તેમનો એક પુત્ર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કામ કરતો હતો. કામ શું કરતો એ તો તે જાણે, પણ પોલીસે ભારતીય દંડ સંહિતા હેઠળ પકડીને જેલવાસી બનાવી દીધો. આપણે ત્યાં કોર્ટમાં ચાલતા કેસોમાં વિલંબ જાણીતો છે એટલે તેના પિતા અસગર અલી - જેમને એક બીજા સુધારાવાદી દાઉદી આગેવાન નોમાન કોન્ટ્રાકટરને લીધે જાણતો હતો એટલે - એક પત્ર લખીને મને જણાવ્યું કે મારો પુત્ર નિર્દોષ છે, તેને છોડાવવામાં મદદ કરો. કોઈની દરમિયાનગીરી વિના થોડા દિવસોમાં તેને છોડી દેવામાં આવ્યો.
ઈસ્લામિક સ્કોલર તરીકે જાણીતા અસગર અલી જેવાના પરિવારમાં આવા સવાલો પેદા થતા હોય તો સમજી શકે છે કે કેવી પરિસ્થિતિ સ્વાધીન ભારતમાં ઊભી થતી રહે છે. બંગાળમાં ‘હાજાર ચૂરાસીર મા’ નવલકથા લખાઈ હતી. મહાશ્વેતા દેવીએ તે લખી તેમ પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાની અને કોંગ્રેસની સરકારોએ નક્સલવાદને નષ્ટ કરવા માટે પગલાં લીધા, તેનાથી તો નક્સલ નેતાગીરી વધુ ખ્યાત થઈ. કનુ સન્યાલ તેવું એક નામ હતું. બ્રિટિશ શિક્ષિકા મેરી ટેલર પણ તેમાંની એક હતી અને હજારીબાગ સહિતની જેલોમાં રહી તેનું વર્ણન તેનાં પુસ્તક ‘ભારતની જેલોમાં બે વર્ષ’માં છે. ત્રીજી વાત વધારે મહત્વની છે. વંચિત, ગરીબ, મહિલા, આદિવાસીના નામે એકત્રિત આવાં જૂથો પોતાની પ્રવૃત્તિને ક્રાંતિ નામ આપતા. ભલાભોળા આદિવાસીઓ અને યુવકો તેમાં મુગ્ધ થઈને સામેલ થતાં. તે પછી તેનું શોષણ થતું. નક્સલના નામે લોકોની પાસે ઉઘરાણી, જાહેરમાં તેવા ‘જમીનદારો’ કે વ્યાજખોરોની હત્યાઓ વગેરે ઘટનાઓ વધી. તેમનાં આરાધ્ય મહાપુરુષ ગાંધી, સુભાષ કે સરદાર નહિ, ચીની નેતા માઓ હતો. સીપીઆઇ અને સીપીએમની ‘ક્રાંતિ’ થી તેઓ સામેલ થતાં તેનું વર્ણન ‘હજાર ચોર્યાસીની મા’ (ગુજરાતી અનુવાદ)માં મળે છે. પણ બહુ જલ્દીથી નક્સલનેતાઓ અપરાધી ખંડણીખોર અને અસામાજિક બની ગયા.
તેનું ઉદાહરણ એક ગુજરાતી નક્સલ માતા-પુત્રીને જંગલમાં ધાડથી જેલ સુધીની કહાણીમાં મળે છે. ગુજરાતી નક્સલ હતાં અજીતા. માતા ભાવનગરની શિક્ષિકા મંદાકિની. અને પિતા કટ્ટર સામ્યવાદી નક્ષલ કુનનીકલ નારાયણ. કોમરેડ વર્ગીઝ તેનો નેતા. 1979માં જેલમાં ફાંસીની સજામાં રાહતને કારણે મુક્તિ મળી એટલે મલયાલમ ભાષામાં કેરળના સામયિકોમાં સ્મરણ કથા લખી. તેનું નામ તો જાણીતું હતું કેમ કે હત્યા અને પોલીસ સ્ટેશન પર હુમલો અને ધાડના ગુનાઓમાં પકડાઈ હતી. વીસ વર્ષ પહેલાં સંજુ રામચંદ્રને ‘Kerala’s Naxalbari: Ajitha: Memories of a Young Revolutionary’ નામે અનુવાદ કર્યો હતો. અજીતાની જિંદગી હિંસા, વિચારનું પિંજર, જેલ યાતના અને જેલ મુક્તિ સાથે ક્રાંતિના ભ્રમનું નષ્ટ થવું અને સમાજસેવા કરવી, તેવી નાટકીય રહી. મંદાકિની ભાવનગરની, મુંબઇમાં નારાયણ સાથે પરિચય થયો. નારાયણ મલયાલી બિરાદર, તે સમયના અવિભાજિત સામ્યવાદી પક્ષ - સીપીઆઇ-નો સભ્ય હતો. મુંબઈની માતબર નોકરી છોડીને પક્ષમાં જોડાયો હતો. પછી તો સામ્યવાદી પક્ષનું વિભાજન થયું એટલે સીપીઆઇ-માર્કસવાદીનો સભ્ય બન્યો. મંદાકિની તેની સાથીદાર રહી. અને એક પુત્રીને જન્મ આપ્યો, તે અજીતા. મલયાલી માહોલમાં તે બંડખોર અજીથા તરીકે ઓળખાતી.
અઢારમાં વર્ષે અજીતાની નક્સલ પ્રવૃત્તિ શરૂ થઈ, અને જેલમાંથી બહાર નીકળી ત્યારે 27 વર્ષની હતી. નવ વર્ષમાં તો તેણે તમામ ભ્રમ અને ભંગાણ જોયા, જેલોમાં એક સ્ત્રીને માટે કેવી કેવી યાતના સહન કરવી પડે તે અનુભવ્યું. ગાળાગાળી, ઢોરમાર અને પુરુષ તરીકેના ગંદા ખેલનો અનુભવ થયો. કહેવાતા કોમરેડ નક્સલી સાથીદાર કેદી પણ કેવા હતા તેનો અંદાજ મળ્યો. જેલમાંથી બહાર નીકળી ત્યારે તેની સાથે કોઈ નહોતું. સૌએ તેનું શોષણ કર્યું હતું. જંગલમાં પોલીસ થાણા પરના હુમલામાં તે પકડાઈ. મલબાર પોલીસનું પુલપલ્લી થાણું તેનું લક્ષ્ય હતું - જે ખુદ પિતા નારાયણે નક્કી કર્યું હતું. 1967ના જૂનમાં આ જૂથને વર્ગીઝ નામે નેતા મળ્યો. કન્નુર સામ્યવાદી પક્ષનો મંત્રી હતો, તેને નાટક અને નવલકથા લખવાનો શોખ હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) સાથે તેનું એન્કાઉન્ટર થયું. જેલમાં અજીતાની સ્થિતિ સારી નહોતી, કસ્ટડીમાં બળાત્કારની ચેતવણી આપવામાં આવી. તેને તદ્દન એકલી રાખવામાં આવી હતી.
જેલ-મુક્તિ પછી તેણે સંસ્મરણો લખ્યા, તે કથિત ક્રાંતિના ભ્રમ-નિરસનના છે. તેની બીજી આવૃત્તિ થઈ, 1992માં. ‘પુરુષ બિરાદર’નું અસલી સ્વરૂપ આ સંસ્મરણોમાં છે. જેલમાંથી છૂટીને લગ્ન કર્યાં. બે સંતાનો થયાં. એક સ્વૈછિક સંસ્થામાં પ્રવૃત્ત થઈ.
અજીતાની તરૂણ વય કેરળમાં માતા-પિતાની છાયામાં વીતી. કોઝિકોડની સરકારી શાળામાં અભ્યાસ કર્યો. બીમાર પડી તો છુટ્ટીના દિવસોમાં ચાર્લી ચેપ્લિનને વાંચ્યો. તેની મૂંગી ફિલ્મો જોઈ. પછી ચીની ક્રાંતિના પુસ્તકો વાંચ્યા. એડગર એલેન પોની નવલકથા ‘ધ અધર સાઈડ ઓફ ધ રિવર’ વાંચી અને વિચાર-વિસ્ફોટ શરૂ થયો. 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બાહ્ય કટોકટી લાગુ પાડવામાં આવી ત્યારે પિતા નારાયણ ધંધો છોડીને પક્ષના વફાદાર નેતા બન્યા. અને ચીનની સાથેના જોડાણના દસ્તાવેજો છાપ્યા. કોમરેડોને આ ગમ્યું નહિ. ઇ.એમ.એસ. નામ્બુદ્રીપાદ જેવા માનીતા નેતાએ પણ આ યોજનાનો અસ્વીકાર કર્યો એટલે નારાયણે એક પુસ્તકની દુકાન ખોલી. તો પોતાના જ કોમરેડો તેના પ્રત્યે આક્રમક બનીને નિંદા કરવા માંડ્યા. 1967 માં નારાયણને જેલમાં જવું પડ્યું. 1967માં જ તેને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા.
1967માં જ માતા મંદાકિનીના સગાંવહાલા પાસે તે મુંબઈ ગઈ અને બોરિસ પાસ્તરનાકની નવલકથા ‘ડો. ઝિવાગો’ પરથી બનેલી ફિલ્મ જોઈ. તેને ગમી નહીં. ચીની સાહિત્ય તેની પસંદગીમાં રહ્યું. કેરળ આવીને પત્રિકાઓનું આયોજન કર્યું તેનાથી કેરળમાં નક્સલવાદનો પ્રારંભ થયો. આ પુસ્તકમાં 33 પ્રકરણોમાં તેની દાસ્તાન છે. કેટલીક તસવીરો પણ છે.
પુસ્તકના 35મા પરિશિષ્ઠમાં પોતાના જેલ બહારના દિવસો વિશે તેણે લખ્યું છે. જેણે પુત્રીને જોખમી નક્સલવાદ તરફ દોરી તે પિતા સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા, વર્ગીઝની સાથે તે પ્રેમમાં પડી પણ લગ્ન કરી શકી નહિ. પુલપલ્લી ધાડમાં તે સાથીદાર હતો. તેની હત્યા થઈ. 2006માં માતા મંદાકિનીએ છેલ્લા શ્વાસ લીધા. પોતાનાથી નાની ઉમરના મુસ્લિમ મિત્રની સાથે તે 1981માં પરણી ગઈ અને પાછલો ભૂતકાળ દાટી દીધો. મુસ્લિમ પરિવારને તે ગમ્યું નહિ. એક પુત્રી જન્મી તેનું નામ ગાર્ગી રાખ્યું, ‘કલા કૌમુદી’ નામે સામયિકમાં સંસ્મરણો લખવાં શરૂ કર્યા. 1995થી તેણે મહિલા કલ્યાણને પોતાની જાતને સમર્પિત કરી દીધી. ગુજરાતી નારીવાદી વિભૂતિ પટેલ સાથે પણ કામ કર્યું. એક સ્ત્રી સંગઠન સ્થાપ્યું શ્રી વેદી તેનું મુખ્ય નામ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter