કાશી, મથુરા, સંભલ મંદિર-મસ્જિદ વિવાદ

હિંદુ-મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટનું સમાધાનનું સુચન નકારતા કહ્યું - કેસ લડીને નિર્ણય ઇચ્છીએ છીએ

Wednesday 15th July 2026 05:30 EDT
 
 

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશનાં ત્રણ મંદિર-મસ્જિદ વિવાદોને લઈને હિંદુ અને મુસ્લિમ પક્ષકારોએ દેશની સર્વોચ્ચ અદાલતનો મધ્યસ્થીનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ ત્રણેય વિવાદ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ અને સંભલની શાહી જામા મસ્જિદ સાથે સંકળાયેલા છે.
સુપ્રીમ કોર્ટે આ મામલાઓના શાંતિપૂર્ણ સમાધાન માટે ‘સમાધાન સમારોહ 2026’ પહેલ હેઠળ પત્ર મોકલીને મધ્યસ્થીનો પ્રસ્તાવ આપ્યો હતો. સાથે સાથે જ કોર્ટે બંને પક્ષકારો પાસેથી આ મુદ્દે સંમતિ માંગી હતી. જોકે, કોઈપણ પક્ષે આ માટે સંમતિ આપવાનો ઇનકાર કરી દઇને કેસ લડવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આપી નથી. જોકે કોર્ટે આ પત્ર ક્યારે મોકલ્યો હતો, તેની જાણકારી સામે આવી નથી. હિન્દુ-મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે તેઓ અદાલતમાં જ કેસ લડીને નિર્ણય ઇચ્છે છે. જોકે સુપ્રીમ કોર્ટ પરિસરમાં 21 થી 23 ઓગસ્ટ સુધી ‘સમાધાન સમારોહ’ હેઠળ વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય લાંબી કાનૂની લડાઈને બદલે વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો છે.

ત્રણ વિવાદ, બે પક્ષકાર અને કાનૂની સ્થિતિ પર એક નજર...

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (વારાણસી)

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ છે. હિંદુ પક્ષકારોનો દાવો છે કે 17મી સદીમાં મુઘલ શાસક ઔરંગઝેબે અહીં આવેલા પ્રાચીન વિશ્વેશ્વર (કાશી વિશ્વનાથ) મંદિરને આંશિક રીતે તોડી પાડીને મસ્જિદ બનાવી હતી.
હિંદુ પક્ષની માગ છે કે જ્ઞાનવાપી પરિસરને પ્રાચીન વિશ્વેશ્વર મંદિર જાહેર કરવામાં આવે. મસ્જિદ પરિસરમાં નિયમિત પૂજાની પરવાનગી મળે. પરિસરમાં મળેલા ધાર્મિક અવશેષોને મંદિરનો ભાગ માનવામાં આવે.
બીજી તરફ, મુસ્લિમ પક્ષની માગ છે કે જ્ઞાનવાપીને મસ્જિદ તરીકે જાળવી રાખવામાં આવે. પૂજા સ્થળ અધિનિયમ, 1991 હેઠળ નવા દાવાઓને ફગાવી દેવામાં આવે. મસ્જિદમાં મુસ્લિમોના નમાજના અધિકારો સુરક્ષિત રહે.
કાનૂની સ્થિતિઃ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ) સર્વે સહિત અનેક કેસોની સુનાવણી અલગ-અલગ અદાલતોમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને લોક અદાલત દ્વારા સમાધાનનો વિકલ્પ સૂચવ્યો છે.

•••

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદ (મથુરા)

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન પાસે આવેલી શાહી ઈદગાહ મસ્જિદને લઈને વિવાદ છે. હિંદુ પક્ષનો દાવો છે કે આ મસ્જિદ ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ પર બનેલા મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.
હિંદુ પક્ષની માગ છે કે શાહી ઈદગાહ મસ્જિદ હટાવવામાં આવે. આખી જમીન શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવામાં આવે. મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવે.
બીજી તરફ, મુસ્લિમ પક્ષની માગ છે કે મસ્જિદને કાયદેસર ધાર્મિક સ્થળ માનવામાં આવે. 1968ના કરાર અને પૂજા સ્થળ અધિનિયમ, 1991નું પાલન કરવામાં આવે. તમામ અરજીઓ રદ કરવામાં આવે.
કાનૂની સ્થિતિઃ અલાહાબાદ હાઈકોર્ટમાં ઘણા કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે તેને પણ લોક અદાલત દ્વારા ઉકેલવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

•••

શાહી જામા મસ્જિદ વિવાદ (સંભલ)

ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદને લઈને હિંદુ પક્ષનો દાવો છે કે તે પ્રાચીન હરિહર (હરિ) મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.
હિંદુ પક્ષની માગ છે કે મસ્જિદનો પુરાતત્વીય સર્વે કરાવવામાં આવે. મંદિરના અવશેષો મળવા પર મંદિરને પુનર્સ્થાપિત કરવામાં આવે. હિંદુઓને પૂજાનો અધિકાર મળે.
બીજી તરફ, મુસ્લિમ પક્ષની માગ છે મસ્જિદને ઐતિહાસિક અને કાયદેસર મસ્જિદ ગણવામાં આવે. સર્વે અને નવા કેસોને રોકવામાં આવે. પૂજા સ્થળ અધિનિયમ, 1991 લાગુ કરવામાં આવે.
કાનૂની સ્થિતિ: સર્વેને લઈને વિવાદ અને હિંસા પછી મામલો ઉચ્ચ અદાલતો સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ વિવાદને પણ લોક અદાલતમાં સમાધાન માટે સામેલ કર્યો છે.

હિન્દુ-મુસ્લિમ પક્ષકારોના ઇનકાર બાદ હવે શું?

સર્વોચ્ચ અદાલતે આગામી 21 થી 23 ઓગસ્ટ વચ્ચે ‘સમાધાન સમારોહ’ અંતર્ગત વિશેષ લોક અદાલત યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનો ઉદ્દેશ્ય અદાલતની બહાર વાતચીત અને પરસ્પર સહમતિથી સમાધાન શોધવાનો હતો. જોકે, હિંદુ અને મુસ્લિમ બંને પક્ષોએ હાલમાં મધ્યસ્થી કે લોક અદાલતના પ્રસ્તાવ પર સહમતિ આપી નથી અને તેઓ અદાલત દ્વારા જ નિર્ણય ઇચ્છે છે. તેથી ત્રણેય કેસોની કાનૂની સુનાવણી સંબંધિત અદાલતોમાં ચાલુ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter