ઓબામાના દિલ્હી આગમન પહેલાં આતંકવાદી હુમલાની ચેતવણી

Wednesday 21st January 2015 07:46 EST
 
ઓબામાની તાજમહેલની મુલાકાત માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહેલા અમેરિકન અને ભારતીય ઉચ્ચ અધિકારીઓ
 

ઓબામાની સુરક્ષાવ્યવસ્થાના વિવાદ

અમેરિકી એજન્સીઓ ઇચ્છે છે કે ઓબામા બુલેટપ્રૂફ કેડિલેક કારમાં રાજપથ પહોંચે, પરંતુ ભારત સરકાર રાષ્ટ્રપતિ સાથે તેમને લિમોઝિનમાં લઈ જવા ઇચ્છે છે. અમેરિકા રાજપથને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવા માગે છે, પરંતુ ભારતે ફ્લાઇપાસ્ટ રદ કરવાનો ઇનકાર કર્યો છે. ઓબામાં સુરક્ષા કારણોસર ખુલ્લાં સ્થળે ૩૦ મિનિટથી વધુ સમય રોકાતા નથી. પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેમણે ખુલ્લા આકાશ નીચે બે કલાક બેસવું પડશે.

ઉતારો મૌર્ય હોટેલમાં

અમેરિકાની સુરક્ષા એન્જસીઓ અને ભારતની ગુપ્તચર એજન્સીઓ ઓબામા રોકાણ કરવાના છે તે આઇટીસીની મૌર્ય હોટેલ પર અત્યારથી ડેરા નાખીને બેઠી છે. અહીં એક મલ્ટિફ્રિકવન્સી રૂમ પણ તૈયાર કરાયો છે. આ રૂમમાં સમગ્ર દિલ્હીમાં મુકાયેલા ૧૫,૦૦૦ સીસીટીવી કેમેરા પર ચાંપતી નજર રખાશે. જોકે, દિલ્હીમાં સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા માટે કેટલીક કોર્ટોએ આપેલા આદેશ બાદ નિષ્ક્રીય રહેવા બદલ અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની મુલાકાત ટાણે પાટનગરને ૧૫ હજાર સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવા માટે તરત જ તૈયાર થઈ જવા બદલ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની હાઈ કોર્ટે ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ બદર દુરેઝ એહમદ અને જસ્ટિસ સંજીવ સચદેવની બેંચે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું તે વિદેશી પ્રમુખ છે એટલે તમે આ કરો છો, પરંતુ ભારતના નાગરિકો માટે નથી કરતા. અમે તમને આવી વ્યવસ્થા ભારતીયો માટે ઊભી કરવાનું કહીએ તો તમે તેમાં વર્ષો લગાડો છો.

૧,૬૦૦ અમેરિકી અધિકારીઓ દિલ્હીમાં

બરાક ઓબામાની સુરક્ષા માટે ૧,૬૦૦ અમેરિકી સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. અગાઉ વર્ષ ૨૦૧૦માં ભારતની મુલાકાતે આવેલા ઓબામાની મુલાકાત કરતાં આ વખતે સુરક્ષા અધિકારીઓની ક્ષમતા બમણી કરાઇ છે. ૨૦૧૦માં ઓબામાની મુલાકાત વખતે ૮૦૦ અમેરિકી સુરક્ષા કર્મચારી તૈનાત હતા.

ઓબામા શું આપશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ૨૬ જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બનશે. જ્યારે ૨૭મીએ આગ્રાના તાજમહેલની મુલાકાત લઇ તેઓ અમેરિકા રવાના થશે. તેમની આ ત્રણ દિવસની મુલાકાત માત્ર કોઈ ઔપચારિક મુલાકાત નથી, ન તો તેઓ માત્ર ભારતના મહેમાન બનવા માટે અહીં આવી રહ્યા છે. ભારત-અમેરિકાના સંબંધોને પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ગાઢ બનાવ્યા, જોકે વચ્ચે તેમાં તિરાડ પણ પડી હતી. અમેરિકા વર્ષોથી ભારતમાં પોતાની આર્થિક ભૂખને પૂરી કરવા માટે મથી રહ્યું છે અને ઓબામાની મુલાકાત સાથે અમેરિકાનો આ સ્વાર્થ જરૂર છુપાયેલો હોઈ શકે છે.

અમેરિકા તકનો લાભ લેશે

વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા, તેમની આ મુલાકાતમાં તે સમયે કોઇ ખાસ કરાર નહોતા થયા પણ બંને દેશો વચ્ચેના સંબંધો સુધર્યા હોવાના દાવા જરૂર થયા, એટલે કે મોદીએ બન્ને દેશો વચ્ચેના સંવાદને વધુ તક આપી. બરાક ઓબામા ભારત આવે તે પહેલાં યુએસના સ્ટેટ સેક્રેટરી જ્હોન કેરી વાયબ્રન્ટ ગુજરાત સમિટ વખતે ભારત આવ્યા હતા. કેરીએ જણાવ્યું હતું કે અમને જે તક મળી છે તેનો અમે લાભ લઈશું. સાઉથ એશિયા પોલિસીને વધુ મજબૂત કરવા માટે અમારાથી જે થશે તે કરીશું. કેરીએ જણાવ્યું હતું કે ઓબામાની મુલાકાત દરમિયાન જે બાબતો પર ચર્ચા થશે તેમાં ટ્રેડ પોલિસી, ટેલિકોમ્યુનિકેશન્સ, ક્લાઇમેટ ચેંજ વગેરે ચર્ચાના મુખ્ય મુદ્દા બની રહેશે. બંને દેશોથી જે થઇ શકે તે આ મામલે કરવાની જરૂર છે.

પાકે. રણનીતિ બદલી

ભારત-અમેરિકાની વચ્ચે ચર્ચાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે પાકિસ્તાન પોતાની રણનીતિ બદલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એલઓસી પર ફાયરિંગ અટકી ગયું છે, છેલ્લા એક મહિનામાં સાત આતંકીઓને ફાંસી આપી છે. કેરીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી તે બાદ એવા અહેવાલો હતા કે હક્કાની નેટવર્ક અને હાફિઝ સઇદના આતંકી સંગઠન જમાત ઉદ્દ દાવા પર પાકિસ્તાન પ્રતિબંધ અંગે વિચાર્યું છે.

આતંકવાદ અંગેની ચર્ચા થશે

દર વખતની જેમ આ વખતે પણ અમેરિકા અને ભારતની વચ્ચે આતંકવાદને નાથવા માટે શું શું પગલાં લઇ શકાય તે અંગે ચર્ચા થશે, જોકે ઇરાકમાં લાંબા સમય બાદ આતંકી સંગઠન આઇએસઆઇએસ વિરુદ્ધ અમેરિકાએ પગલાં લીધાં હતાં. જ્યારે થોડા દિવસ પહેલાં પેરિસમાં યોજાયેલી આતંકવાદ વિરોધી રેલીમાં વિશ્વના દેશો જોડાયા હતા પણ ઓબામા તે સમયે ફૂટબોલની મેચ જોતા હતા જે બદલ યુએસ મીડિયાએ તેમની ટીકા કરી હતી, આમ ઓબામા આતંકવાદ વિરુદ્ધ જોઇએ તેટલા ગંભીર પગરાં લેવાના મૂડમાં હોય તેવું જણાતું નથી.

સંરક્ષણ મુદ્દો મહત્ત્વનો

થોડા દિવસ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવ્યા હતા અને ભારતમાં હથિયારોનાં ઉત્પાદન અંગે કરારો થયા હતા. હવે રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે ભારત આવી રહ્યા છે ત્યારે સંરક્ષણ સોદા અંગે ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત હથિયારોની ખરીદી અમેરિકા અને રશિયા પાસેથી જ વધુ કરે છે. ઓબામાની આ મુલાકાતમાં ડિફેન્સ ટેક્નોલોજી ટ્રાન્સફોર્મર્સ વગેરે ચર્ચામાં રહેશે, જે બે મહત્ત્વના પ્રોજેક્ટ પર ચર્ચા થઇ શકે છે તે છે યુએવી એટલે કે માનવરહિત વિમાન અમેરિકા પાસેથી ખરીદવાં, બીજો મહત્ત્વનો મુદ્દો સી-૧૩૦ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદીનો હોઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter