નકલખોરો સામેના કાનૂની જંગમાં એશિયન એચિવર્સ એવોર્ડ્સનો વિજય

Saturday 04th May 2019 06:50 EDT
 
 

લંડનઃ એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL)ના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ એશિયન એચિવર્સ એવોર્ડ્સનો લંડનની હાઈ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટિશ એશિયન એચિવર્સ એવોર્ડ્સ લિમિટેડ (BAAA) વિરુદ્ધ કાનૂની યુદ્ધમાં વિજય થયો છે. ગુરુવાર બીજી મેએ જાહેર કરાયેલા ચુકાદામાં જજ મિસ રેકોર્ડર અમાન્ડા માઈકલ્સે ઠરાવ્યું હતું કે આ કાર્યક્રમો અથવા તેમના સંબંધિત ઓર્ગેનાઈઝર્સ સંકળાયેલા હોવાં વિશે ઉપસ્થિત મહેમાનો અને સ્પોન્સર્સમાં ગૂંચવાડો સર્જાવાનું નોંધપાત્ર જોખમ રહેલું છે તેમજ BAAA લિમિટેડ દ્વારા આ નામના ઉપયોગથી પાસિંગ ઓફ્ફનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

એશિયન એચિવર્સ એવોર્ડ્સ ગત ૧૮ વર્ષથી ઉત્તરોત્તર મજબૂત બની રહ્યાં છે અને છેલ્લાં છ વર્ષથી તેનું આયોજન પાર્ક લેનસ્થિત પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટલમાં કરવામાં આવે છે. અફસોસની વાત છે કે પ્રતિવાદીઓને આ નામનો ઉપયોગ કરતા તેમજ એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડની મહેનતુ ટીમ દ્વારા સર્જાયેલી ગૂડવિલનો દુરુપયોગ કરતા અટકાવવા માટે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડી છે. કોર્ટ દ્વારા કાનૂની ખર્ચ અને ડેમેજીસનું મૂલ્યાંકન કરવાનું બાકી છે.

એશિયન બિઝનેસ પબ્લિકેશન્સના ચેરમેન શ્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ દ્વારા હંમેશાં યુનાઈટેડ કિંગ્ડમમાં બ્રિટિશ એશિયન ડાયસ્પોરાની સફળતાને ઉજવવામાં આવે છે અને આવશે. અમે જે રીતે તેમની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ તેના પરિપ્રેક્ષ્યમાં એવોર્ડ્સે ખુદ એશિયન કોમ્યુનિટીમાં નોંધપાત્ર પ્રતિષ્ઠા હાંસલ કરી છે, જેનું અમે જોશપૂર્ણ રક્ષણ કરીશું.’

આ કેસમાં ABPLનું પ્રતિનિધિત્વ ચાન નેઈલ સોલિસિટર્સના નયનેશ દેસાઈ અને 3 New Square, Lincoln's Inn ના ડેનિસ મેક્ફાર્લેન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.

૧૯મા એશિયન એચિવર્સ એવોર્ડ્સનું આયોજન ૨૦૧૯ની છઠ્ઠી સપ્ટેમ્બરે પાર્ક લેનસ્થિત પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટલમાં કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter