એશિયન એચિવર્સ એવોર્ડ્સઃ ફરહાન અખ્તર ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર

રુપાંજના દત્તા Monday 25th September 2017 06:00 EDT
 
 

લંડનઃ બોલીવૂડના સિતારાઓ, શાનદાર સેલેબ્રિટીઝ અને હાઈ પ્રોફાઈલ મહાનુભાવોની ઝાકમઝોળ મધ્યે પ્રભાવક ૧૭મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્સના વિજેતાઓની સિદ્ધિની ઉજવણી શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બરના દિવસે લંડનના પાર્ક લેનસ્થિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે કરવામાં આવી હતી. એવોર્ડવિજેતાઓમાં સમાવિષ્ટ બોલીવૂડના અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તરને ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર (મેલ); નાટ્યલેખિકા તાનિકા ગુપ્તા MBEને એચિવમેન્ટ ઈન મીડિયા તેમજ સુરિન્દર અરોરા- બિઝનેસ પર્સન ઓફ ધ યરના એવોર્ડ્સ એનાયત કરાયા હતા, જ્યારે બ્રિટનમાં જાતિ સંબંધોની સુસંવાદિતામાં પ્રદાન અને સમગ્રતયા પ્રભાવક સિદ્ધિઓ બદલ લોર્ડ ઈન્દરજિત સિંહ CBEને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 

શુક્રવારની રાત્રે ગ્રોવનર હાઉસ હોટેલના ઘ ગ્રેટ રુમનો દેખાવ પુરાતન આઈવરી અને ગોલ્ડન રંગોમાં સુશોભિત જાણે ક્લાસિક ફિલ્મના સેટ હોય તેવો દેખાતો હતો. પાર્ક લેન ખાતે ઝાકમઝોળભર્યા ૭મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્સ કાર્યક્રમમાં ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડના વિજેતા બોલીવુડના સુપરસ્ટાર ફરહાન અખ્તર સહિત ઉપસ્થિત સેલેબ્રિટીઝ અને હાઈ પ્રોફાઈલ મહાનુભાવોએ રેડ કાર્પેટ પર કતાર લગાવી લીધી હતી અને તેઓએ પાપારાઝીસને મનગમતા પોઝ પણ આપ્યા હતા.

બોલીવૂડની ગાયિકા, અભિનેત્રી અને મોડેલ રાગેશ્વરી તથા ઈસ્ટએન્ડર્સના પૂર્વ સ્ટાર એક્ટર નીતિન ગણાત્રા દ્વારા હોસ્ટ કરાયેલા એવોર્ડ્સ સમારંભમાં ચેરિટી પાર્ટનર અક્ષયપાત્ર માટે ૧૫૫,૦૦૦ પાઉન્ડથી વધુનું ભંડોળ એકત્ર કરાયું હતું. આ ચેરિટી ભારતમાં દરરોજ શાળાઓના ૧.૬ મિલિયન વિદ્યાર્થીઓને તાજા રંધાયેલા અને પૌષ્ટિક ભોજન પૂરું પાડીને વર્ગખંડમાં ભૂખની નાબૂદી કરવા સાથે બાળશિક્ષણ ક્ષેત્રે કામગીરીની સેવા આપે છે. એવોર્ડ સમારંભમાં મીડિયા, આર્ટ અને કલ્ચરના ક્ષેત્રોમાં ભરાયેલી મહાન હરણફાળને પણ પ્રકાશમાં લવાઈ હતી.

એવોર્ડવિજેતાઓમાં નાટ્યલેખિકા તાનિકા ગુપ્તા MBEને એચિવમેન્ટ ઈન મીડિયા તેમજ સુરિન્દર અરોરા- બિઝનેસ પર્સન ઓફ ધ યર તેમજ બ્રિટનમાં જાતિ સંબંધોમાં સુસંવાદિતામાં પ્રદાન અને સમગ્રતયા પ્રભાવક સિદ્ધિઓ બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત લોર્ડ ઈન્દરજિત સિંહ CBEનો સમાવેશ થયો હતો.

ABPL ગ્રૂપના પ્રકાશક અને તંત્રી શ્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘ આપણી કોમ્યુનિટીમાં શ્રેષ્ઠતાને બિરદાવવા માટે એશિયન એચિવર્સ એવોર્ડ્સના વધુ એક નોંધપાત્ર વર્ષમાં તમામ એવોર્ડવિજેતાઓ તેમજ એવોર્ડ માટે નોમિનીઝને અભિનંદન પાઠવતા હું આનંદ અનુભવું છું. અમે ૧૭ વર્ષથી આ એવોર્ડ્સનું આયોજન કરી રહ્યા છીએ તે સમયગાળામાં બ્રિટનમાં સાઉથ એશિયનોની સિદ્ધિઓમાં પ્રચંડ ઉત્ક્રાંતિ જોવા મળી છે. હવે આપણી સમક્ષ દરેક ક્ષેત્રમાં એક રોલ મોડેલ-આદર્શ છે, જેઓ આગામી પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે.’

અક્ષય પાત્ર ચેરિટી સંસ્થાના CEO ભવાની સિંહે જણાવ્યું હતું કે,‘‘અક્ષય’નો અર્થ અનંત છે અને ‘પાત્ર’ એટલે વાસણ થાય છે. આ એવું પાત્ર છે જે કદી ખાલી થતું નથી અને અમે દરરોજ લાખો બાળકોને ભોજન પીરસીએ છીએ તે અનંત બની રહે તેમ કરવાનો અમારો ઈરાદો છે.’

ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડના વિજેતા અને અભિનેતા ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે,‘ આ એવોર્ડ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે આ મોટુ સન્માન છે.’ એચિવમેન્ટ ઈન મીડિયા એવોર્ડના વિજેતા તનિકા ગુપ્તા MBEએ જણાવ્યું હતું કે,‘હું આપનો ઘણો આભાર માનું છું. આ એવોર્ડ અને આ સાંજ માટે ખરેખર મહત્ત્વ એ બાબતનું છે કે મુખ્યપ્રવાહમાં પણ મારાં જેવા લોકો-લેખકોની સામાન્યપણે કદર કરાતી નથી. આથી, આખરે મારી કોમ્યુનિટી તરફથી આ કદર થઈ તે ખરેખર વિલક્ષણ છે.’

એશિયન એચિવર્સ એવોર્ડ્સ માટે હેડલાઈન સ્પોન્સર Eyના ઝિશાન નુરમોહમ્મદે જણાવ્યું હતું કે,‘તમે જ્યારે આ પ્રકારના મેળાવડામાં હો અને આટલા બધા અદ્ભૂત લોકોથી ઘેરાયેલા હો ત્યારે એ માનીલેવાનું સરળ જ હોય છે કે ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં આપણી કોમ્યુનિટી કેટલી સફળ છે. જો કોઈને યાદ અપાવવાની જરૂર હોય તો એટલું જ કહેવાનું કે યુકેમાં ભારતીય બિઝનેસીસનું ટર્નઓવર ૪૦ બિલિયન પાઉન્ડથી વધુ છે, સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં પ્રથમ સ્થાને ભારતીય છે અને ટોપ-૧૦માં રહેલા બે ભારતીયની સંયુક્ત સંપત્તિ લગભગ ૩૦ બિલિયન પાઉન્ડ છે. હિન્દુજા અને મિત્તલને ઊંચા શિખર પર જોવાનું કોઈ આશ્ચર્ય રહ્યું નથી. યુકેના ત્રીજા ભાગથી વધુ SME’s હવે મુસ્લિમ સંચાલિત બિઝનેસીસ હસ્તક છે તેનાથી તમને ખ્યાલ આવશે કે સંપૂર્ણ BME સેક્ટર કેટલું પ્રદાન આપતું હશે. આ સ્ટેટેસ્ટિક્સ તમને સફળ સ્ટોરીઝ કહેતું જ રહેશે અને તે યુકેમાં એશિયન બિઝનેસીસના ઝડપી વિકાસ અને જ્યાં દેખાય ત્યાંથી તક ઝડપી લેવાના તેમના મંત્રનું સ્પષ્ટ વિધાન છે.’

ધ એશિયન એચિવર્સ એવોર્ડનો આરંભ કરાયો ત્યારથી વિવિધ ચેરિટીઝ માટે લાખો પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવામાં આવે છે અને આ વર્ષના ચેરિટી પાર્ટનર તરીકે અક્ષયપાત્ર ફાઉન્ડેશનની પસંદગી કરાઈ હતી. આ ચેરિટી સંસ્થા દરરોજ સમગ્ર ભારતમાં શાળાઓના ૧.૬ મિલિયન બાળકોને તાજા રાંધેલા અને પૌષ્ટિક ભોજનની સુવિધા આપી વર્ગખંડની ભૂખની નાબૂદી અને બાળશિક્ષણના ક્ષેત્રે કામગીરી બજાવે છે. ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ એસ્યોરન્સ, ટેક્સ, ટ્રાન્ઝેક્શન અને સલાહકારી સેવાઓમાં વિશ્વમાં અગ્રણી EY ને પોતાના હેડલાઈન સ્પોન્સર તરીકે જાહેર કરતા ગૌરવ અનુભવે છે.

આ સાથે, શાંતિ હોસ્પિટાલિટી અને એડવર્ડિયન હોટેલ્સ પણ એવોર્ડ્સને સ્પોન્સર કરી રહેલ છે જ્યારે મીડિયા પાર્ટનર તરીકે કલર્સ ટીવી સામેલ થયેલ છે.

એશિયન એચિવર્સ એવોર્ડ્સ ૨૦૧૭ના વિજેતાઓ

પ્રોફેશનલ ઓફ ધ યર- ફયાઝ અફઝલ OBE

સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર- શિવકુમાર રામાસામી

એચિવમેન્ટ ઈન આર્ટ્સ એન્ડ કલ્ચર- અમ્રિત કૌર લોહિઆ

એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ- સાબા નસીમ BEM

યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ- કુલબીર પસરિચા

એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર- જિ ફરનાન્ડો MBE

વુમન ઓફ ધ યર- જગદીપ રાય

એચિવમેન્ટ ઈન મીડિયા- તનિકા ગુપ્તા MBE

બિઝનેસ પર્સન ઓફ ધ યર- સુરિન્દર અરોરા

લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ- લોર્ડ ઈન્દરજિત સિંહ CBE

ઈન્ટરનેશનલ બિઝનેસપર્સન ઓફ ધ યર- બિરેન સાસ્માલ

ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર- ફરહાન અખ્તર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter