કાવેરી જળવહેંચણી વિવાદઃ કર્ણાટક અને તમિલનાડુમાં અશાંતિની આગ

Wednesday 14th September 2016 08:44 EDT
 
 

નવી દિલ્હીઃ તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણી માટે શરૂ થયેલો વિવાદ હિંસક બની ગયો છે. આ પહેલાં કર્ણાટકને ૧૫ હજાર ક્યુસેક પાણી રોજ છોડવાનો આદેશ અપાયો હતો. સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને ૨૦મી સપ્ટેમ્બર સુધી તામિલનાડુ માટે પ્રતિદિન ૧૨૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. જેના વિરોધ માટે કર્ણાટકમાં હિંસા શરૂ થઇ ગઇ છે અને તામિલોને ટાર્ગેટ બનાવીને હિંસા આચરવામાં આવે છે. પોલીસ ગોળીબારમાં એકનું મોત થયું હતું.
પરિસ્થિતિ કાબૂ બહાર જતાં બેંગ્લુરુમાં ૧૫ હજારથી પણ વધુ સુરક્ષા જવાનો તૈનાત કરી કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે. સામે તામિલનાડુમાં પણ કર્ણાટકના લોકોને લક્ષ્યાંક બનાવી તેમના પર હુમલા થઇ રહ્યાં છે. ચેન્નાઇમાં કન્નડ માલિકની ઉડીપી હોટેલ પર પેટ્રોલ બોંબ ઝિંકાયા હતા. રામેશ્વરમાં એનટીકે પાર્ટીના કાર્યકરોએ કર્ણાટકથી આવેલી એક મિની બસમાં તોડફોડ કરી ડ્રાઇવરને ગંભીર માર માર્યો હતો. કર્ણાટકમાં તામિઝાર કાત્ચી અને તામિઝાગા વાલાઝવુરિમાઇ કાત્ચીના કાર્યકરો સડકો પર કર્ણાટક વિરોધી પ્રદર્શનો કરવા ઉતરી આવ્યા હતા. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ૧૦૦૦થી પણ વધુ લોકોની અટકાયત કરી લેવાઇ છે. સીઆરપીએફ-એએએફના જવાનોની ટુકડી તૈનાત કરી દેવાઇ છે અને વધુ ૧૦ સૈન્ય કંપની મોકલવા માગણી કરાઇ છે.
કર્ણાટકમાં પેટ્રોલ બોમ્બ ફેંકાયા
સુપ્રીમ કોર્ટની સુનાવણી પછી કર્ણાટકમાં કાવેરી હોરાતા સમિતિએ બંધનું એલાન કર્યું. જેને પગલે તામિલોને ઢોર માર મારતા વીડિયો વાઇરલ થયા.
પોલીસના અહેવાલો મુજબ હિંસા એક વીડિયોને પગલે વધી ગઇ હતી, વીડિયોમાં કર્ણાટકના બેંગ્લુરુમાં તામિલનાડુના એક ૨૨ વર્ષીય યુવકને કેટલાક કર્ણાટકના નાગરિકો ઢોર માર મારી રહ્યા છે. જોકે બેંગ્લુરુમાં તામિલોના અનેક વાહનો, દુકાનો અને મિલકતોને આગ ચાંપવામાં આવી છે. જેના પગલે કર્ફ્યુ લાદી દેવાયો છે અને શાળા કોલેજો અને સરકારી કચેરીઓ બંધ કરી દેવાઇ છે.
સોમવારે બપોર બાદ તામિલનાડુને કાવેરીનાં પાણી આપવામાંથી હંગામી રાહત આપવાની કર્ણાટકની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં બેંગલુરુમાં તોફાની ટોળાં સડકો પર ઉતરી આવ્યાં હતાં. ઠેર -ઠેર વાહનો અને દુકાનોમાં આગજની કરાઇ હતી. તોફાનીઓએ તામિલનાડુનું રજિસ્ટ્રેશન ધરાવતાં વાહનો પર પથ્થરમારો કર્યો હતો અને બેંગલોરના કેપીએન બસ ડેપોમાં ૩૫ જેટલી બસોને આગચંપી કરતાં તામિલનાડુ જતી તમામ બસસેવા પણ સ્થગિત કરી દેવાઇ હતી. તોફાનીઓએ આજતકની ટીમ પર હુમલો કરી કેમેરો તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બેંગલુરુ, માન્ડયા, મૈસૂર, ચિત્રદુર્ગ અને ધારવાડ જિલ્લાઓના ધોરીમાર્ગો પર તામિલનાડુની ટ્રકો પર પથ્થરમારો કરાયો હતો અને કેટલીક ટ્રકોને આગ ચાંપી દેવાઇ હતી.
કર્ણાટક સરહદે બંદોબસ્ત
કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ મેહરિષીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તમામ સહાય કરશે. તો રાજ્ય ગૃહ પ્રધાન જી પરમેશ્વરે જણાવ્યું હતું કે, સ્થિતિ પર કાબૂ મેળવવા અર્ધલશ્કરી દળો અને આરપીએફને તૈનાત કરાયાં છે. પોલીસે અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ તોફાનીઓની અટકાયત કરી છે. મેંગલોરમાં પણ હિંસક બનાવો બનતાં શહેરમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી દેવાયાં હતાં. કાવેરી નદી પર આવેલાં ચાર બંધોની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરાયાં હતાં
સિદ્ધાર્થનો જયલલિતાને પત્ર
તામિલનાડુમાં કન્નડ લોકો પર હુમલાના પગલે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જયલલિતાને પત્ર લખી ચેન્નાઇ અને અન્ય શહેરોમાં હિંસા સામે સખ્ત પગલાં લેવાની માગ કરી હતી. દરમિયાન કર્ણાટકમાં સ્થિતિ વણસતાં સિદ્ધારમૈયાએ મંગળવારે સવારે ૧૧:૩૦ કલાકે પ્રધાનમંડળની બેઠક બોલાવી હતી. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, કન્નડ લોકો પર થઇ રહેલા હુમલા અંગે જરૂર પડશે તો હું કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરીશ.
નાગરિકો કાયદો ન બની શકે
સુપ્રીમ કોર્ટે સોમવારે હિંસા અટકાવવા સામે લાચારી વ્યક્ત કરનાર કર્ણાટક સરકાર અને પ્રજાની ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું કે, નાગરિકો જાતે કાયદો બની શકે નહીં. સુપ્રીમ કોર્ટ કોઇ આદેશ જારી કરે છે ત્યારે સરકાર અને નાગરિકો તેનું પાલન કરવા બંધાયેલાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter